Amit Shah Lok Sabha : ગૃહમંત્રી અમિત શાહે બુધવારે લોકસભામાં જમ્મુ-કાશ્મીર સંબંધિત બે બિલ રજૂ કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરે વડાપ્રધાન જવાહરલાલ નેહરુના કારણે બે બ્લન્ડર્સ સહન કર્યા છે. પ્રથમ યુદ્ધવિરામની જાહેરાત કરવી અને બીજું કાશ્મીરના મુદ્દાને યુએનમાં લઈ જવાનો. અમિત શાહના આ નિવેદન બાદ બુધવારે લોકસભામાં હોબાળો થયો હતો. અમિત શાહના નિવેદન બાદ વિપક્ષી નેતાઓએ તેમની વિરુદ્ધ નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. થોડા સમય બાદ વિપક્ષી સાંસદોએ અમિત શાહના નિવેદનના વિરોધમાં ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.
અમિત શાહે ગૃહમાં કહ્યું કે પંડિત નહેરુના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન બે મોટી ભૂલો થઈ હતી જે તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને કારણે હતી. જેના કારણે કાશ્મીરને વર્ષો સુધી ભોગવવું પડ્યું હતું. એક – જ્યારે આપણી સેના જીતી રહી હતી, ત્યારે પંજાબનો વિસ્તાર આવતા જ સિઝફાયર કરી દીધું હતું અને પીઓકેનો જન્મ થયો. જો યુદ્ધવિરામમાં ત્રણ દિવસનો વિલંબ થયો હોત તો પીઓકે ભારતનો ભાગ હોત. આ પછી તેમણે આગળ કહ્યું કે પહેલા આખા કાશ્મીરને જીત્યા વગર યુદ્ધવિરામ આપી દીધો અને બીજું આ મુદ્દોને યુએનમાં લઈ જવાની મોટી ભૂલ કરી.
જેકે રિઝર્વેશન (એમેન્ડમેન્ટ) બિલ, 2023 અને જેકે પુનર્ગઠન (એમેન્ડમેન્ટ) બિલ, 2023માં શું છે ખાસ?
- સીમાંકનની ભલામણના આધારે ત્રણ બેઠકોની વ્યવસ્થા કરવામાં આવી છે.
- જમ્મુ કાશ્મીર એસેમ્બલીમાં કાશ્મીરમાંથી વિસ્થાપિત લોકો માટે બે સીટ અને પીઓકેમાંથી વિસ્થાપિત લોકો માટે એક સીટ છે.
- JK વિધાનસભામાં ST માટે નવ બેઠકો અનામત રાખવામાં આવી છે.
- પીઓકે માટે 24 બેઠકો અનામત રાખવામાં આવી છે.





