PM Narendra Modi UAE Visit Updates : વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના યુએઈના પ્રવાસે છે. પ્રધાનમંત્રી મોદી અને યૂએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન વચ્ચે અબુધાબીમાં એક બેઠક થઇ હતી. પીએમ મોદી આવતીકાલે ગુરુવારે બીએપીએસ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે.
યૂએઈના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે એ ખુશીની વાત કે આજે આપણે દ્વિપક્ષીય રોકાણ સંધિ પર હસ્તાક્ષર કરી રહ્યા છીએ. મારું માનવું છે કે આ જી-20 દેશો માટે આ મોટી ખબર હશે કે ભારત અને યુએઈ આ મહત્વપૂર્ણ દિશામાં આગળ વધી રહ્યા છે. પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાને અબુધાબીમાં યુપીઆઈ રૂપે કાર્ડ સેવા શરૂ કરી હતી.
પીએમ મોદી મંદિરનું ઉદ્ઘાટન કરશે
અબુધાબીમાં મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે અહીં બીએપીએસ (બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા) મંદિરનું નિર્માણ તમારા સમર્થન વિના શક્ય ન હોત. મારું આમંત્રણ સ્વીકારવા બદલ અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે મારા ગૃહ રાજ્ય ગુજરાતમાં આવવા બદલ હું તમારો આભાર માનું છું. તમે આ આયોજનને નવી ઊંચાઈઓ પર લઈ ગયા છો અને વિશ્વમાં તેની પ્રતિષ્ઠા વધી છે.
આ પણ વાંચો – પીએમ મોદીના સ્વાગત માટે યુએઇમાં ભવ્ય તૈયારી, અહલાન મોદી કાર્યક્રમમાં પ્રેક્ષકોની સંખ્યા ઘટાડી, કારણ
ભારત અને યુએઈ વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ)નું આદાન-પ્રદાન યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં થયું હતું. પીએમ મોદીનું એરપોર્ટ પર મોહમ્મદ બિન ઝાયેદ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાં તેઓએ એકબીજાને ભેટીને અભિનંદન કર્યું હતું. આ પછી પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
હું પોતાના ઘર- પરિવારમાં આવ્યો છું : પીએમ મોદી
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે અબુધાબી એરપોર્ટ પર મને આવકારવા માટે સમય ફાળવવા બદલ મારા ભાઈ મોહમ્મદ બિન ઝાયદનો ખૂબ જ આભાર. યુએઈના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠકમાં પોતાના પ્રારંભિક નિવેદનમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે મારા અને મારા દળનું ભવ્ય સ્વાગત કરવા બદલ હું તમારો આભારી છું. તમે કહ્યું તેમ જ્યારે પણ હું અહીં આવ્યો છું ત્યારે મને હંમેશાં એવું લાગ્યું છે કે હું મારા ઘર અને પરિવારમાં આવ્યો છું. તેમણે કહ્યું કે અમે છેલ્લા સાત મહિનામાં પાંચ વખત મળ્યા છીએ. આજે ભારત અને યુએઈ દરેક ક્ષેત્રમાં પરસ્પર ભાગીદારી ધરાવે છે.





