Padma Award 2024 Winners List : પદ્મ એવોર્ડ ભારત સરકાર દ્વારા વિશેષ કામગીરી કરનાર વ્યક્તિઓને સમ્માનિત કરવા માટે એનાયત કરવામાં આવે છે. આ વખતે ભારત સરકારે ફ્રાન્સના ચાર નાગિરકોને પદ્મશ્રી એવોર્ડ આપવાની ઘોષણા કરી છે. આ બાબતનો ઉલ્લેખ કરતા સત્તાવાર સુત્રોએ જણાવ્યું કે, આ બાબત ભારત – ફ્રાંસના ગાઢ સંબંધોને દર્શાવે છે. પદ્મ એવોર્ડ મેળવનાર વ્યક્તિઓની યાદીમાં ચાર ગુજરાતી પણ છે. હાલ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ભારત મુલાકાતે છે એવા ટાણે પદ્મ પુરસ્કારોની ઘોષણા કરવામાં આવી છે.
કુલ 132 વ્યક્તિઓને પદ્મ એવોર્ડ, 9 હસ્તીઓને મરણોપરાંત સમ્માન
ભારત સરકારે ગુરુવારે 132 વ્યક્તિઓને પદ્મ એવોર્ડથી સમ્માનિત કરવાની ઘોષણા કરી હતી. જેમાં 34 વ્યક્તિઓ એવા છે, તેઓ ગુમનામ છે છતાં સમાજમાં મોટો ફેરફાર લાવી રહ્યા છે. આ ગુમનામ નાયકોની કહાણી ઘણી પ્રેરક છે. જો દાઝેલા લોકોની મફત સારવાર કરે છે તો કોઇ હજારો કિલોમીટર સાયકલ ચલાવે છે.
આ યાદીમાં એવી પાંચ હસ્તીઓ છે જેમને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર – પદ્મ વિભૂષણથી સમ્માનિત કરવામાં આવશે. 17 લોકોને પદ્મ ભૂષણ અને 110 વ્યક્તિઓને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ યાદીમાં 30 મહિલાઓ પણ સામેલ છે. કુલ 132 વ્યક્તિઓમાં 9 હસ્તીઓને મરણોપરાંત પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવશે. ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્તે આ વ્યક્તિઓને પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.
ક્યા ચાર ફ્રાંસ નાગિરકોને પદ્મ એવોર્ડ મળશે
ભારતે જે ચાર ફ્રાંસ નાગિરકોને પદ્મ એવોર્ડ આપવાની ઘોષણા કરી છે તેમાં 100 વર્ષીય યોગ ગુરુ ચાર્લોટ ચોપિન અને 79 વર્ષીય યોગ નિષ્ણાંત તેમજ આયુર્વેદ ચિકિત્સક કિરણ વ્યાસ સામેલ છે. ઉપરાંત 87 વર્ષીય પિયરે સિલ્વેન ફિલિઓઝેટ અને ફ્રેડ નેગ્રિન્ટને પણ પદ્મ એવોર્ડથી સમ્માનિત કરવાની ઘોષણા કરી છે. ફિલિઓઝેટ સંસ્કૃત વિદ્વાન છે જેઓ ભારતીય સંસ્કૃતિ અધ્યયનને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરે છે. ફ્રેડ નેગ્નિટ ભારતીયવિદ છે જેઓ ભારતીય સંસ્કૃતિ વિશે જાગૃતિ ફેલાવે છે.

ગુજરાતના 6 વ્યક્તિઓને પણ મળશે પદ્મ પુરસ્કાર
ભારત સરકારે ગુજરાતના જે 6 વ્યક્તિઓને પદ્મ એવોર્ડથી સમ્માનિત કરવાની ઘોષણા કરી છે તેમાં રઘુવીર ચૌધરી, હરીશ નાયક, ડો યજ્દી ઇટાલિયા, જગદીશ ત્રિવેદી અને ડો. દયાલ પરમારને ભારતના ચોથા સૌથી મોટા નાગરિક સમ્માન – પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. ઉપરાંત અમદાવાદના ડો. તેજસ પટેલને પણ પદ્મ ભૂષણથી સમ્માનિત કરવામાં આવશે.
આ પણ વાંચો | જ્ઞાનવાપી સર્વે રિપોર્ટ : કેમ અચાનક વારાણસીમાં ‘પોલીસ કાફલો’ ગોઠવી દેવાયો, જાણો મોટું કારણ
ડો. તેજસ પટેલ હૃદય રોગના પ્રખ્યાત ડોક્ટર છે. ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજી ક્ષેત્રે અભૂતપૂર્વ ઉપલબ્ધિ મેળવનાર ડો. તેજસ પટેલે રાષ્ટ્રીય અને વિદેશી મેગેઝીનોમાં 300થી વધારે લેખ લખ્યા છે. તેમને કોરોનરી એન્જિયોગ્રાફી અને ટ્રાન્સરેડિયલ ટેકનોલોજીના નિષ્ણાંત માનવામાં આવે છે. કોરોનરી હાર્ટ ડિસિઝની સારવારમાં આ ટેકનિક સુરક્ષિત અને અત્યંત સટીક માનવામાં આવે છે.





