સંસદની સુરક્ષામાં મોટી ક્ષતિનો મામલો સામે આવ્યો છે. બુધવારે લોકસભાની કાર્યવાહી દરમિયાન બે વ્યક્તિઓ ઓડિયન્સ ગેલેરીમાંથી નીચે કૂદી પડ્યા હતા. જેના કારણે લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી. મળતી માહિતી મુજબ એક વ્યક્તિનું નામ સાગર જણાવવામાં આવી રહ્યું છે. તે મૈસુરના બીજેપી સાંસદ પ્રતાપ સિંહાના વિઝિટર પાસ પર સંસદ પહોંચ્યો હતો. હાલમાં સંસદના સુરક્ષાકર્મીઓએ બંનેને કસ્ટડીમાં લીધા છે. આ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.
શું થયું?
આ ઘટના લોકસભાની કાર્યવાહી દરમિયાન બપોરે લગભગ 1.12 વાગ્યે બની હતી. લોકસભાની કાર્યવાહી દરમિયાન ઓડિયન્સ ગેલેરીમાં હાજર બે લોકો નીચે કૂદી પડ્યા હતા. એક વ્યક્તિના પગમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, તેના પગમાં ધુમાડો કરવાનું કઈંક છુપાવેલુ હતુ. સુરક્ષાકર્મીઓ ઉપરાંત સાંસદો પણ વ્યક્તિને પકડવા દોડી ગયા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે રાહુલ ગાંધી પણ હાજર હતા. આ દરમિયાન, અધ્યક્ષની અધ્યક્ષતામાં હાજર પ્રિસાઇડિંગ ઓફિસર રાજેન્દ્ર અગ્રવાલે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.
સંસદ પર હુમલાની 22 મી વરસી પર આ ઘટના બની હતી
તમને જણાવી દઈએ કે, બુધવારે 2001માં સંસદ પર થયેલા આતંકવાદી હુમલાની 22મી વરસી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભાના સ્પીકર ઓમ બિરલા, રાહુલ ગાંધી અને અન્ય સાંસદોએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. લોકસભાના સાંસદ દાનિશ અલીએ કહ્યું કે, પ્રેક્ષક ગેલેરીમાં હાજર વ્યક્તિ કાર્યવાહી દરમિયાન નીચે કૂદી પડ્યો. જ્યારે સપા સાંસદ ડિમ્પલ યાદવે તેને સુરક્ષામાં ખામીનો મોટો મામલો ગણાવ્યો છે.
તેમણે કહ્યું કે આ બાબત પર ધ્યાન આપવાની જરૂર છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, બે યુવકો ગેલેરીમાંથી કૂદ્યા અને તેમના દ્વારા કંઈક ફેંકવામાં આવ્યું, જેના કારણે ગેસ નીકળ્યો હતો. તેમણે કહ્યું કે તે ચોક્કસપણે સુરક્ષાનો ભંગ છે કારણ કે આજે આપણે 2001 (સંસદ પર હુમલો) માં તેમના જીવનનું બલિદાન આપનારાઓની પુણ્યતિથિઓ મનાવીએ છીએ.