PM Narendra Modi US state visit : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર 5 દિવસના વિદેશ પ્રવાસે જઇ રહ્યા છે, જે દરમિયાન તેઓ અમેરિકા અને ઇજિપ્ત જશે. અમેરિકામાં જો બિડેન સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે ખાસ તૈયારીઓ કરી રાખી છે. પીએમ મોદીનો આ અમેરિકા પ્રવાસ ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. પીએમ મોદીનો અમેરિકા પ્રવાસ 21 જૂન શરૂ થશે. 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ છે અને તે દિવસે પીએમ નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોજાનાર કાર્યક્રમની આગેવાની કરશે. જાણો PM નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસનો કાર્યક્રમ અને તેના મુખ્ય એજન્ડા
PM નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસનો કાર્યક્રમ અને એજન્ડા
પ્રથમ દિવસઃ 21 જૂન, યુનાઇટેડ નેશન્સના હેડક્વાર્ટરમાં ‘યોગ દિવસ’ની ઉજવણી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21થી 23 જૂન એમ કુલ ત્રણ દિવસના અમેરિકા પ્રવાસે જઇ રહ્યા છે. અમેરિકા પ્રવાસના પ્રથમ દિવસ એટલે કે 21 જૂને પીએમ મોદી ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે.
- સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ શ્રી કસાબા કોરોસીએ 16 જૂનના રોજ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “હું આગામી અઠવાડિયે UNHQ નોર્થ લૉન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે UN ખાતે 9માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેવા ઉત્સુક છું,”
- તેના પ્રત્યુત્તરમાં પીએમ મોદીએ લખ્યું કે, “UNHQ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં તમને જોવાની રાહ જોઈ રહ્યો છું. તમારી સહભાગિતા કાર્યક્રમને વધુ વિશેષ બનાવે છે. યોગ સારા આરોગ્ય અને સુખાકારીને આગળ વધારવા માટે વિશ્વને એકસાથે લાવે છે. તે વૈશ્વિક સ્તરે વધુ લોકપ્રિય થઇ રહ્યું છે.”
બીજો દિવસ: 22 જૂન, પીએમ મોદી યુએસ કોંગ્રેસને સંબોધશે
- પીએમ નરેન્દ્ર મોદી અમેરિકા પ્રવાસના બીજા દિવસ, 22 જૂને અમેરિકાની વિધાનસભાને સંબોધિત કરવાના છે. આ સાથે જ યુએસ કોંગ્રેસ સમક્ષ બે વખત સંબોધન કરનાર તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન બનશે.
- આમંત્રણ માટે ગૃહના સ્પીકર કેવિન મેકકાર્થીનો આભાર માનતા પીએમ મોદીએ કહ્યું, “યુએસ કોંગ્રેસની સંયુક્ત સભાને ફરી એકવાર સંબોધિત કરવા બદલ હું ગર્વિત છું અને આતુર છું. અમને યુએસ સાથેની અમારી વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી પર ગર્વ છે.”
પીએમ મોદી અને યુએસના રાષ્ટ્રપતિ બિડેન વચ્ચે ઉચ્ચ સ્તરીય મંત્રણા
- પીએમ મોદીનું 22 જૂને વ્હાઇટ હાઉસમાં ઔપચારિક સ્વાગત કરાશે અને યુએસના રાષ્ટ્રપતિ જો બિડેન સાથે ઉચ્ચ સ્તરીય મંત્રણા માટે મળશે, એવું વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.
- PM મોદીએ 13 જૂનના રોજ યુએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને મળ્યા હતા અને જણાવ્યું હતું કે તેઓ પરસ્પર દ્વિપક્ષીય હિત, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર રાષ્ટ્રપતિ બિડેન સાથે મહત્વપૂર્ણ મુલાકાત અને મંત્રણા કરવાની રાહ જોઈ રહ્યા છે.
- સુરક્ષા મામલે સહયોગ અને ભારતના સ્વદેશી લશ્કરી ઔદ્યોગિક આધારને વેગ આપવા અંગે કેટલીક “ખરેખર મોટી, ઐતિહાસિક અને રોમાંચક” ઘોષણાઓ થવાની સંભાવના છે, એવું પેન્ટાગોન તરીકે ઓળખાતા યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સે જણાવ્યું છે.
વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનર
એક અખબારી નિવેદન અનુસાર, યુએસના પ્રેસિડેન્ટ જો બિડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેન 22 જૂનના રોજ વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્ટેટ ડિનર માટે બોલાવશે. આ એક ભવ્ય કાર્યક્રમ હોય છે જેમાં અમેરિકન નેતાઓ અને જાણતી હસ્તીઓ હાજરી આપે છે.
કમલા હેરિસ સાથે લંચ, સીઈઓ સાથે મીટિંગ
- અમેરિકા પ્રવાસના છેલ્લા દિવસ, 23 જૂને વડાપ્રધાન મોદી યુએસના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકન સાથે એક ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
- એમઇએએ જણાવ્યું હતું કે, “સત્તાવાર જોડાણો ઉપરાંત, વડાપ્રધાન અગ્રણી સીઈઓ, ઉદ્યોગપતિઓ અને અન્ય હિતધારકો સાથે ઘણી રસપ્રદ બાબતો પર મંત્રણા- વાતચિત થશે. આ કાર્યક્રમમાં ભારતીય મૂળના વ્યક્તિઓ પણ ભાગ લેશે.”
- ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના વિદેશ પ્રવાસના બીજા તબક્કામાં 24 થી 25 જૂનના રોજ ઇજિપ્તમાં રહેશે.
આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદીનું વતન ‘વડનગર’ – કાચા રોડ-રસ્તાથી નગર પાલિકા અને ‘પ્રેરણા પરિસર’નો વિકાસ
પીએમ મોદીનો આ યુએસ પ્રવાસ શા માટે મહત્વપૂર્ણ છે?
- પીએમ નરેન્દ્ર મોદી 6 વખત અમેરિકા ગયા છે પરંતુ આ તેમની પ્રથમ ‘સ્ટેટ વિઝિટ’ છે. આ અગાઉ નવેમ્બર 2009માં તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહ અમેરિકાની સરકારી મુલાકાતે ગયા હતા.
- અમેરિકાની રાજદ્વારી નીતિ અનુસાર, કોઈપણ અમેરિકન રાષ્ટ્રપતિ ચાર વર્ષમાં એક વખત કોઈ નેતાને કોઈ દેશમાં આમંત્રણ આપી શકે છે. ‘સ્ટેટ વિઝિટ’ને અમેરિકામાં ઘણું મહત્વપૂર્ણ રાજકીય પ્રવાસ ગણવામાં આવે છે.
- ફર્સ્ટ પોસ્ટના અહેવાલ અનુસાર, 2014માં પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાતને વર્કિંગ વિઝિટ, 2016માં વર્કિંગ લંચ, 2017માં ઓફિશિયલ વર્કિંગ વિઝિટ, વર્ષ 2019માં તેમની મુલાકાતને “હ્યુસ્ટન, ટેક્સાસમાં એક રેલીમાં ભાગ લેવા સંબંધિત ગણાવ્યુ હતુ.
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો





