ઓયો રૂમ્સના સ્થાપક રિતેશ અગ્રવાલના પિતા રમેશ અગ્રવાલનું ગુરુગ્રામમાં એક બહુમાળી ઈમારત પરથી નીચે પડી જતા આજે શુક્રવાર 10 માર્ચ, 2023ના રોજ મૃત્યુ થયું છે. આ એપાર્ટમેન્ટમાં રિતેલના માતા-પિતા રહેતા હતા પરણ રિતેશ અહીંયા રહેતો ન હતો. હાલ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે અને હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જારી કરવામાં આવ્યું નથી. આ દુઃખદ ઘટના એવા સમયે ઘટી જ્યારે ઓનલાઇન હોટેલ રૂમ બુકિંગની સર્વિસ આપતી OYO રૂમ્સ કંપની મેનેજમેન્ટમાં ફેરબદલમાંથી પસાર થઈ છે અને શેરબજારમાં લિસ્ટેડ થવા આતુર છે.
20માં માળેથી નીચે પડી જતા મોત
પોલીસે જણાવ્યું કે, શુક્રવારે બપોરે ગુડગાંવની એક સોસાયટીમાં ઓયો રૂમ્સના સ્થાપક રિતેલ અગ્રવાલના પિતા રમેશ અગ્રવાલનું તેમના એપાર્ટમેન્ટના 20મા માળેથી નીચે પડી જવાથી મૃત્યુ થયું હતું. પોલીસે કહ્યું કે તેઓએ CrPCની કલમ 174 હેઠળ તપાસની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે બપોરે 1 વાગ્યે DLFના સિક્યોરિટીને ઘટનાની માહિતી મળી કે સેક્ટર 54માં DLF ધ ક્રેસ્ટ સોસાયટીના 20મા માળેથી એક વ્યક્તિ પડી ગયો છે અને તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. SHO સેક્ટર 53 સહિતની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. ઘટનાસ્થળના નિરીક્ષણ દરમિયાન વ્યક્તિની ઓળખ રમેશ પ્રસાદ અગ્રવાલ તરીકે થઈ હતી. તેમને મૃત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.
પરિવારને ન પૂરી શકાય તેવી ખોટ : રિતેશ અગ્રવાલ
OYO રૂમસના સ્થાપક અને ગ્રૂપ સીઈઓ રિતેશ અગ્રવાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “હું અને અમારો પરિવારને મોટો આઘાત લાગ્યો છે. અમારા માર્ગદર્શક અને શક્તિ મારા પિતા રમેશ અગ્રવાલનું 10મી માર્ચે અવસાન થયું. તેમણે એક સંપૂર્ણ જિંદગી જીવી તેમજ મને અને આપણામાંથી ઘણાને દરરોજ સારું કામ કરવાની પ્રેરણા આપી. તેમણે કહ્યું કે, પિતાના અવસાનથી અમારા પરિવાર માટે પુરી ન શકાય તેવી ખોટ પડી છે. મારા પિતાની કરુણા અને હૂંફએ અમને અમારા સૌથી મુશ્કેલ સમયમાં હિંમત આપી અને અમને આગળ વધાર્યા. તેમના શબ્દો હંમેશા અમારા હૃદયમાં રહેશે. અમે બધાને અપીલ કરીએ છીએ કે દુઃખની આ ઘડીમાં અમારી પ્રાઇવસીનું સન્માન કરો.
7 માર્ચે જ થયા હતા રિતેશના લગ્ન
અત્રે નોંધનીય છે કે, ઓયો રૂમ્સના સ્થાપક રિતેલ અગ્રવાલના લગ્ન તાજેતરમાં 7 માર્ચ, 2023 મંગળવારે થયા હતા. રિતેલ અગ્રવાલે 29 વર્ષીય ગીતાંશા સૂદ સાથે લગ્ન કર્યા હતા. પોતાના મેરેજમાં તેમમે દિલ્હી ખાતે એક ભવ્ય રિસેપ્શન પાર્ટી આપી હતી, જેમાં દેશ અને દુનિયાની ઘણી દિગ્ગજ હસ્તીઓએ હાજરી આપી હતી. રિતેશ અગ્રવાલની ગણતરી દેશના સૌથી યુવા ધનિકોમાં થાય છે. તેમણે વર્ષ 2013માં OYO રૂમની શરૂઆત કરી હતી.

રિતેશનો પરિવાર મૂળ ઓરિસ્સાના રહેવાસી
રિતેશ અગ્રવાલનો પરિવાર ઓરિસ્સાના રાયગડા શહેરના રહેવાસી છે, જ્યાં તેઓ એક નાની દુકાન ચલાવતા હતા. રિતેલ અગ્રવાલ ઉચ્ચ અભ્યાસ માટે કોટા જવાની પહેલા ત્યાં સિમ કાર્ડ વેચતા હતા. તેઓ તેમના માતા-પિતાને જાણ કર્યા વગર જ દિલ્હી આવી પહોંચ્યા હતા. અહીંયા તેઓ એક હોટલમાં રોક્યા અને ત્યાંથી હોટેલ બિઝનેસમાં ઝંપલાવ્યું.