PM Narendra Modi On RSS In Mann Ki Baat : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના 100 વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે નિઃસ્વાર્થ સેવાની ભાવના અને શિસ્તનો પાઠ એ RSSની વાસ્તવિક તાકાત છે અને તેના અસંખ્ય સ્વયંસેવકોના દરેક કામમાં ‘રાષ્ટ્ર પ્રથમ’ને પ્રાધાન્ય આપવામાં આવે છે.
વડાપ્રધાને તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ની 125મી આવૃત્તિમાં ફરી એકવાર સ્વદેશી પર ભાર મૂક્યો હતો અને લોકોને 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતી પર ખાદી માંથી બનેલી કંઇક ખરીદવા વિનંતી કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું હતું કે સરકાર ‘છઠ મહાપર્વ’ને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સૂચિમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહી છે. આરએસએસના વખાણ કરતા તેમણે કહ્યું કે, હવેથી થોડા દિવસો પછી આપણે વિજયાદશમીની ઉજવણી કરીશું. આ વખતે વિજયાદશમી બીજા કારણથી વધુ ખાસ છે. આ દિવસે આરએસએસની સ્થાપનાના 100 વર્ષ પૂરા થશે. ”
આ 100 વર્ષ જૂની યાત્રા માત્ર નોંધપાત્ર જ નહીં પરંતુ પ્રેરણાદાયી પણ છે
વડાપ્રધાને કહ્યું કે આ સો વર્ષ જૂની સફર માત્ર નોંધપાત્ર જ નહીં પરંતુ પ્રેરણાદાયી પણ છે. સો વર્ષ પહેલા જ્યારે આરએસએસની સ્થાપના થઈ ત્યારે આપણો દેશ ગુલામીની બેડીઓમાં જકડાયેલો હતો. સદીઓ જૂની આ ગુલામીએ આપણા આત્મવિશ્વાસને, આપણા સ્વાભિમાનને ઊંડા ઘા આપ્યા હતા. ”
વડાપ્રધાને કહ્યું કે, દેશના લોકોમાં લઘુતાગ્રંથિ વિકસવા લાગી છે. તેમણે કહ્યું હતું કે, “તેથી, દેશની આઝાદીની સાથે, દેશ વૈચારિક ગુલામીથી મુક્ત થાય તે પણ જરૂરી હતું. ”
ગોલવલકરે રાષ્ટ્ર સેવાના આ મહાન યજ્ઞને આગળ ધપાવ્યો
તેમણે કહ્યું કે, હેડગેવારે આ ઉદ્દેશ્ય સાથે 1925માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રચના કરી હતી. “તેમના પછી, ગુરુ ગોલવલકરજીએ રાષ્ટ્રની સેવાના આ મહાયજ્ઞને આગળ વધાર્યો. ”
પીએમ મોદીએ કહ્યું કે, નિઃસ્વાર્થ સેવાની ભાવના અને શિસ્તનો પાઠ આ જ સંઘની અસલી તાકાત છે. ”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આરએસએસ છેલ્લા 100 વર્ષથી રાષ્ટ્રની સેવામાં અથાક મહેનત કરી રહ્યું છે. આ જ કારણ છે કે જ્યારે કોઈ કુદરતી આફત આવે છે ત્યારે આરએસએસના સ્વયંસેવકો ત્યાં પહોંચે છે. આરએસએસના અસંખ્ય સ્વયંસેવકોના દરેક કામમાં ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના હંમેશા સર્વોપરી રહી છે. ”