Parliament Security Breach : સંસદની દર્શક ગેલેરીમાં કૂદેલા બંને યુવકોની માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક યુવકનું નામ સાગર શર્મા છે જ્યારે બીજા આરોપીનું નામ મનોરંજન છે. મનોરંજન કોમ્પ્યુટરનો વિદ્યાર્થી છે. તે મૈસૂરનો રહેવાસી છે. બંનેની ધરપકડ થયા બાદ દિલ્હી પોલીસ તેમને પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. સુરક્ષામાં ચૂકની માહિતી મળતા જ દિલ્હી પોલીસ કમિશ્નર સંજય અરોરા સંસદ ભવન પહોંચી ગયા છે.
આ પહેલા દિલ્હી પોલીસે સંસદની બહારથી બે પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. તેમાંથી એક મહિલા છે જેનું નામ નીલમ છે, જેની ઉંમર 42 વર્ષ છે. અન્ય પ્રદર્શનકારીની ઓળખ 25 વર્ષીય અનમોલ શિંદે તરીકે થઈ છે. બંનેની ટ્રાન્સપોર્ટ ભવનની બહારથી ધરપકડ કરવામાં આવી હતી.
સંસદમાં એફએસએલની ટીમ પહોંચી
આ હુમલા બાદ તરત જ આઇબીના વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ સંસદ ભવન પહોંચી ગઇ હતી અને આ ચૂકની જાણકારી મેળવી હતી. આઇબી ઉપરાંત એફએસએલની ટીમ પણ પુરાવા એકત્ર કરવા સંસદ પહોંચી છે. આઈબીની ટીમે સાગર શર્મા અને મનરંજનની પૂછપરછ કરી છે. તે બંને સંસદની પ્રેક્ષક ગેલેરીથી સાંસદોની બેન્ચ સુધી કૂદી પડ્યા હતા.
આ પણ વાંચો – લોકસભા સુરક્ષા ચૂક : સાંસદ ડિમ્પલ યાદવે કહ્યું – આજે કશું પણ થઇ શકતું હતું
તમામ ચેક પોઈન્ટના સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે
અધિકારીઓએ કહ્યું કે અમે તેમની પૃષ્ઠભૂમિ ચકાસી રહ્યા છીએ. સાગર શર્મા મૈસૂરનો વતની છે અને બેંગલુરુની એક યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે. બીજી વ્યક્તિ મનોરંજન પણ મૈસુરનો છે. અધિકારીઓએ જણાવ્યું કે સ્થાનિક પોલીસ સાથે આઇબીની ટીમ તેમના ઘરે પહોંચી ગઇ છે. તેમણે જણાવ્યું હતું કે આ બંને છોકરાઓના ફોન જપ્ત કરવામાં આવ્યા છે અને તેઓ કોઈ સંગઠન સાથે સંકળાયેલા છે કે કેમ તે જાણવા માટે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમની પાસેથી મળી આવેલી ગુનાહિત સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ ચેક પોઈન્ટના સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે.
બુધવારે સંસદની સુરક્ષામાં મોટી ચૂકની ઘટના સામે આવી છે. લોકસભાની કાર્યવાહી દરમિયાન વિઝિટર્સ ગેલેરીમાંથી બે શખ્સો કૂદી પડ્યા હતા. આ સમય દરમિયાન ત્યાં બેઠેલા સાંસદો ડરી ગયા હતા અને લોકસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. ખાસ કરીને 13 ડિસેમ્બરે સુરક્ષાનો આ એક ગંભીર મુદ્દો છે કારણ 13 ડિસેમ્બરે સંસદ પર 2001માં આ જ દિવસે હુમલો થયો હતો.





