વર્ષ 2023 (નવું વર્ષ 2023) શરૂ થઈ ગયું છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આ વર્ષના અંત સુધીમાં 10 લાખ લોકોને સરકારી નોકરી આપવાનું લક્ષ્ય રાખ્યું છે. બેરોજગારીની સમસ્યાનો સામનો કરવા માટે મોદી સરકારે જૂન 2022માં કેન્દ્ર સરકાર હેઠળના વિભાગોમાં 10 લાખ ખાલી જગ્યાઓ ભરવાની જાહેરાત કરી હતી.
સરકારે આ લક્ષ્યાંક પૂરો કરવા માટે પાંચ મુદ્દાની યોજના પણ બનાવી છે. કેન્દ્ર સરકારે તમામ વિભાગો અને મંત્રાલયોને આદેશ આપ્યો છે કે, કર્મચારીઓની નિવૃત્તિને કારણે ખાલી પડેલી બેઠકો અંગે અગાઉથી જાણ કરવામાં આવે. આ સૂચના કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવી છે જેથી ખાલી જગ્યાઓ સમયસર ભરી શકાય.
ગયા વર્ષે જૂનમાં, માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, “તમામ મંત્રાલયોએ અધિકારીઓ સાથે બેઠકો કરીને પ્રક્રિયા શરૂ કરી છે જેથી લક્ષ્યને વહેલી તકે પ્રાપ્ત કરી શકાય. સશસ્ત્ર દળોની અગ્નિપથ યોજના દ્વારા 46,000 નોકરીઓનું સર્જન કરવામાં આવશે તે પણ આ 10 લાખ નોકરીઓનો એક ભાગ હશે. આ ટાર્ગેટ પૂરો કરવા માટે સરકાર દ્વારા અત્યાર સુધીમાં કુલ કેટલી ભરતી કરવામાં આવી છે તેનો ડેટા હજુ સુધી ઉપલબ્ધ નથી.
2022 માટે આપેલા વચનોનું શું થયું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું કે, વર્ષ 2022 સુધીમાં તમામ ભારતીયો પાસે પોતાનું ઘર હશે. PMએ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા, બુલેટ ટ્રેન ચલાવવા, અર્થવ્યવસ્થાને બમણી કરવા, 24/7 પાવર ઉપલબ્ધતા વગેરેનું વચન આપ્યું હતું.
વડાપ્રધાને 20 સપ્ટેમ્બર 2018ના રોજ કહ્યું હતું કે, વર્ષ 2022 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા બમણી થઈને $5 ટ્રિલિયન થઈ જશે. 2022 વીતી ગયું છે અને ભારતની જીડીપી માત્ર 3.5 ટ્રિલિયન યુએસ ડોલર સુધી પહોંચી છે.
વડાપ્રધાન મોદીએ 2016માં જ કહ્યું હતું કે, 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થઈ જશે. પરંતુ હજુ સુધી સરકારે એ આંકડો આપ્યો નથી કે 2016 પહેલા ખેડૂતો કેટલી કમાણી કરતા હતા અને હવે કેટલી કમાણી કરી રહ્યા છે. જો કે, આ દરમિયાન કૃષિ બજેટમાં ચોક્કસપણે ઘટાડો થયો છે. આ સાથે ખેતી કરનારાઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.
બુલેટ ટ્રેન 2022 સુધીમાં દોડાવવાનું પણ વચન આપવામાં આવ્યું હતું, પરંતુ વાસ્તવિકતા એ છે કે, હજુ સુધી ઘણી જગ્યાએ જમીન સંપાદનનું કામ પૂર્ણ થયું નથી.
2022 સુધીમાં તમામ ભારતીયોને ઘર આપવાનું વચન પણ હજુ પૂરું થયું નથી. હાઉસિંગ મિનિસ્ટ્રીના ડેટા જ દર્શાવે છે કે, અર્બન હાઉસિંગ સ્કીમ હેઠળ મંજૂર કરાયેલા 1.22 કરોડ મકાનોમાંથી માત્ર 67 લાખ મકાનો જ બન્યા છે.