ઘણી વખત એવું બનતું હોય છે કે, કોઇ વસ્તુ બહુ જ પ્રખ્યાત હોય છે પરંતુ તેના સર્જક ઓછા જાણીતા હોય છે અથવા તો તેમના વિશે કોઇને જાણકારી જ હોતી નથી. આવું જ કંઇક ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન જેને આપણે ORS કહીયે છે, તેના સંશોધક અને ડોક્ટર ડો. દિલીપ મહાલનાબિસ સાથે બન્યુ છે. સમગ્ર વિશ્વમાં માનવ શરીરમાં પાણીની અછત સર્જાવી એટલે કે ડિહાઈડ્રેશન માટે એક સરળ, અસરકારક ઉપાય તરીકે ORSને દુનિયાભરમાં જાણીતું કરનાર ડોક્ટર દિલીપ મહાલનાબિસનું રવિવાર, 16 ઑક્ટોબર 2022ના રોજ કલકત્તા હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 87 વર્ષના હતા.
ડિહાઈડ્રેશનની સારવાર અને બાળ મરણ રોકવામાં મોટું યોગદાન
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, ઘણા વિકાસશીલ દેશોમાં નાના શિશુઓ અને બાળકોના ઉંચા મૃત્યુદર પાછળના મુખ્ય કારણોમાં કોલેરા અને ઝાડા-ઉલટી જેવી બીમારીઓ હતી, જેમાં શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જવાથી એટલે કે ડિહાઇડ્રેશન થતા દર્દી મૃત્યુ પામે છે. ORS – એ પાણી, ગ્લુકોઝ અને ક્ષારનું મિશ્રણ વાળું એક પ્રવાહી છે, જે ડિહાઇડ્રેશન રોકવાની એક સરળ અને ઓછી ખર્ચાળ પદ્ધતિ છે.
ડૉ. દિલીપ મહાલનાબિસ વર્ષ 1971માં ‘બાંગ્લાદેશ મુક્તિ’ યુદ્ધ દરમિયાન શરણાર્થી શિબિરોમાં કામગીરી કરી રહ્યા હતા ત્યારે તેમણે આ ORSની શોધ કરી હતી, જેને ધી લેન્સેટે “20મી સદીની સૌથી મહત્વપૂર્ણ તબીબી શોધ ગણાવી હતી.” 1975 થી 1979 દરમિયાન ડૉ મહાલનાબિસે WHO તરફથી અફઘાનિસ્તાન, ઇજિપ્ત અને યમનમાં કોલેરા નિયંત્રણ માટે કામગીરી કરી હતી. 1980 ના દાયકા દરમિયાન તેમણે બેક્ટેરિયાથી ફેલાતી બીમારીઓની સારવાર અંગે સંશોધન માટે WHOમાં સલાહકાર તરીકે કામગીરી કરી હતી.
બાળરોગોની સારવાર માટેનો નોબેલ સમકક્ષ પુરસ્કાર મળ્યો
વર્ષ 2002માં ડૉ. દિલીપ મહાલનાબિસ અને ડૉ. નેથેનિયલ એફ પિયર્સને કોલંબિયા યુનિવર્સિટી દ્વારા પોલીન એવોર્ડ (Pollin Prize)થી સમ્માનિત કરવામાં આવ્યા હતા, જે બાળરોગોની સારવારમાં નોબેલ એવોર્ડની સમકક્ષ ગણવામાં આવે છે.
“તેમનું અવસાન, એક મહાના યુગનો અંત છે. બાળકોમાં ઝાડા-ઉલટીની બીમારીની સારવારનો મુખ્ય આધાર હજુ પણ ઓરલ રિહાઈડ્રેશન છે. ORSના પ્રચલન પહેલા, ડિહાઇડ્રેશનની બીમારીની એકમાત્ર સારવાર દર્દીની શરીરના નસમાં પ્રવાહી દાખલ કરવાની હતી, જે સસ્તી ન હતી. ડૉ. મહાલનાબીસના સતત પ્રયાસોને કારણે, ORS ઘર-ઘર જાણીતું થયું છે એવું પુનાની ડૉ. ડી વાય પાટીલ મેડિકલ કૉલેજ ખાતેના બાળરોગના પ્રોફેસર ડૉ. સંપદા તાંબોલકરે જણાવ્યું હતું.
એક સંશોધન, જેનાથી લાખો લોકોનો જીવ બચ્યો…
12 નવેમ્બર, 1934ના રોજ પશ્ચિમ બંગાળમાં જન્મેલા, ડૉ મહાલનાબિસે કલકત્તા અને લંડનમાં મેડિકલનો અભ્યાસ કર્યો અને 1960ના દાયકામાં કલકત્તામાં જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી ઇન્ટરનેશનલ સેન્ટર ફોર મેડિકલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગમાં જોડાયા, જ્યાં તેમણે ઓરલ રિહાઈડ્રેશન થેરાપીમાં સંશોધન કર્યું.
