PM Narendra Modi Kerala Visit : કેરળની બે દિવસીય મુલાકાત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યના ભાજપના કાર્યકર્તાઓને વિજય મંત્ર આપ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પક્ષના કાર્યકરોને તેમના બૂથ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું જેથી ભાજપ કેરળ જીતી શકે. પોતાના ભાષણ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ પાર્ટીના કાર્યકર્તાઓને ‘ભાજપની લાઇફલાઇન’ ગણાવી હતી.
પીએમ નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને કહ્યું કે કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ પોતાના વિસ્તારના લોકો વચ્ચે લઇને જાય. તેમણે ભાજપના કાર્યકર્તાઓને કહ્યું કે મને કેરળના કાર્યકર્તાઓની ક્ષમતા પર વિશ્વાસ છે. તમારી ભૂતકાળની સિદ્ધિઓને જોતા હું કહી શકું છું કે તમે કેરળના લોકોનું દિલ જીતી શકશો.
તમારા બૂથ પર આવતા પરિવારોની જવાબદારી લો – પીએમ મોદી
શક્તિ કેન્દ્રના પ્રભારીઓને સંબોધિત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે શક્તિ કેન્દ્રના પ્રભારીએ પોતાના વિસ્તારના લોકો સાથે સંપર્કમાં રહેવુ જોઈએ. તમારે તેમની સમસ્યાઓ સમજવી જોઈએ. તમારે ડિજિટલ ઇન્ડિયાના ફાયદા તેમની પાસે લઈ જવા જોઈએ. તમે ફૂટપાથ પર લારીઓ લગાવતા વિક્રેતાઓ સાથે કલ્યાણ યોજના વિશે વાત કરો. તમારા બૂથ પર આવતા પરિવારોની જવાબદારી લો. તમે પ્રથમ વખતના મતદાતાનો સંપર્ક કરો અને ખાતરી કરો કે કોઈ પણ મતદાતા સૂચિમાંથી બાકાત ન રહે.
આ પણ વાંચો – રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં સામેલ થશો? અખિલેશ યાદવે કહ્યું – ના ભાજપ બોલાવે છે ના કોંગ્રેસ
કોઇપણ કેન્દ્રની વિકાસ યોજનાઓથી ન રહે દૂર – પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે કેન્દ્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી વિકાસ યોજનાઓથી કોઈ પણ વ્યક્તિ વંચિત ન રહે. તેમણે કહ્યું કે ભાજપ સરકારની પ્રાથમિક જવાબદારી સામાન્ય લોકોની આવક વધે અને તેઓ વધુ બચત કરી શકે. નીતિ આયોગના રિપોર્ટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે છેલ્લા નવ વર્ષમાં દેશમાં 25 કરોડ લોકો ગરીબીથી બહાર આવવામાં સફળ રહ્યા છે.
કોંગ્રેસે કહ્યું ભાજપની મુલાકાતથી ફાયદો નહીં થાય
કેરળ કોંગ્રેસે દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ યાત્રાથી ભાજપને કોઈ ફાયદો નહીં મળે અને ભગવા પક્ષ દક્ષિણના આ રાજ્યમાં પોતાનું ખાતું ખોલી શકશે નહીં. કેરળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વી ડી સતીસને કહ્યું કે ભાજપ લોકોમાં મતભેદો પેદા કરવા, ધર્મ અને ધાર્મિક સ્થળોને રાજકારણ સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે.





