સરકારી કર્મચારીઓ માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. કેન્દ્રની મોદી સરકારે ‘વન રેન્ક – વન પેન્શન’ (One Rank One Pension) હેઠળ પેન્શનના સુધારાને મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયથી સેના સાથે જોડાયેલા 25 લાખથી વધુ સૈનિકોને ફાયદો થશે. સરકારનું કહેવું છે કે ‘વન રેન્ક – વન પેન્શન’ના સુધારાને કારણે યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની વિધવાઓની સાથે અપંગ સૈનિકો તેમજ ફેમિલી પેન્શનધારકોને પણ ફાયદો થશે.
પેન્શનના લાભાર્થીઓની સંખ્યા 25 લાખને પાર
‘વન રેન્ક – વન પેન્શન’ અંગે જાણકારી આપતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, 1 જુલાઈ 2014 પછી નિવૃત્ત થયેલા સુરક્ષા સૈનિકોઓ સહિત ‘વન રેન્ક – વન પેન્શન’ના લાભાર્થીઓની સંખ્યા વધીને 25 લાખ 13 હજાર 2 થઈ ગઈ છે. 1 એપ્રિલ 2014 પહેલા આ સંખ્યા 20 લાખ 60 લાખ 220 હતી.

કેટલાં રૂપિયા વધારે ખર્ચાશે, આ લાભ કોને નહીં મળે
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ‘વન રેન્ક – વન પેન્શન’ પેન્શનના સુધારાથી સરકારી તિજોરી પર 8,450 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. તેમણે ઉમેર્યુ કે, 1 જુલાઈ, 2014 પછી સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થયેલા સુરક્ષા કર્મીઓને આ લાભ નહીં મળે. તેમણે કહ્યું કે આ લોકોને જે એરિયર બને છે તેની પણ ચૂકવણી કરવામાં આવશે.

જુલાઇ 2019 થી જૂન 2022 વચ્ચેનું એરિયર્સ પણ ચૂકવાશે
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ‘વન રેન્ક – વન પેન્શન’ પેન્શનના સુધારાનો અમલ 1 જુલાઈ, 2019થી થશે. આ અંતર્ગત જુલાઈ 2019 થી જૂન 2022 સુધીના સમયગાળા માટેનું બાકી એરિયર્સ અથવા બાકી રકમની પણ ચૂકવણી કરવામાં આવશે, જેની રકમ 23,638.07 કરોડ રૂપિયા જેટલી થાય છે. તેમણે કહ્યું કે આનો લાભ તમામ સુરક્ષા દળોમાંથી નિવૃત્ત સૈનિકો અને ફેમિલી પેન્શનધારકોને મળશે.

રક્ષા મંત્રાલયના એક નિવેદન અનુસાર, જૂના પેન્શનધારકોની પેન્શન કેલેન્ડર વર્ષ 2018ના સુરક્ષા દળોની સેવાનિવૃત્ત વ્યક્તિઓના લઘુત્તમ અને મહત્તમ પેન્શનના સરેરાશના આધારે ‘વન રેન્ક – વન પેન્શન’ હેઠળ ફરથી નક્કી કરવામાં આવશે.

સેવા નિવૃત્તિ સૈનિકોને તેમનું બાકી એરિયર્સ છ-છ મહિનાના અંતરે ચાર હપ્તામાં ચૂકવવામાં આવશે. જો કે, વિશેષ/ લિબ્રલાઇઝ્ડ ફેમિલી પેન્શન અને શૌર્ય પુરસ્કાર વિજેતાઓ સહિત તમામ ફેમિલી પેન્શનધારકોને એક જ હપ્તામાં એરિયર્સની ચૂકવણી કરવામાં આવશે.
વન રેન્ક-વન પેન્શન યોજના શું છે?
વન રેન્ક-વન પેન્શન (OROP) નો સામાન્ય અર્થ સશસ્ત્ર દળોના કર્મચારીઓને સમાન રેન્ક અને સેવાના સમાન સમયગાળા માટે સમાન પેન્શનની ચુકવણી છે. આમાં નિવૃત્તિની તારીખનો કોઈ અર્થ નથી. મતલબ કે જો કોઈ અધિકારીએ 1985 થી 2000 સુધી સશસ્ત્ર દળોમાં 15 વર્ષ અને બીજા 1995 થી 2010 સુધી સેવા આપી હોય તો બંને અધિકારીઓને સમાન પેન્શન મળશે.