પીએમ મોદીએ આદિ કૈલાશના કર્યા દર્શન, આ સ્થળ ઉત્તરાખંડમાં ક્યાં આવેલુ છે? કેવી રીતે પહોંચાય? કેટલો ખર્ચ થાય? જોણો બધુ જ

pm modi adi kailash tour : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તરાખંડ (Uttarakhand) માં આદિ કૈલાશ (adi kailash) અને ઓમ પર્વત (om parvat) ના દર્શન અને પ્રવાસે ગયા છે. તો જોઈએ આ જગ્યાએ પહોંચવું હોય તો કેવી રીતે જવાય? કેટલો ખર્ચ (Cost)? અન્ય જોવા લાયક સ્થળો (tourist places) કયા? વગેરે વગેરે પૂરો ટૂર પ્લાન.

Written by Kiran Mehta
October 12, 2023 15:18 IST
પીએમ મોદીએ આદિ કૈલાશના કર્યા દર્શન, આ સ્થળ ઉત્તરાખંડમાં ક્યાં આવેલુ છે? કેવી રીતે પહોંચાય? કેટલો ખર્ચ થાય? જોણો બધુ જ
પીએમ નરેન્દ્ર મોદી આદિ કૈલાશ પ્રવાસ ઉત્તરાખંડ (ફોટો - પીએમઓ ઈન્ડિયા ટ્વીટર)

PM Modi Adi Kailash Tour : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસની મુલાકાતે ઉત્તરાખંડ પહોંચ્યા છે. આ દરમિયાન વડાપ્રધાને આદિ કૈલાશમાં પ્રાર્થના કરી હતી, ત્યારબાદ પીએમ મોદી ગુંજી પહોંચ્યા હતા. તો, પીએમ મોદી સરહદી જિલ્લા મુખ્યાલય પિથોરાગઢમાં લગભગ 4,200 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યું.

વડાપ્રધાન મોદીનું ઉત્તરાખંડ સાથે લગાવ કોઈનાથી છુપાયેલું નથી. પીએ મોદી આજે ફરી ઉત્તરાખંડના પ્રવાસે છે. આદિ કૈલાશમાં દર્શન અને પૂજા કર્યા બાદ પીએમ મોદી ગુંજી પહોંચ્યા, જ્યાં પીએમ મોદીએ પરંપરાગત સંગીતનાં સાધનો વગાડ્યાં. આ દરમિયાન પીએમ મોદીએ સ્થાનિક કલાકારો, ભારતીય સેના, આઈટીબીપી અને બીઆરઓ કર્મચારીઓ સાથે પણ વાતચીત કરી હતી. આ પ્રસંગે રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહ અને સીએમ પુષ્કર સિંહ ધામી હાજર હતા.

પીએમ મોદી આજે સવારે સૌથી પહેલા આદિ કૈલાશના દર્શન માટે પિથોરાગઢ પહોંચ્યા હતા, જ્યાં પીએમ મોદીએ ખાસ સ્થાનિક પોશાક પહેરીને ભગવાન શિવની પૂજા કરી હતી અને આ દરમિયાન પીએમ મોદી ભગવાન શિવની આરતી કરતા અને ઢોલ અને શંખ વગાડતા જોવા મળ્યા હતા. સાથે જ વડાપ્રધાનની મુલાકાત માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જણાવી દઈએ કે, આજે સવારે વડાપ્રધાન મોદી સૌથી પહેલા સરહદી જિલ્લા પિથોરાગઢના જિયોલિંગકોંગમાં ઉતર્યા હતા, ત્યારબાદ વડાપ્રધાન મોદી ઉત્તરાખંડ સાથેની ભારત-ચીન બોર્ડર પર આદિ કૈલાસ પહોંચ્યા હતા, જ્યાં પીએમ મોદીએ આદિ કૈલાસના દર્શન કર્યા હતા અને પૂજા કરી હતી.

આ દરમિયાન પીએમ મોદીએ આદિ કૈલાશ અને પાર્વતી તાલની મુલાકાત પણ લીધી હતી અને અહીં ધ્યાન પણ કર્યું હતું. પીએમ મોદી બપોરે 12 વાગે ઐતિહાસિક શહેર અલ્મોડાના જાગેશ્વર ધામ ખાતે કૈલાસની મુલાકાત પણ લીધી.

