Odisha OBC Survey : ઓડિશામાં ઓબીસી સર્વેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આજથી (1 મે)શરૂ થયેલો આ સર્વે 27 મે સુધી ચાલશે. આ સર્વેના માધ્યમથી પછાત સામાજિક અને શૈક્ષણિક સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત પરિવારમાં કેટલા સભ્યો છે, તેઓ ઘરમાં કેવી રીતે રહે છે, આ પાસાઓને પણ સર્વેમાં સામેલ કરવામાં આવશે. બિહાર બાદ ઓડિશા દેશનું બીજું એવું રાજ્ય બની ગયું છે જ્યાં ઓબીસી સર્વે કરવામાં આવી રહ્યો છે.
ઓબીસી સર્વેથી શું પ્રાપ્ત થશે?
આ ઓબીસી સર્વેનો ટાઇમિંગ મહત્વનો જોવા મળી રહ્યો છે. આ સમયે દેશમાં જાતિગત વસ્તી ગણતરીને લઇને ચર્ચા ચાલી રહી છે. ઘણા રાજ્યો દ્વારા જાતિગત વસ્તી ગણતરી થવી જોઇએ તેવી માંગ પણ ઉઠી રહી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સતત આ માંગ ઉઠાવી રહ્યા છે. તેમના તરફથી બિહારમાં પહેલો ઓબીસી સર્વે કરવામાં આવ્યો છે. આ જ કડીમાં ઓડિશા પણ જોડાયું છે. પરંતુ સવાલ એ થાય છે કે આ ઓબીસી સર્વેનો અર્થ શું છે? આ સર્વેથી શું બદલાઇ જશે?
ઓડિશામાં થઈ રહેલા ઓબીસી સર્વેમાં 208 ઓબીસી સમુદાયોની સામાજિક અને શૈક્ષણિક સ્થિતિનું સચોટ મૂલ્યાંકન કરવામાં આવશે અને ત્યારબાદ તેના આધારે તેમના માટે વિકાસ યોજનાઓ લાગુ કરવામાં આવશે. જાણકારોનું માનવું છે કે આ સર્વેથી બે ફાયદા થશે, એક તો સરકારી યોજનાઓનો લાભ ઓબીસી વર્ગમાં યોગ્ય રીતે પહોંચશે. જ્યારે બીજી તરફ તેનો રાજકીય ફાયદો એ પણ હોઈ શકે છે કે સીએમ પટનાયક ઓબીસી સર્વે દ્વારા આ સમાજની વચ્ચે પોતાની મજબૂત હાજરીનો અહેસાસ કરાવી શકે છે.
ઓડિશામાં ભાજપને રોકવાનો પ્રયાસ?
અહીં એ સમજવું પણ જરૂરી છે કે છેલ્લા કેટલાક સમયથી ઓબીસી મતોમાં ભાજપની લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો થયો છે. ઘણા રાજ્યોમાં પાર્ટીએ આ સમાજને પોતાના પક્ષમાં લાવી દીધો છે. ઓડિશામાં તેમની પાસે ધર્મેન્દ્ર પ્રધાન જેવો મોટો ચહેરો છે. આવી સ્થિતિમાં બીજેડી માટે ભાજપના વિસ્તરણને રોકવા માટે પણ ઓબીસીને ખુશ રાખવાનું રાજકીય રીતે જરૂરી બની જાય છે.