G20 Virtual Summit : ભારતમાં ગ્લોબલ AI પાર્ટનરશિપનું થશે આયોજન, પીએમ મોદીએ કહ્યું – ડીપફેક સમાજ માટે ખતરનાક

G20 Virtual Summit: પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારું માનવું છે કે આતંકવાદ આપણે બધાને અસ્વીકાર્ય છે. નાગરિકોના મોત ગમે ત્યાં થાય તે નિંદનીય છે

Written by Ashish Goyal
November 22, 2023 20:45 IST
G20 Virtual Summit : ભારતમાં ગ્લોબલ AI પાર્ટનરશિપનું થશે આયોજન, પીએમ મોદીએ કહ્યું – ડીપફેક સમાજ માટે ખતરનાક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જી-20 વર્ચ્યુઅલ સમિટ સંબોધી હતી (તસવીર - બીજેપી ટ્વિટર)

G20 Virtual Summit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જી-20 વર્ચ્યુઅલ સમિટને સંબોધિત કરતા ડીપફેક મુદ્દે વાત કરી હતી. મોદીએ કહ્યું કે આજના આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સ (AI)ના યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ જવાબદાર રીતે કરવાની જરૂર છે. સમગ્ર વિશ્વમાં એઆઈના નકારાત્મક ઉપયોગ અંગે ચિંતા વધી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતનો સ્પષ્ટ વિચાર છે કે આપણે એઆઈના વૈશ્વિક રેગ્યુલેશનને લઇને આપણે સાથે મળીને કામ કરવું જોઈએ.

ભારત ગ્લોબલ AI પાર્ટનરશિપ સમિટનું આયોજન કરશેઃ પીએમ મોદી

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ડીપફેક સમાજ, વ્યક્તિ માટે એટલો જોખમી છે કે આપણે તેની ગંભીરતા સમજીને આગળ વધવું પડશે. પીએમ મોદીએ કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે AI લોકો સુધી પહોંચે પરંતુ તે સમાજ માટે સલામત હોવું જોઈએ. તેમણે કહ્યું હતું કે આ અભિગમ સાથે ભારતમાં આગામી મહિને ગ્લોબલ એઆઇ પાર્ટનરશિપ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે જ્યારે મેં આ વર્ચ્યુઅલ સમિટનો પ્રસ્તાવ મુક્યો હતો ત્યારે મને ખ્યાલ ન હતો કે આજે વૈશ્વિક સ્થિતિ કેવી હશે. પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં અસ્થિરતા અને અસુરક્ષાની સ્થિતિ આપણા બધા માટે ચિંતાનો વિષય છે. આજે આપણા બધાનું એક સાથે આવવું એ વાતનો સંકેત છે કે આપણે બધા મુદ્દાઓ પ્રત્યે સંવેદનશીલ છીએ અને તેના સમાધાન માટે સાથે ઉભા છીએ.

પીએમ મોદીએ ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો

પીએમ મોદીએ કહ્યું કે અમારું માનવું છે કે આતંકવાદ આપણે બધાને અસ્વીકાર્ય છે. નાગરિકોના મોત ગમે ત્યાં થાય તે નિંદનીય છે. આજે આવેલા બંધકોને છોડવાના સમાચારને આવકારીએ છીએ. માનવીય સહાય સમયસર અને સતત પહોંચે તે આવશ્યક છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચેની લડાઈ કોઈ પણ પ્રકારનું ક્ષેત્રીય સ્વરૂપ ધારણ ન કરે તે પણ જરૂરી છે.

આ પણ વાંચો – કેનેડાના નાગરિકો માટે શરૂ થઇ ઇ-વિઝા સર્વિસ

તેમણે કહ્યું હતું કે 21મી સદીનાં વિશ્વએ આગળ વધતા ગ્લોબલ સાઉથની ચિંતાઓને પ્રાથમિકતા આપવી પડશે. ગ્લોબલ સાઉથના દેશો ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે, જેના માટે તેઓ જવાબદાર નથી. સમયની માંગ એ છે કે આપણે વિકાસના એજન્ડાને પોતાનો સંપૂર્ણ ટેકો આપીએ.

શા માટે ચર્ચામાં ડીપફેક શબ્દ?

છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ટરનેટ, અખબારો અને ટીવી સમાચારની દુનિયામાં ડીપફેક શબ્દ ચર્ચાનો વિષય બન્યો છે. કદાચ પહેલી જ વાર આપણે આ શબ્દ સાંભળ્યો હશે, જ્યારે ઘણાને આ શબ્દની જાણ થઈ ચૂકી હશે. અભિનેત્રી રશ્મિકા મંદાનાથી લઈને કેટરીના કૈફ અને કાજોલથી લઈને સચિન તેંડુલકરની દીકરી સારા તેંદુલકર સુધી. ખાસ કરીને સેલિબ્રિટીઝ ડીપફેક ટેક્નોલોજીનો શિકાર બની રહી છે. હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડિપફેકને લઇને ચિંતા વ્યક્ત કરી છે.

ડીપફેક ભારત માટે સૌથી મોટો ખતરો છે: પીએમ મોદી

જી-20 વર્ચ્યુઅલ સમિટ પહેલા ભાજપના દિવાળી મિલન કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું હતું કે એઆઈનો ઉપયોગ કરીને ડીપફેક બનાવવું ચિંતાજનક છે. તેમણે કહ્યું હતું કે ડીપફેક ભારત સામે સૌથી મોટો ખતરો છે, તેનાથી અરાજકતા થઈ શકે છે. તેમણે મીડિયાને અપીલ કરી હતી કે તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડીપફેક વિશે લોકોને જાગૃત કરે. પીએમે કહ્યું કે કાર્યક્રમોના માધ્યમથી લોકોને ડીપફેક શું છે, કેટલી મોટી કટોકટી ઉભી થઈ શકે છે અને તેની શું અસર થઈ શકે છે, તેના ઉદાહરણો સાથે લોકોને જણાવવું જોઈએ.

તમને જણાવી દઇએ કે હાલમાં જ સોશિયલ મીડિયા પર ડીપફેક વીડિયોને લઇને ચર્ચા થઇ હતી. તેની શરૂઆત ત્યારે થઈ જ્યારે પ્રખ્યાત અભિનેત્રી રશ્મિકા મંદાનાનો એક ડીપફેક વીડિયો ઇન્ટરનેટ પર ઘણો વાયરલ થયો હતો. આ વીડિયોમાં રશ્મિકાના ચહેરાને અન્ય મહિલાના શરીર પર મોર્ફ કરવામાં આવ્યો હતો. જ્યારે ઓરિજિનલ વીડિયોમાં દેખાતી મહિલા બ્રિટિશ-ઇન્ડિયન અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઝારા પટેલ હતી. ઓરિજિનલ વીડિયોમાં જોઈ શકાય છે કે ઝારા લિફ્ટમાંથી બહાર નીકળતી વખતે બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. પરંતુ વાયરલ વીડિયો ઝારાના ચહેરાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા એડિટ કરવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ રશ્મિકા મંદાનાનો ચહેરો મુકવામાં આવ્યો હતો

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