જ્યારે તેઓ ત્યાં પહોંચશે ત્યારે જાગેશ્વર મંદિરના મુખ્ય પૂજારી હેમંત ભટ્ટ વડાપ્રધાનનું સ્વાગત કરશે. આ પછી પીએમ મોદી જાગેશ્વર મંદિરમાં 11 બ્રાહ્મણોના યજમાન બન્યા. તમામ 11 બ્રાહ્મણો વડાપ્રધાનને પ્રાર્થના કરાવી.

મંદિર સાથે જોડાયેલા લોકોનું માનીએ તો મંદિરની એક તરફ વહેતી જટા નદી વિશે માહિતી આપવામાં આવી હતી. આ સાથે મંદિરના કમળ તળાવનું શું મહત્વ છે? તે અંગે તેની પણ જાણ કરવામાં આવી. જાગેશ્વર ધામમાં પૂજા કર્યા બાદ વડાપ્રધાન મોદી ફરી પિથોરાગઢ જવા રવાના થયા. અહીં વડાપ્રધાન મોદી જનસભાને સંબોધશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને ઉત્તરાખંડના તમામ કેબિનેટ મંત્રીઓ અને સાંસદો હાજર રહેશે. રેલી બાદ વડાપ્રધાન મોદી પિથોરાગઢ માટે 4200 કરોડ રૂપિયાની યોજનાનો શિલાન્યાસ પણ કરશે. વડાપ્રધાન મોદી સાંજે ઉત્તરાખંડથી પરત ફરશે.

આદિ કૈલાશ પ્રવાસ

આ તો રહ્યો પીએમ મોદીનો પૂરો કાર્યક્રમ હવે તમને મનમાં થતુ હશે કે, ભારતના ઉત્તરાખંડ રાજ્યમાંથી જ પવિત્ર કૈલાશ માનસરોવર જેવા જ પવિત્ર આદિ કૈલાશ પર્વતના દર્શન કરવા મળે તો આનાથી સારૂ શું હોય. તો જોઈએ આ પવિત્ર અને રમણીય સ્થળ પર જવું હોય તો કેવી રીતે પહોંચી શકાય.

આદિ કૈલાશ (છોટા કૈલાશ) અને ઓમ પર્વતનું માહત્મ્ય

આદિ કૈલાશ અને ઓમ પર્વતને પવિત્ર સ્થળ માનવામાં આવે છે. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર પંચ કૈલાસમાંનું એક છે. અહીં તમે આદિ કૈલાશ મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી શકો છો. આદિ કૈલાશ ઓમ પર્વત પર કુદરતી એક ચમત્કાર જોવા મળે છે. આ પર્વતમાં એક શાશ્વત “ઓમ” ના આકારમાં બરફ પડેલો છે, જે જોઈ તમે શિવ મય થઈ જશો, અને આ એક દુર્લભ ઝલક છે. જેના માત્ર દર્શનથી તમારી આત્મા પ્રબુદ્ધ અને શુદ્ધ બની શકે છે. તમને જણાવી દઈએ કે, આ પર્વત શિખર એટલું પવિત્ર છે કે તેને ભારતનો કૈલાસ પર્વત માનવામાં આવે છે. આદિ કૈલાસને તેના બીજા નામ છોટા કૈલાશથી પણ ઓળખવામાં આવે છે.

આદિ કૈલાશ કેવી રીતે પહોંચી શકાય

આદિ કૈલાશ ઉત્તરાખંડના પિથોરગઢ જિલ્લામાં ધારચુલા નજીક આવેલું સ્થળ છે. અહીં સુધી પહોંચવું હોય તો, તમારે ત્યાંના લોકલ ટ્રાન્સપોર્ટનો સહારો લેવો પડે છે.

બાય એર – જો તમારે બાય ફ્લાઈટ જવું હોય તો, ધારચુલાથી નજીકનું એરપોર્ટ પંતનગરમાં છે. જે ધારચુલાથી 301 કિમીના અંતરે આવેલું છે.

બાય રેલ – જો તમારે બાય ટ્રેન જવું હોય તો નજીકનું રેલવે સ્ટેશન તનકપુર રેલવે સ્ટેશન છે. જેની ટ્રેન તમને દિલ્હીથી મળી શકે છે. તનકપુરથી ધારચુલાનું અંતર 239 કિમી છે.

બાય બસ – બાય રોડ જવા તમને દિલ્હીથી ચંપાવત, અલમોરા અથવા તનકપુર સુધી સીધી બસ મળી શકે છે. ત્યાંથી તમારે ધારચુલા સુધી પહોંચવા માટે લોકલ ટેક્સી (શેરીંગ)નો સહારો લેવો પડે છે.

