opposition meeting in patna : લાંબા સમયથી બીમાર રહેલા આરજેડીના પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ શુક્રવારે પટનામાં વિપક્ષી દળોની બેઠકમાં હાજર રહ્યા હતા. મીટિંગ પછી યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં લાલુ પ્રસાદ યાદવ પોતાના આગવા અંદાજમાં જોવા મળ્યા હતા. બિહારમાં વિરોધ પક્ષોની બેઠકમાં તેમણે અચાનક રાહુલ ગાંધીને લગ્ન કરી લેવાની વાત કહી હતી. પાક્કા કરવી પડશે. તમારી મમ્મી બોલતી હતી કે અમારી વાત માનતો નથી, લગ્ન કરાવો તમે લોકો.
લાલુ યાદવે રાહુલ ગાંધીની વધતી દાઢીને લઈને પણ મજાક કરી હતી. તેમણે કહ્યું કે દાઢી ના વધારો અને લગ્ન કરો. હજુ પણ મોડું થયું નથી. તમારે જલ્દી લગ્ન કરી લેવા જોઈએ. અમે બધા તમારા લગ્નમાં જાનૈયા બનીશું. તેમણે આ દરમિયાન સોનિયા ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે તમારી મમ્મી હંમેશાં કહેતા હતા કે એ અમારી વાત માનતો નથી. તમે લોકો જ તેના લગ્ન કરાવો. તેથી હવે તમે અમારી વાત માનો અને લગ્ન કરી લો.
જવાબમાં રાહુલ ગાંધી હસી પડ્યા
લાલુ યાદવની આ વાત સાંભળીને ત્યાં હાજર બધા હસવા લાગ્યા હતા. લાલુ યાદવની વાત સાંભળીને રાહુલ ગાંધી પણ હસવા લાગ્યા હતા. તેઓ લાલુ યાદવને જવાબ આપતા કહે છે કે તમે કહ્યું છે તો આવું જ થશે. તે હા મા હા મિલાવતા લાલુ યાદવની વાત સાથે સહમતી વ્યક્ત કરતા રહ્યા અને હસી રહ્યા હતા.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી : 2019માં ભાજપે એકલા હાથે 56 ટકા સીટો જીતી હતી, પટનામાં ભેગી થયેલી પાર્ટીઓથી ઘણી વધારે
રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યો છે
જો કે લાલુ યાદવની વાતો પરથી રાજકીય અર્થ પણ કાઢવામાં આવી રહ્યા છે. જેવી રીતે આ સભામાં રાહુલ ગાંધીની પીઠ થપથપાવી અને તેમને કહેવામાં આવ્યું કે તમે વરરાજા બની જાવ અને અમે બધા પાછળ-પાછળ જાનૈયા બની જઇશું.
હું સંપૂર્ણપણે ફિટ થઇ ગયો છું
આ દરમિયાન લાલુ યાદવે એમ પણ કહ્યું હતું કે તેઓ સંપૂર્ણ ફિટ થઈ ગયા છે અને બધાને ફિટ કરી દેશે. તેમનું લક્ષ્ય ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદી તરફ હતું. આ દરમિયાન તે પોતાના મજાકિયા અંદાજમાં જોવા મળ્યા હતા. તેમણે મીડિયાકર્મીઓ પર પણ હસી મજાક કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સ બાદ લાલુ યાદવનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. લોકોનું કહેવું છે કે તેઓ લાલુ યાદવની આ સ્ટાઈલને મિસ કરી રહ્યા હતા.
હવે રાહુલ ગાંધી લગ્ન કરશે કે નહીં, કોની સાથે કરશે, ક્યારે કરશે તે પછીની વાત છે. હાલ તો એ વાત એટલી સ્પષ્ટ થઇ ગઇ છે કે લાલુ યાદવ તેમને વરરાજા ચોક્કસ બનાવવા માંગે છે. તેઓ પણ જાનૈયા બનીને લગ્નમાં હાજરી આપવા માંગે છે.