જ્યારે 1971નું યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે પૂર્વ પાકિસ્તાનના લાખો લોકોએ ભારતમાં આશરો લીધો હતો. આ શરણાર્થી શિબિરોમાં પીવાનું શુદ્ધ પાણી અને સ્વચ્છતાની સમસ્યા હતી તેમજ થાકેલા તરસ્યા લોકોમાં કોલેરા – ઝાડાની બીમારી ફાટી નીકળી.
ડૉ. મહાલનાબિસ અને તેમની ટીમ બોનગાંવ ખાતે આવી જ એક શરણાર્થી શિબિરમાં બીમાર લોકોની સારવાર કરી રહ્યા હતા. ઇન્ટ્રાવેનસ ફ્લુઇડ્સનો સ્ટોક સમાપ્ત થઈ રહ્યો હતો, તેનાથી પણ મોટી મુશ્કેલી એ હતી કે IV ટ્રિટમેન્ટ માટે પૂરતા તાલીમબદ્ધ કર્મચારીઓ નહોતા.
આખરે અમૃત સમાન ORSની શોધ થઇ
પોતાના સંશોધનથી ડૉ. મહાલનાબિસ એ વાત જાણતા હતા કે ખાંડ અને મીઠાનું દ્રાવણ, જે શરીર દ્વારા પાણીનું શોષણ વધારે છે, તે જીવન બચાવી શકે છે. તેમણે અને તેમની ટીમે પાણીમાં મીઠું અને ગ્લુકોઝનું સોલ્યુશન તૈયાર કર્યું અને તેમનો મોટા ડ્રમમાં સંગ્રહ કરવાનું શરૂ કર્યું, જ્યાંથી તેઓ દર્દીઓ અથવા તેમના સંબંધીઓની મદદ કરી શકતા હતા.
ડૉ. મહાલનાબિસે ત્યારબાદ WHOના સાઉથ-ઇસ્ટ એશિયા જર્નલ ઑફ પબ્લિક હેલ્થમાં વર્ષ 1971માં તે સમયગાળા વિશે લખ્યું હતું, “કોલેરાની સારવાર માટે ઉપલબ્ધ સંસાધનો એકત્રિત કરવામાં આવ્યા હતા પરંતુ મૂળભૂત સમસ્યા હજુ પણ ઠેરના ઠેર છે. ઇન્ટ્રાવેનસ ફ્લુઇડ્સની પુષ્કળ જથ્થાની જરૂર પડશે, ઉપરાંત પરિવહનની સમસ્યાઓ અને તેના સંચાલન માટે તાલીમબદ્ધ કર્મચારીઓની અછત, તેમાંય કોલેરાની સારવારમાં હાલમાં ઉપયોગમાં લેવાતી પ્રમાણભૂત પદ્ધતિઓમાં પરિવહન એટલે લોજિસ્ટિકલ મુખ્ય સમસ્યારૂપ છે. અમે આ પરિસ્થિતિમાં એકમાત્ર ઉપાય તરીકે ઓરલ ફ્લુઇડ્સ પ્રવાહીનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે.
ડૉ મહાલનાબિસે લખ્યું હતું, નવી સારવારની પદ્ધતિનો ઉપયોગ કરતી વખતે લોકોને સમજાવતા કહેવામાં આવ્યું કે તે ક્ષારનું પ્રવાહી દ્રાવણ છે. “અમે જે ઓરલ સોલ્યુશનનો ઉપયોગ કરવાનું પસંદ કર્યું તેમાં એક લિટર પાણીમાં – 22 ગ્રામ ગ્લુકોઝ (કોમર્શિયલ મોનોહાઇડ્રેટ તરીકે), 3.5 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ (ટેબલ સોલ્ટ તરીકે) અને 2.5 ગ્રામ સોડિયમ બાયકાર્બોનેટ (બેકિંગ સોડા તરીકે)નો ઉપયોગ કર્યો હતો. આ સૌથી સરળ ફોર્મ્યુલા હતી, જેમાં ઓછામાં ઓછી સામગ્રીઓ હતી, જે કોલેરાથી ગંભીર રીતે બીમાર દર્દીઓની સારવારમાં અસરકારક હોવાનું જણાયું હતું,”
અમેરિકાની નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન દ્વારા હાથ ધરવામાં આવેલા WHOના બુલેટિનના અન્ય એક લેખમાં ડૉ મહાલનાબીસે લખ્યુ હતુ, “બે કે ત્રણ અઠવાડિયામાં અમને સમજાયું કે તે [ORS ટ્રિટમેન્ટ]ની કામગીરી કરી રહ્યા છીએ અને બધુ બરાબર દેખાઇ રહ્યું છે. બિન અનુભવી લોકોના હાથમાં… અમે મીઠું અને ગ્લુકોઝનું કેવી રીતે મિશ્રણ કરવું તેની જાણકારી આપતા પેમ્ફલેટ તૈયાર કર્યા અને સરહદ પર વહેંચ્યા. આ માહિતી એક ખુફિયા બાંગ્લાદેશી રેડિયો સ્ટેશન પર પણ પ્રસારિત કરવામાં આવી હતી.