ધારચુલાથી આદિ કૈલાશ કેવી રીતે પહોંચાય

ધારચુલાથી તમારે 70 કિમી દુર નબી-ગુંજી ગામ પહોંચવું પડે. અહીં જવા મેડિકલ ચેકઅપ અને પરમિટની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ગુંજીથી કાલાપાની અને આગળ કુટી ગામ સુધી – ગુંજી થી હવે તમે કાલાપાની જશો. અહીંનું કાલી માતાનું મંદિર પ્રસિદ્ધ છે. આ પછી તમે નાભિડાંગ કેમ્પ માટે રવાના થઈ શકો છો. અહીંથી ઓમ પર્વત સ્પષ્ટપણે જોઈ શકાય છે. હવે પાછા ગુંજી આવવું પડશે. હવે ગુંજીથી કોઈ મોટરેબલ રોડ નથી, તેથી તમારે કુટી સુધી પહોંચવા માટે 16 કિમી ટ્રેક કરવું પડશે. આ ગામ પાંડવો સાથેના જોડાણ માટે પ્રખ્યાત છે. તમે પાંડવ કિલ્લાની મુલાકાત લઈ શકો છો અને સાદો ગઢવાલી નાસ્તો કરી શકો છો. તમે કુટીમાં હોમસ્ટેમાં રાત વિતાવી શકો છો.

ત્યારબાદ કુટીથી જોલિંગકોંગઃ કુટીથી જોલિંગકોંગ સુધીનો ટ્રેક 14 કિમીનો છે અને સૌથી સુંદર પર્વતીય દ્રશ્યોમાંથી પસાર થાય છે. જોલિંગકોંગ એ તમારા આદિ કૈલાશ ટ્રેકનું અંતિમ બિંદુ છે. જોલિંગકોંગથી આદિ કૈલાસ ખૂબ જ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. અહીં તમે પહેલીવાર તમારા આદિ કૈલાસના દર્શન કરી શકો છો. તમે પાર્વતી સરોવર સુધી જઈ શકો છો, જે જોલિંગકોંગથી લગભગ 2.5 કિમી દૂર છે. અહીં તમે થોડી નાની પૂજા કરી શકો છો અથવા ફક્ત દૃશ્યોની પ્રશંસા કરી શકો છો.

ધારચુલાથી નજીકના જોવાલાયક સ્થળ

ધારચુલા પ્રવાસ સમયે તમે નજીકના આ 8 સ્થળની પણ મુલાકાત લઈ શકો છો. (1) જૌલઝીબી (ધારચુલાથી 23 કિમી), (2) ઓમ પર્વત (ધારચુલાથી 62 કિમી), (3) કાલી રીવર (1 કિમી), (4) આસ્કોટ સેન્ચ્યુરી (34 કિમી), (5) ચીરકીયા ડેમ (15 કિમી), (6) નારાયણ આશ્રમ (18 કિમી), (7) આદિ કૈલાશ (53 કિમી) અને (8) ધારચુલા શોપિંગ માર્કેટ. આ સિવાય તમે ધારચુલાથી 135 કિમી દુર પાતાલ ભુવનેશ્વરના દર્શને પણ જઈ શકો છો.

