Parliament Security Breach : લોકસભામાં સુરક્ષા ચૂકનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમાંથી એકનું નામ સાગર શર્મા અને બીજાનું મનોરંજન છે. રિપોર્ટ અનુસાર, સાગર શર્મા પાસે સંસદ વિઝિટર પાસ હતો જે મૈસૂરના બીજેપી સાંસદ પ્રતાપ સિમ્હાએ જારી કર્યો હતો. 2001માં સંસદ પર થયેલા હુમલાની 22મી વરસી પર ગૃહમાં બંનેની ઘૂસણખોરીને ઘણી ગંભીર માનવામાં આવી રહી છે. આ લોકો કોણ હતા અને કયા હેતુથી સંસદમાં ઘુસ્યા હતા તે અંગે હાલ કોઈ માહિતી બહાર આવી નથી.
કોણ છે સાંસદ પ્રતાપ સિમ્હા?
સમગ્ર મુદ્દા પર આશ્ચર્ય વ્યક્ત કરતા સંસદના કેટલાક સભ્યોએ જણાવ્યું હતું કે સંસદમાં પ્રવેશવા માટે પાંચ સ્તરની સુરક્ષામાંથી પસાર થવું પડે છે અને મુલાકાતીઓની ગેલેરીમાં પ્રવેશવા માટે સાંસદના કાર્યાલયની સહી જરૂરી છે. માહિતી સામે આવી છે કે આ ચારેયને પ્રવેશ પાસ ભાજપના સાંસદ પ્રતાપ સિમ્હાએ જારી કર્યા હતા. પ્રતાપ સિમ્હા કર્ણાટકના મૈસૂરથી સાંસદ છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર, ચેમ્બરમાં કૂદી પડનાર ઓછામાં ઓછો એક વ્યક્તિ તેમના મત વિસ્તારનો છે. સાંસદ સિમ્હા 2014-2019માં ભાજપની ટિકિટ પર મૈસૂર બેઠક પરથી જીત્યા હતા. તેમણે 2007માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોગ્રાફી પણ લખી હતી.
સંસદમાં મુલાકાતીઓ માટે સુરક્ષા પ્રક્રિયા શું છે?
તમને જણાવી દઈએ કે, સામાન્ય લોકો લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી જોવા માટે સંસદમાં જઈ શકે છે. આ માટે સાંસદની ભલામણ જરૂરી છે. આ પછી, એક પાસ બનાવવામાં આવે છે, જેના પર તમારા નામને મંજૂરી આપનાર સાંસદનું નામ લખવામાં આવે છે. સામાન્ય રીતે, સાંસદના સંસદીય ક્ષેત્રના લોકો સાંસદની ભલામણ પર પાસ મેળવે છે અને કાર્યવાહી જોવા જાય છે.
આ પાસ જૂથ અથવા વ્યક્તિગત માટે બનાવી શકાય છે. આ સિવાય ઘણી વખત સ્કૂલના બાળકોને પણ સંસદની મુલાકાતે લઈ જવામાં આવે છે. આ માટે અલગ પાસ બનાવવામાં આવે છે. જો તમે ઈચ્છો તો સંસદ સચિવાલયમાંથી પાસ પણ મેળવી શકો છો.
આ પાસ સાથે સંસદમાં પહોંચતા પહેલા ગેટ પર ચેકિંગ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. અહીં ફોન અને અન્ય ગેજેટ્સ સંગ્રહિત કરવામાં છે. આ પછી અંદર પ્રવેશ મળે છે. આ પછી વધુ બે લેયર ચેકિંગ થાય છે.
શું બની હતી ઘટના?
બપોરે એક વાગ્યાની આસપાસ મનોરંજન અને સાગર શર્મા વિઝિટર ગેલેરીમાંથી લોકસભામાં કૂદી પડ્યા હતા. ફૂટેજમાં જોવા મળે છે કે સાગર ડેસ્ક પર કૂદીને અધ્યક્ષની ખુરશી તરફ જતો દેખાય છે, જ્યારે મનોરંજન પીળો ધુમાડો ઉડાડતો જોઈ શકાય છે. કોઈપણ વ્યક્તિ જે સંસદની મુલાકાત લેવા માંગે છે તે પહેલા પોતાના મત વિસ્તારના સાંસદના નામે વિનંતી કરે છે. સામાન્ય રીતે જે સાંસદોના નામે પાસ ઇસ્યુ કરવામાં આવે છે તેની પણ કડક તપાસ કરવામાં આવે છે, પરંતુ આજે જ્યારે આ ઘટના બની ત્યારે અનેક ગંભીર સવાલો ઉભા થયા હતા કે આટલી મોટી સિક્યોરિટી લેપ્સ કેવી રીતે થઈ શકે?