ટૂંક સમયમાં જ ડૉ મહાલનાબિસના શિબિરમાં મૃત્યુ દર ઘટીને 3 ટકા થઈ ગયો હતો, જ્યારે શિબિરોમાં માત્ર ઇન્ટ્રાવેનસ ફ્લુઇડ્સનો ઉપયોગ કરતા હતા ત્યારે મૃત્યુઆંક 20 થી 30 ટકા જેટલો ઉંચો હતો. WHOના બેક્ટેરિયલ ડિસીઝ યુનિટના વડા ડૉ. ધીમાન બરુઆ એ ડૉ. મહાલનાબીસના શિબિરની મુલાકાત લીધી અને સારવારની ORS પદ્ધતિને લોકપ્રિય બનાવવાનું શરૂ કર્યું.
આરંભના વર્ષોમાં જ્યારે તબીબી સમુદાય વધારે પડેતા સંકુચિત હતા ત્યારે WHO એ ORSને કોલેરા અને ઝાડા-ઉલટીની બીમારીની સારવાર માટે પ્રમાણભૂત પદ્ધતિ તરીકે અપનાવી હતી. આજે WHO એ ORS ફોર્મ્યુલા તરીકે સોડિયમ ક્લોરાઇડ, અનહાઇડ્રોઝ ગ્લુકોઝ, પોટેશિયમ ક્લોરાઇડ અને ટ્રિસોડિયમ સાઇટ્રેટ ડાયહાઇડ્રેટના મિશ્રણની ભલામણ કરે છે. ભારતમાં, 29 જુલાઈના રોજ ‘ORS દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.
પુનાની KEM હોસ્પિટલના પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જન અને કન્સલ્ટન્ટ ડૉ. સમીર દેસાઈ એ જણાવ્યું કે, “ORSનો એક ફાયદો એ છે કે બિન અનુભવી લોકો પણ તેની કામગીરી કરી શકે છે અને દર્દીને હોસ્પિટલમાં દાખલ ન થાય ત્યાં સુધી કટોકટીને કાબૂમાં રાખી શકે છે. તેમાં યોગ્ય પ્રમાણમાં ઈલેક્ટ્રોલાઈટ્સ હોય છે અને તેનું મિશ્રણ ઝાડા-ઉલટીથી પીડિત બાળકો અને પુખ્ત વયના લોકોને આપવામાં આવે છે. અત્યંત સામાન્ય બીમારી માટે આવી ઓછી ખર્ચાળ સારવારની શરૂઆત ડૉ. દિલીપ મહાલનાબીસ દ્વારા કરવામાં આવી હતી,”
ORS - એક જીવન રક્ષક પ્રવાહી
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પાવડર સ્વરૂપમાં ઉપલબ્ધ ORS તૈયાર કરવા અને તેનો ઉપયોગ કરવા માટેની માર્ગદર્શિકાને પ્રચલિત કરી છે. ઈન્ડિયા હેલ્થ પોર્ટલની સાઈટ પર ઉપલબ્ધ માર્ગદર્શિકા સલાહ અનુસાર, ORS પેકેટમાં રહેલી સામગ્રીને સ્વચ્છ પાણી રહેલા ગ્લાસની અંદર યોગ્ય પ્રમાણમાં નાંખીને એક મિશ્રણ તૈયાર કરવું જોઈએ. આ બહુ મહત્વપૂર્ણ છે, કારણ કે શરીરમાં પાણી ઘટી જવાથી ઝાડા-ઉલટીની સમસ્યા ક્યારેક ગંભીર બની શકે છે.
ઉપરાંત, ORSનું મિશ્રણ માત્ર પાણીમાં જ બનાવવું જોઈએ અને દૂધ, સૂપ, ફળોના રસ અથવા કોઈપણ ઠંડા પીણામાં મિશ્રણ બનાવવું જોઇએ નહીં. ઉપરાંત તેમાં ખાંડ પણ ઉમેરવી જોઈએ નહીં. ORSને યોગ્ય રીતે પાણીમાં ઓગાળ્યા બાદ બાળકને સ્વચ્છ કપમાંથી તે પીવડાવવું જોઇએ, બોટલમાંથી નહીં.