Pulwama Attack: મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ફરી એક વખત પુલવામામાં આતંકી હુમલાને લઇને મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. પુલવામાં હુમલાની ચોથી વરસી પર દિગ્વિજય સિંહે શહીદ જવાનોને યાદ કરતા ટ્વિટ કર્યું છે. આ સાથે તેમણે કેન્દ્ર સરકાર પર પ્રહાર પણ કર્યો છે.
દિગ્વિજય સિંહે પોતાના ટ્વિટમાં કહ્યું કે આજે આપણે તે 40 સીઆરપીએફ શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ, જે જાસુસી નિષ્ફળતાને કારણે શહીદ થઇ ગયા હતા. મને આશા છે કે બધા શહીદ પરિવારોને પુર્નવાસ મળી ગયું હશે.
શિવરાજ સિંહ ચૌહાણ સરકારના મંત્રી રહેલા નરોત્તમ મિશ્રાએ દિગ્વિજય સિંહ પર વળતા પ્રહાર કરતા કહ્યું કે આ કોંગ્રેસની આદત થઇ ગઇ છે, સેના પર આ પ્રકારની નિવેદનબાજી કરવી. તેમનું ટ્વિટ જોઇને એવું લાગી રહ્યું છે કે કોઇ આઈએસઆઈએ ટ્વિટ કર્યું હોય. ભારત માતાની સેવામાં પોતાના પ્રાણોના બલિદાન આપનાર ઉપર પણ તમે કટાક્ષ કરવાથી ચુકતા નથી. મને લાગે છે કે આ કોંગ્રેસની આદત થઇ ગઇ છે. સેના ઉપર આ પ્રકારના નિવેદન કરવા અને તેમના મનોબળને તોડવું.
શિવરાજ સિંહે પણ કર્યો પ્રહાર
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ દિગ્વિજય સિંહ પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે દિગ્વિજય દેશનું અપમાન કરે છે, લાગે છે કે તેમની બુદ્ધિ ફેઇલ થઇ ગઇ છે, આ તેમની ફેલિયર છે. તે દેશની સેનાનું અપમાન કરે છે. દિગ્વિજય સિંહ અને કોંગ્રેસ પાર્ટીના ડીએનએની તપાસ થવી જોઈએ. જે ભારત જોડવાના નામ પર તોડનાર સાથે યાત્રા કરે છે. સોનિયા જી અને રાહુલ જી એ આનો જવાબ આપવો જોઈએ.
આ પણ વાંચો – જમ્મુ અને કાશ્મીર: લિથિયમ ભંડાર ભારતનો ચહેરો બદલી નાખશે
શિવરાજ સિંહે કહ્યું કે દિગ્વિજય પાકિસ્તાનની ભાષા બોલે છે અને સેનાનું મનોબળ તોડવાનો પ્રયત્ન કરે છે. તપાસ તો તેમની થવી જોઇએ. દેશ અને સેના વિરુદ્ધ બોલવાના બીજ તેમના મગજમાં કોણ નાખે છે. એક પાર્ટીના નેતા સતત સેનાની રાષ્ટ્રભક્તિ અને બહાદુરી પર પશ્નચિન્હ લગાવી રહ્યા છે અને પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે.
આ પહેલા પણ દિગ્વિજય સિંહ પુલવામા હુમલા પર નિવેદન આપીને ચર્ચામાં આવ્યા હતા. તેમણે સર્જિકલ સ્ટ્રાઇકને લઇને પણ સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા.