PM Modi Break Indira Gandhi Record: સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ઘણા રેકોર્ડ બનાવ્યા છે. સૌથી પહેલા તો તેમણે પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ તોડ્યો અને આ સાથે જ તેમણે પોતાનો પણ પાછળ છોડી દીધો છે. પીએમ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે સ્વતંત્રતા દિવસનું અત્યાર સુધીનું સૌથી લાંબું 103 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું.
પીએમ મોદીએ ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ તોડ્યો
ભારતના 79માં સ્વતંત્રતા દિવસના અવસર પર ભાષણ આપતી વખતે પીએમ મોદીએ ઘણા રેકોર્ડ તોડ્યા છે. સ્વતંત્રતા દિવસના અવસર પર 103 મિનિટ સુધી સંબોધન કરતા તેમનું અત્યાર સુધીનું સૌથી લાંબુ ભાષણ આપ્યું છે. ગયા વર્ષે 2024માં તેમણે 98 મિનિટનું ભાષણ આપ્યું હતું. તેમણે લાલ કિલ્લા પરથી સતત 12મું ભાષણ આપીને ઇન્દિરા ગાંધીનો રેકોર્ડ પણ તોડ્યો હતો અને દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પછી બીજા સ્થાને પહોંચ્યા હતા. નેહરુએ લાલ કિલ્લા પરથી સતત 17 સ્વતંત્રતા દિવસના ભાષણો આપ્યા હતા.
6 ભાષણો 90 મિનિટથી વધુ લાંબા
વર્ષ 2014માં પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી આપેલું પ્રથમ ભાષણ સૌથી નાનું હતું. ત્યાર બાદ તેમણે 65 મિનિટનું ભાષણ આપ્યું હતું. આ સમયને ઉમેરતા, તેમણે 6 વખત (2016, 2019, 2022, 2023, 2024 અને 2025) 90 મિનિટથી વધારે સમય સુધી ભાષણ આપ્યું છે. ગત વર્ષ 2024માં નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર 11મી વખત ધ્વજ ફરકાવ્યો હતો. આવું કરનાર તેઓ દેશના ત્રીજા વડાપ્રધાન બન્યા અને આ વખતે મોદીએ સતત 12મી વખત ધ્વજ ફરકાવ્યો છે.

આ પણ વાંચો | PM મોદીના સ્વતંત્રતા દિવસના ભાષણની 10 મુખ્ય વાતો, જે કરશે વિકસીત ભારતનું નિર્માણ
આ સાથે જ પીએમ મોદીએ ઇન્દિરા ગાંધીને પાછળ છોડી દીધા હતા. હકીકતમાં ઈન્દિરા ગાંધીએ લાલ કિલ્લા પરથી સતત 11 વખત ધ્વજ ફરકાવ્યો અને ભાષણ આપ્યું. આ રીતે લાલ કિલ્લા પર સૌથી વધુ ધ્વજ ફરકાવનારા વડાપ્રધાનોની યાદીમાં પંડિત નહેરુ પ્રથમ સ્થાને (17 વખત), નરેન્દ્ર મોદી બીજા સ્થાને (12 વખત), ઇન્દિરા ગાંધી (11) ત્રીજા સ્થાને છે.