PM Narendra Modi in Varanasi : લોકસભા ચૂંટણી 2024ની જાહેરાતને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને તે પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે છે. શુક્રવારે વારાણસી પહોંચેલા પીએમ મોદીએ એક વિશાળ રોડ શો કર્યો હતો અને જેમાં ભારે ભીડ જોવા મળી રહી છે. પીએમ મોદીએ કાશીના લોકોને 13 હજાર કરોડથી વધુની યોજનાઓની ભેટ આપી છે. આ દરમિયાન પીએમે લોકસભા ચૂંટણી માટે ભાજપના મજબૂત જનાધારનો પણ ઉલ્લેખ કર્યો છે.
પીએમ મોદીએ 13 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમયગાળા દરમિયાન આશરે 13 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે આ વિકાસ યોજનાઓમાં પશુપાલન, રસ્તા, રમત-ગમત સ્વાસ્થ્ય, એલપીજી સહિત ઘણા પ્રોજેક્ટ છે. તેમણે કહ્યું હતું કે તેનાથી વારાણસી અને સંપૂર્ણ પૂર્વાંચલમાં રોજગારીની તકો વધશે. આ દરમિયાન પીએમે રાજકીય નિવેદનો પણ આપ્યા હતા અને પરિવારવાદના મુદ્દે વિપક્ષી પાર્ટીઓ પર પ્રહાર કર્યા હતા.
રાહુલના નિવેદન પર મોદીનો કટાક્ષ
પીએમ મોદીએ કહ્યું કે યુપી પરિવારવાદના કારણે પાછળ રહી ગયું અને હવે જ્યારે યુપીના યુવાનો પોતાનું નવું સોનેરી ભવિષ્ય લખી રહ્યા છે ત્યારે કોંગ્રેસના રાજપરિવારે કહ્યું કે કાશીના લોકો નશેડી છે. તેમણે કહ્યું કે તેઓ છેલ્લા બે દાયકાથી મોદીને ગાળો આપી રહ્યા હતા અને હવે તેમણે જનતાને ગાળો આપવાનું શરૂ કરી દીધું છે. પરિવારવાદીઓ યુપી પોતાનું ભવિષ્ય લખી રહ્યું છે અને પરિવારવાદ યુપીની આ યુવા શક્તિથી ડરે છે.
આ પણ વાંચો – પીલીભીતથી વરૂણ ગાંધીની ટિકિટ ખતરામાં? ભાજપ આ નેતાઓ પર લગાવી શકે છે દાવ
યુપીમાં ભાજપ 80 બેઠકો જીતશે
પીએમ મોદીએ કહ્યું છે કે આ વખતે તેમણે જમાનત બચાવવા માટે સંઘર્ષ કરવો પડશે. યુપીમાં 100 ટકા મૂડ છે અને આ વખતે મોદીની ગેરંટી છે. યુપીએ તમામ બેઠકો પર મોદીને જીતાડવાનો નિર્ણય કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે મોદીનો ત્રીજો કાર્યકાળ સમગ્ર વિશ્વમાં ભારતનો સૌથી પ્રખંડ કાર્યકાળ બનવા જઈ રહ્યો છે. જેમાં ભારત આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક મામલે નવી ઊંચાઈ પર હશે.
મોદીએ સપા-કોંગ્રેસના ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા
પીએમ મોદીએ સપા-કોંગ્રેસ ગઠબંધન પર નિશાન સાધતા કહ્યું કે બધા જાણે છે કે માલ તે જ છે પેકિંગ નવું છે પરંતુ આ વખતે તેમને જમાનત બચાવવા માટે પણ સંઘર્ષ કરવો પડશે. પીએમ મોદીએ કહ્યું કે જે લોકોની પોતાના હોશના ઠેકાણા નથી તેઓ કાશીના બાળકોને નશેડી ગણાવી રહ્યા છે.
તેમણે કહ્યું કે તેઓ તેમના પરિવાર અને વોટબેંકથી આગળ વિચારી શકતા નથી અને જ્યારે પરિણામ શૂન્ય આવે છે, ત્યારે તેઓ બીજાને ગાળો આપીને અલગ થઈ જાય છે. તેમને ખબર નથી કે બનારસમાં બધા ગુરુ હોય છે. અહીં ઇન્ડી ગઠબંધનનો પેંતરો કામ કરવાનો નથી.
વારાણસી પહોંચેલા પીએમ મોદીએ એક વિશાળ રોડ શો કર્યો હતો. આ દરમિયાન રસ્તાની બન્ને તરફ મોટી સંખ્યામાં પ્રશંસકો જોવા મળ્યા હતા. ભાજપના કાર્યકરોએ પીએમ મોદી પર પુષ્પવર્ષા પણ કરી હતી. પીએમ મોદીના સંબોધન પહેલા પોતાના સંબોધનમાં સીએમ યોગી આદિત્યનાથે મોદી સરકારની કાર્યપદ્ધતિના વખાણ કર્યા છે. સીએમ યોગીએ કહ્યું કે મોદીની દૂરંદેશીનો લાભ આખા દેશને મળી રહ્યો છે.