One Nation One Election : કાયદા પંચે બુધવારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની પેનલ સાથે ‘એક દેશ, એક ચૂંટણી’ (વન નેશન, વન ઇલેક્શન) પર ચર્ચા કરી હતી. આ દરમિયાન પંચના અધ્યક્ષ જસ્ટિસ ઋતુરાજ અવસ્થીએ એકસાથે ચૂંટણી યોજવાના રોડમેપ પર ચર્ચા કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવા માટે ચૂંટણી પંચને લગભગ 30 લાખ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની જરૂર પડશે. તેમજ ચૂંટણી સુચારૂ રીતે પાર પાડવા માટે તૈયારીઓને દોઢ વર્ષ જેટલો સમય લાગશે.
લોકસભા-વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવા કેટલા વોટિંગ મશીન જોઇએ?
ઈવીએમમાં એક કંટ્રોલ યુનિટ, ઓછામાં ઓછા એક બેલેટ યુનિટ અને વોટર વેરીફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) યુનિટ હોય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એકસાથે ચૂંટણી કરાવવા માટે ઇલેક્શન કમિશનને લગભગ 30 લાખ કંટ્રોલ યુનિટ, લગભગ 43 લાખ બેલેટ યુનિટ અને લગભગ 32 લાખ વીવીપીએટીની જરૂર પડશે.

સૂત્રોએ જણાવ્યું કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવા માટે લગભગ 35 લાખ વોટિંગ યુનિટ્સ (કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ અને VVPAT યુનિટ)ની અછત છે. એકસાથે ચૂંટણીઓ યોજવા અંગેની ચર્ચાઓ તેજ બની હોવાથી ચૂંટણી પંચે થોડા મહિના પહેલા કાયદા પંચને જાણ કરી હતી કે તેને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો રાખવા માટે પુરતા પ્રમાણમાં સ્ટોરેજની પણ વ્યવસ્થા કરવી પડશે.
લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની એક સાથે ચૂંટણી યોજવા અંગેના અહેવાલ પર ચૂંટણી પંચ કામગીરી કરી રહ્યું છે, તેણે ચૂંટણી પંચ સાથે તેની જરૂરિયાતો અને પડકારો અંગે ચર્ચા કરી હતી. આ વાતચીત અંગે સૂત્રોએ જણાવ્યું કે, ઘણુ બધુ એ વાત પર નિર્ભર કરે છે કે આવી કવાયત ક્યારે થશે. જ્યારે કેટલાક રાજ્યોમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાય છે, ત્યારે મતદારો બે અલગ-અલગ ઈવીએમમાં પોતાનો મત આપે છે.

એક સાથે ચૂંટણી પાછળ કેટલો ખર્ચ થશે?
ગત લોકસભા ચૂંટણીમાં 12.50 લાખ મતદાન મથકો હતા. ચૂંટણી પંચને હવે 12.50 લાખ મતદાન મથકો માટે લગભગ 15 લાખ કંટ્રોલ યુનિટ, 15 લાખ VVPAT યુનિટ અને 18 લાખ બેલેટ યુનિટની જરૂર છે. જો કે આ બાબતે કોઇ સત્તાવાક અનુમાન ઉપલબ્ધ નથી કે આ વોટિંગ યુનિટો ખર્ચ કેટલો થશે, પરંતુ પાછલા ખરીદીના ખર્ચને પર નજર કરીયે તો 1 કરોડ યુનિટ માટે કુલ કિંમત 15,000 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કરવો પડશે, જેમાં VVPAT યુનિટ માટે 6,500 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ પણ સામેલ છે. જો લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પણ યોજાય તો ખર્ચ વધુ વધી શકે છે.
દેશભરમાં એક સાથે ચૂંટણી યોજવા દોઢ વર્ષ પહેલા તૈયારી શરૂ કરવી પડે
‘વન નેશન, વન ઈલેક્શન’ વિશે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિ બંધારણ અને અન્ય વૈધાનિક જોગવાઈઓ હેઠળના વર્તમાન માળખાને ધ્યાનમાં રાખીને લોકસભા, રાજ્ય વિધાનસભાઓ, નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓ એકસાથે યોજવા પર વિચાર કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચૂંટણી પંચે કાયદા પંચ સાથેની વાતચીતમાં ઈવીએમ માટે સ્ટોરેજની સુવિધાઓની જરૂરિયાત જેવા પડકારોને પણ ધ્યાનમાં લીધા હતા. લગભગ દોઢ વર્ષની તૈયારીઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ઇવીએમ બનાવતી જાહેર ક્ષેત્રની બે કંપનીઓ ECIL અને BEL ને પણ અગાઉથી જાણ કરવાની જરૂર પડશે.
લોકસભા ચૂંટણી 2024 માટે ઇવીએમની તૈયારીઓ શરૂ
ચૂંટણી પંચે કહ્યું કે, સેમિકન્ડક્ટર ઉદ્યોગે પણ વધેલી માંગને પહોંચી વળવા માટે મજબૂત હોવું જોઈએ. ચૂંટણીપંચને ચૂંટણી પહેલા ઈવીએમનું ‘ફર્સ્ટ લેવલ ચેકિંગ’ કરવા માટે પણ સમયની જરૂર પડશે. ચૂંટણી પંચે 2024ની લોકસભા ચૂંટણી માટે સમગ્ર ભારતમાં તબક્કાવાર રીતે ‘ફર્સ્ટ લેવલ સ્ક્રૂટિની’ શરૂ કરી છે. એફએલસી દરમિયાન, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડના એન્જિનિયરો દ્વારા વીવીપીએટી મશીનો સહિત ઈવીએમની ખામીઓ તપાસવામાં આવે છે. ખામીવાળા વોટિંગ મશીનો રિપેરિંગ અથવા રિપ્લેસમેન્ટ માટે ઉત્પાદકોને પરત કરવામાં આવે છે. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં બંને મશીનનું પરીક્ષણ કરવા માટે ‘મોક પોલ’ પણ હાથ ધરવામાં આવે છે.