દિલ્હી હાઇકોર્ટનું POCSO એક્ટને લઇ મહત્વનું નિવેદન સામે આવ્યું છે. દિલ્હી હાઇકોર્ટે POCSO એક્ટનો અર્થ સમજાવતા નિવેદન આપ્યું છે કે, POCSO એક્ટ સગીરોને જાતીષ શોષણથી બચાવવા માટે ઘડવામાં આવ્યો છે. આ એક્ટ પુખ્ત વયના લોકો વચ્ચે સહમતિથી બનેલા સંબંધોને ગુના હેઠળ આવરી લેવા માટે બનાવાયો નથી.
જસ્ટિસ જસમીત સિંહે ઓક્ટોબર 2022માં IPCની કલમ 363/366/376 અને POCSO એક્ટની કલમ 6/17 હેઠળ દાખલ એક કેસ મામલે આરોપીને જામીન આપવાના આદેશ સમયે આ અવલોકન કર્યું હતું. આ કેસમાં પીડિત જૂન 2021માં 17 વર્ષની હતી જ્યારે તેના પરિવારે તેના લગ્ન એક પુરુષ સાથે કરી દીધા હતા, પરંતુ યુવતી તેની સાથે રહેવા માંગતી ન હતી.
ઓક્ટોબર 2021માં તે છોકરી ભાગીને આરોપીના ઘરે આવી જે તેનો મિત્ર હતો અને તે તેને પંજાબ લઈ ગયો જ્યાં બંનેએ લગ્ન કરી લીધા. જેને પગલે છોકરીના પિતાએ આરોપી છોકરા વિરુદ્ધ FIR નોંધાવી હતી. જેના આધારે આરોપી 31 ડિસેમ્બર 2021થી ન્યાયિક કસ્ટડીમાં હતો. ત્યારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશને જોતા જસ્ટીસ જસમીત સિંહે જણાવ્યું હતું કે, સમગ્ર મામલે માલુમ પડે છે કે, છોકરી સ્વૈચ્છિકપણે હાઇકોર્ટના શરણે આવી છે. જે અંતર્ગત પીડિત છોકરીએ નિવેદન આપ્યું છે કે, તેના માતા-પિતા તેને અને તેના પતિને હાનિ પહોંચાડવાની ધમકી આપી રહ્યા છે.
POCSO એક્ટનો હેતુ
ન્યાયમૂર્તિ જસમીત સિંહે કહ્યું કે, “મારા મતે POCSO એક્ટનો હેતુ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જાતીય શોષણથી બચાવવાના ભાગરૂપે છે. આ એક્ટનો મતલબ પુખ્ત વયના લોકો વચ્ચેના સંમતિપૂર્ણ રોમેન્ટિક સંબંધોને ગુનાહિત બનાવવાનો નથી. જોકે દરેક મામલાને તથ્ય અને પરિસ્થિતિની બંને બાજુ ચકાસણી કરવી જોઇએ. એવા ઘણા મામલા પ્રકાશમાં આવે છે, જેમાં હવસનો ભોગ બનેલી પીડિતો પર દબાણ અને સમજોતા કરવા માટે મજબૂર કરવામાં આવે છે.
આ પણ વાંચો: તમિલનાડુમાં સર્વપક્ષીય બેઠકમાં EWS અનામતનો પ્રસ્તાવ ફગાવાયો, રિવ્યૂ પિટિશન દાખલ કરશે
કોઈપણ દબાણ વગર લગ્ન
દિલ્હી હાઇકોર્ટે 20 ઓક્ટોબરે મહિલા સાથે વાતચીત કરી હતી. તેણીએ કોર્ટમાં જણાવ્યું હતું કે, ‘તેણી જ્યારે કિશોરવયની હતી ત્યારે તેના એક પુરુષ સાથે જબરદસ્તી લગ્ન કરાવ્યા હતા. પરંતુ તે તેની સાથે રહેવા માંગતી ન હતી’. પીડિતાએ કોર્ટમાં વધુમાં જણાવ્યું કે તેણે પોતાની મરજીથી અને કોઈપણ દબાણ વગર તેના મિત્ર સાથે લગ્ન કર્યા છે. આ ઉપરાંત પીડિતાએ કોર્ટમાં કહ્યું કે તે તેના પતિ સાથે રહેવા માંગે છે.
કોર્ટે પોતાનો ચુકાદો આપતાં કહ્યું કે, “આ એવો કેસ નથી કે જ્યાં છોકરીને છોકરા સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવ્યું હોય. હકીકતમાં તેને ખુદ છોકરાના ઘરે ગઈ તેની સાથે લગ્ન કરવા કહ્યું હતું. યુવતીના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે તે બંને વચ્ચેનો પ્રેમ સંબંધ હતો અને તેમની વચ્ચે શારીરિક સંબંધ સહમતિથી હતો. કોર્ટે કહ્યું કે સગીરની સંમતિની કોઈ કાયદાકીય અસર નથી, પરંતુ જામીન આપતી વખતે સહમતિથી સંબંધની હકીકત ધ્યાનમાં લેવી જોઈએ. આ સંજોગોમાં અરજદાર જામીન મેળવવા માટે હકદાર છે.