Parliament Winter Session 2023 : સંસદની સુરક્ષામાં ચૂકને લઈને સંસદના બંને ગૃહોમાં હંગામો કરી રહેલા સાંસદોને સસ્પેન્ડ કરવાનો મુદ્દો સામે આવ્યો છે. લોકસભામાં પહેલા 14 અને આજે 33 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે 45 સાંસદોને આજે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજે સવારથી અત્યાર સુધીમાં બંને ગૃહોના કુલ 78 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં અધીર રંજન ચૌધરી, ટી આર બાલુ અને દયા નિધિ મારનનો સમાવેશ થાય છે. આ સાંસદોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ ગૃહમાં રજૂ કર્યો હતો. બાદમાં તેને ધ્વનિમત દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
સમગ્ર સત્ર માટે રાજ્યસભાના 34 સાંસદો સસ્પેન્ડ
આજે સસ્પેન્ડ કરાયેલા રાજ્યસભાના કુલ 45 સાંસદોમાંથી 34ને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે 11 સાંસદોને વિશેષાધિકાર સમિતિને મોકલવામાં આવ્યા છે. જે 34 સાંસદોને પૂર્ણ સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં પ્રમોદ તિવારી, જયરામ રમેશ, અમી યાજ્ઞિક, નારણભાઈ જે રાઠવા, સૈયદ નાસિર હુસૈન, ફુલો દેવી નેતામ, શક્તિસિંહ ગોહિલ, કે.સી.વેણુગોપાલ, રજની અશોકરાવ પાટિલ, રણજિત રંજન, ઈમરાન પ્રતાપગઢી, રણદીપ સિંહ સુરજેવાલા, સુખેન્દુ શેખર રે, મોહમ્મદ નદિમુલ હક, અબીર રંજન બિસ્વાસ, ડો.શાંતનુ સેન, મૌસમ નૂર, પ્રકાશ ચિક બદઈક, સમીરુલ ઇસ્લામ, એમ.શનમુગમ, એન.આર.ઇલાંગો, ડો.કનિમોઝી, એન.વી.એન.સોમુ, આર.ગિરિરાજન, પ્રો.મનોજકુમાર ઝા, ડો.ફયાઝ અહેમદ, ડો.વી.શિવદાસન, રામનાથ ઠાકુર, અનિલ પ્રસાદ હેગડે, વંદના ચવ્હાણ, પ્રો.એ.કે.જોશી, રામ ગોપાલ યાદવ, જાવેદ અલી ખાન, મહુઆ માજી, જોસ કે.મણિ, અજિતકુમાર ભુઇયા છે.
વિશેષાધિકાર સમિતિમાં મોકલવામાં આવેલા 11 સાંસદો
વિશેષાધિકાર સમિતિને મોકલવામાં આવેલા સાંસદોમાં જે.બી.માથેર હિશામ, ડો.એલ.હનુમંતૈયા, નીરજ ડાંગી, રાજમણિ પટેલ, કુમાર કેતકર, જી.સી.જોશી, ચંદ્રશેખર, બિનોય વિશ્વામ, સંદોશકુમાર પી. એમ. મોહમ્મદ અબ્દુલ્લા, ડૉ. જ્હોન બ્રિટ્ટાસ અને એ. એ. રહીમ છે. સાંસદોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે વિપક્ષના સાંસદો 13 ડિસેમ્બરે સંસદની સુરક્ષામાં ભંગના મામલે સદનમાં સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે મારા સહિત તમામ નેતાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અમે ઘણા દિવસોથી માંગ કરી રહ્યા છીએ કે અમારા જે સાંસદોને પહેલા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેમનું સસ્પેન્સન રદ કરવામાં આવે અને ગૃહમંત્રીએ આવીને સદનમાં નિવેદન આપવું જોઈએ. તેમણે કહ્યું કે તેઓ દરરોજ ટીવી પર નિવેદનો આપે છે અને સરકાર સંસદની સુરક્ષા માટે શું કરી રહી છે તેના વિશે પણ સંસદમાં થોડું બોલી શકે છે. તેમણે કહ્યું કે આજની મોદી સરકાર ઘમંડથી ભરેલી છે. અમે તાનાશાહી, અત્યાચાર પર ચર્ચા ઇચ્છીએ છીએ.
મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન
સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, નિરંકુશ મોદી સરકાર તમામ લોકતાંત્રિક નિયમોને કચરાપેટીમાં નાખી રહી છે.





