former PM Manmohan Singh : ભારતના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ સહિત રાજ્યસભાના ઘણા સાંસદોની વર્તમાન ટર્મ ગુરુવારે પૂરી થઈ હતી. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ તમામ સાંસદોના યોગદાનને યાદ કરીને તેમને ફેરવેલ આપી હતી. આ દરમિયાન ખાસ કરીને પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તમામ સાંસદોએ તેમની પાસેથી શીખવાની જરૂર છે.
રાજ્યસભામાં બોલતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું ખાસ કરીને આદરણીય ડોક્ટર મનમોહન સિંહજીને યાદ કરવા માંગુ છું. 6 વખત તેઓ આ ગૃહમાં પોતાના મૂલ્યવાન વિચારોથી નેતાના રૂપમાં અને વિરોધ પક્ષના નેતા તરીકે પણ તેમનું મોટું યોગદાન રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વૈચારિક મતભેદો ક્યારેક ચર્ચાઓમાં રકઝક થાય, તે ખૂબ જ અલ્પકાલીન હોય છે. પરંતુ આટલા લાંબા સમયથી જે રીતે તેમણે આ ગૃહને માર્ગદર્શન આપ્યું છે, દેશને માર્ગદર્શન આપ્યું છે, તે હંમેશાં અને હંમેશાં જ્યારે પણ આપણી લોકશાહીની ચર્ચા થશે ત્યારે કેટલાક માનનીય સભ્યોની ચર્ચા થશે. જેમા માનનીય ડો.મનમોહન સિંહના યોગદાનની ચર્ચા અવશ્ય કરવામાં આવશે.
આ પણ વાંચો – આમ આદમી પાર્ટી પણ ઇન્ડિયા ગઠબંધનથી દૂર? બીજા ત્રણ ઉમેદવારની કરી જાહેરાત
મનમોહન સિંહનો કાર્યકાળ માર્ગદર્શક છે – પીએમ મોદી
પ્રધાનમંત્રીએ કહ્યું કે હું તમામ સાંસદોને મળું છું, પછી તે આ ગૃહમાં હોય કે તે ગૃહમાં. જે આજે છે કે ભવિષ્યમાં આવવાના છે. હું તેમને ચોક્કસપણે કહીશ કે આ માનનીય સાંસદો હોય છે, તેઓ કોઈ પણ પક્ષના હોય પરંતુ તેઓએ જે રીતે પોતાનું જીવન પસાર કર્યું. જે પ્રકારની પ્રતિભાના દર્શન તેમણે પોતાના કાર્યકાળમાં કરાવ્યા. તેનો આપણે એક માર્ગદર્શકના રૂપમાં શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ.
તેમના લાંબા આયુષ્ય માટે દરેક વતી પ્રાર્થના – પીએમ મોદી
તેમણે કહ્યું કે મને યાદ છે કે તે સદનની અંદર છેલ્લા કેટલાક દિવસોમાં વોટિંગની તક હતી. પરંતુ જાણતા હતા કે વિજય નહીં થાય, તફાવત પણ ખૂબ જ હતો પરંતુ ડો.મનમોહન સિંહ વ્હીલચેર પર આવ્યા હતા. વોટ પણ આપ્યો હતો. સાંસદ પોતાની જવાબદારી પ્રત્યે કેટલા સજાગ છે તે તેનું એક ઉદાહરણ છે, તે એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. એટલું જ નહીં, હું જોઈ રહ્યો હતો કે કમિટીની ચૂંટણીમાં પણ તેઓ વ્હીલચેર પર બેસીને મતદાન કરવા આવ્યા હતા. હું માનું છું કે લોકતંત્રને તાકાત આપવા માટે આવ્યા હતા. હું વિશેષ કરીને તેમના લાંબા આયુષ્ય માટે દરેક વતી પ્રાર્થના કરું છું કે તેઓ હંમેશા આપણને માર્ગદર્શન કરતા રહે, આપણને પ્રેરણા આપતા રહે.