Odisha Train Accident : ઓડિશાના બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માત અંગે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સતત આ સમગ્ર મામલા પર નજર રાખી રહ્યા છે. અશ્વિની વૈષ્ણવે રવિવાર (4 જૂન)ના રોજ આ વિશે મોટી માહિતી શેર કરી હતી. રેલવે મંત્રીએ કહ્યું કે આ મામલે રેલવે સેફ્ટી કમિશ્નરે તપાસ કરી છે. અકસ્માતનું કારણ જાણી લેવામાં આવ્યું છે અને જવાબદાર લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. તેમણે કહ્યું કે ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગમાં ફેરફારને કારણે આ અકસ્માત થયો છે.
તપાસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ: અશ્વિની વૈષ્ણવ
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે બાલાસોરમાં ત્રણ ટ્રેનોની ટક્કરમાં 275 મુસાફરોના મોત થયા છે. કમિશ્નર ઓફ રેલવે સેફ્ટીએ આ મામલે તપાસ કરી છે અને ઘટનાનું કારણ અને જવાબદાર લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. તપાસ રિપોર્ટ આવે ત્યાં સુધી રાહ જોવી પડશે. ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગમાં ફેરફારને કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 1000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
અત્યારે અમારું ધ્યાન રૂટે ફરી ચાલું કરવા પર છે: રેલવે મંત્રી
રેલવે મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે અત્યારે અમારું ધ્યાન શક્ય તેટલી વહેલી તકે રૂટને પુન:સ્થાપિત કરવા પર છે. બુધવાર સવાર સુધીમાં તો સમગ્ર કામ પૂરું થઈ જશે. અમે આ લક્ષ્યને લઇને આગળ વધી રહ્યા છીએ. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. અમે આજે ટ્રેકને પુન:સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તમામ મૃતદેહોને દૂર કરવામાં આવ્યા છે. અમારું લક્ષ્ય બુધવાર સવાર સુધીમાં રિસ્ટોરેશનનું કામ પૂરું કરવાનું છે, જેથી આ ટ્રેક પર ટ્રેનો દોડવાનું શરૂ કરી શકે.
આ પણ વાંચો – Odisha Train Accident : ઓડિશા ટ્રેન અકસ્માત કેવી રીતે થયો? સમજીએ સરળ શબ્દોમાં
ઓડિશા સરકાર મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા આપશે
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે શક્ય તેટલી વહેલી તકે સામાન્ય સ્થિતિ પ્રસ્થાપિત કરવાની જવાબદારી આપણી છે. ભારતીય રેલવે મફત ટ્રેન ચલાવી રહી છે. કારણોની તપાસ કરવામાં આવી રહી છે. આ માટે જવાબદારો સામે કડક કાર્યવાહી કરીશું. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે અકસ્માતમાં મૃતકોના પરિજનોને પાંચ-પાંચ લાખ રૂપિયા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને 1-1 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી હતી.
આ પહેલા શનિવારે રેલવે મંત્રાલયે જાણકારી આપી હતી કે ઓડિશાના બાલાસોરમાં બચાવનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. રેલવે મંત્રાલયે એક ટ્વિટમાં કહ્યું હતું કે સાત પોકલેન મશીન, બે અકસ્માત રાહત ટ્રેનો અને 3-4 રેલવે અને રોડ ક્રેનને વહેલી તકે પુન:સ્થાપિત કરવા માટે મુકવામાં આવ્યા છે. ભારતીય વાયુસેના (આઈએએફ)એ મૃતકો અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવા માટે એમઆઈ-3 હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. ઇસ્ટર્ન કમાન્ડના જણાવ્યા અનુસાર આઇએએફે નાગરિક પ્રશાસન અને ભારતીય રેલવેની સાથે બચાવ માટે તમામ શક્ય પ્રયાસો કર્યા છે.