ગુંજી ગામની આસપાસ જોવાલાયક સ્થળ

કાલી મંદિર, કાલાપાની: આ મંદિર કાલી નદી પર છે અને કાલીને સમર્પિત છે.પાર્વતી મુકુટ અને પાંડવ પર્વતો: આ વિચિત્ર પર્વત શિખરો પાર્વતીના મુગટ જેવા દેખાય છે. તેઓ જોલિંગકોંગથી જોઈ શકાય છે.પાંડવો કિલ્લો, કુટી ગામ: આ કિલ્લો પાંડવો દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.શેષનાગ પર્વત: જ્યારે તમે ગુંજીથી ઓમ પર્વતની યાત્રા કરી રહ્યા હોવ ત્યારે આ પર્વત જોઈ શકાય છે. વિચિત્ર આકાર પૌરાણિક સર્પ શેષનાગના આકાર જેવો છે.બ્રહ્મા પર્વતઃ આ પર્વત શિખર આદિ કૈલાશના માર્ગમાં આવે છે. તે જોલિંગકોંગથી 14 કિમી દૂર છે.કુંતી પર્વત: કુટી ગામમાંથી પર્વત જોઈ શકાય છે.વેદ વ્યાસ ગુફાઃ આ ગુફા ઓમ પર્વતના માર્ગ પર આવે છે અને દૂરથી જ જોઈ શકાય છે.ભીમતાલ: તે ઉત્તરાખંડના સૌથી મોટા તળાવોમાંનું એક છે અને તેનું નામ મહાભારતની વાર્તા પરથી ભીમના નામ પરથી પડ્યું છે.જાગેશ્વર ધામ: તે ભવ્ય સ્થાપત્ય અને કોતરણીવાળા 25 મંદિરોનો સમૂહ છે.પાતાલ ભુવનેશ્વરઃ પિથોરાગઢ જિલ્લામાં આ 90 ફૂટ ઊંડી ગુફા છે.ચિતાઈ ગોલુ દેવતા મંદિર: સ્થાનિક દેવતા ચિતાઈ ગોલુ દેવતાનું આ મંદિર લોકોની પ્રાર્થના સાથે જોડાયેલ ઘંટ અને કાગળની નોટ માટે પણ પ્રખ્યાત છે.નીમ કરોલી બાબા આશ્રમ, કૈંચી ધામ: આ આશ્રમ પ્રખ્યાત નીમ કરોલી બાબાનો છે, જેમના માર્ક ઝકરબર્ગ અને સ્ટીવ જોબ્સ જેવા પ્રખ્યાત અનુયાયીઓ હતા.શિવ પાર્વતી મંદિર: જોલિંગકોંગથી મંદિર સુધી પહોંચી શકાય છે અને આદિ કૈલાશ પર્વતમાળાના ઉત્તમ દૃશ્યો જોવા મળે છે.પાર્વતી સરોવરઃ આ એક સરોવર છે જે જોલિંગકોંગથી 2-3 કિમીના અંતરે છે. આ સરોવરમાંથી આદિ કૈલાસનું પ્રતિબિંબ જોઈ શકાય છે.ગૌરી કુંડઃ આ સરોવર આદિ કૈલાશ પર્વત પાસે છે અને કૈલાશ માનસરોવરમાં ગૌરી કુંડ કરતા નાનું છે.ઓમ પર્વત: અનોખો પર્વત જેમાં બરફ છે, જે ઓમ પ્રતીકનો આકાર જોવા મળે છે.આદિ કૈલાશ: આ પવિત્ર પર્વત શિખર પંચ કૈલાશ પર્વત શિખરોમાંથી એક છે.

અમદાવાદ થી આદિ કૈલાશ પ્રવાસનો ખર્ચ (અંદાજીત) કેટલો થાય

આમ તો કોઈ પણ પ્રવાસના ખર્ચનો અંદાજ તો વ્યક્તિના ટ્રાવેલીંગ, રહેવાનું, અને જમવાનું મિલાવી કરવામાં આવે છે, તમે જેવી સગવડતા લો છો એ પ્રમાણે ખર્ચ વધ-ઘટ થાય છે. પરંતુ અમે તમને અમદાવાદથી આદિ કૈલાશ યાત્રાનો અંદાજીત ખર્ચ બાય ટ્રેનથી જઈ તો કેટલો થાય તે જણાવવાનો પ્રયાસ કરીએ છીએ. અમદાવાદથી દિલ્હી ટ્રેન (સ્લીપર રિઝર્વેશન – 475 રૂપિયા), દિલ્હીથી તનકપુર (રિઝર્વેશન – 625 રૂપિયા), તનકપુરથી ધારચુલા (ટેક્સી ખર્ચ – 5000), ધારચુલા થી ગુંજી ગામ (ટેક્સી – 1500 રૂપિયા), આ સિવાય તમે ધારચુલાથી નજીકના તમામ સ્થળની મુલાકાત માટે ટેક્સી ભાડે લઈ શકો છો, અહીં પર કિમી નો ચાર્જ 11 રૂપિયાથી 20 રૂપિયા (જેવી કારની પસંદગી પ્રમાણે) ભાડુ લેવામાં આવે છે. આ સિવાય તમારો એક દિવસનો રહેવા ખાવાનો ખર્ચ (2000 થી 3000) થઈ શકે છે. ધારચુલા પહોંચ્યા બાદ તમે ત્રણ નાઈટ સ્ટે કરી તમામ સ્થળો જોઈ શકો છો. આ ખર્ચ પર પર્સન અંદાજીત છે, જો તમે શેરીંગ પ્રવાસ કરો તો, ટ્રાવેલ અને રહેવાનો ખર્ચ શેરીંગ થઈ શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