ભાજપ JJP સાથેના સંબંધો તોડવાની તૈયારીમાં? હરિયાણાના પ્રભારીએ 5 અપક્ષ ધારાસભ્યો સાથે મુલાકાત કરી

BJP-JJP Alliance : હરિયાણાના પ્રભારી બિપ્લબ કુમાર દેબે ધારાસભ્યો સાથેની તેમની તસવીરો ટ્વિટ કરી હતી અને કહ્યું હતું કે તેમણે રાજ્યને મજબૂત બનાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ ખટ્ટરના નેતૃત્વ પ્રત્યે વફાદારીનું વચન આપ્યું

Updated : June 10, 2023 00:01 IST
ભાજપ JJP સાથેના સંબંધો તોડવાની તૈયારીમાં? હરિયાણાના પ્રભારીએ 5 અપક્ષ ધારાસભ્યો સાથે મુલાકાત કરી
હરિયાણાના પ્રભારી બિપ્લબ કુમાર દેબ શુક્રવારે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને મળવા ચંદીગઢ પહોંચ્યા હતા (Twitter/@mlkhattar)

Varinder Bhatia : ભાજપ જનનાયક જનતા પાર્ટી (જેજેપી) સાથેનું જોડાણ તોડવાની તૈયારીમાં લાગે છે. હરિયાણાના પ્રભારી બિપ્લબ કુમાર દેબ શુક્રવારે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને મળવા ચંદીગઢ પહોંચ્યા હતા. શુક્રવારે નવી દિલ્હીમાં ચાર અપક્ષો અને હરિયાણા લોકહિત પાર્ટીના એકમાત્ર ધારાસભ્ય ગોપાલ કાંડાને મળ્યાના એક દિવસ બાદ તેઓ ચંદીગઢ આવ્યા હતા. બંને બેઠકો બાદ દેબે ધારાસભ્યો સાથેની તેમની તસવીરો ટ્વિટ કરી હતી અને કહ્યું હતું કે તેમણે દેશ અને રાજ્યને મજબૂત બનાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ ખટ્ટરના નેતૃત્વ પ્રત્યે વફાદારીનું વચન આપ્યું હતું.

આવતા વર્ષે યોજાનારી ચૂંટણી પૂર્વે ભાજપ અને જેજેપી વચ્ચે વધી રહેલા તણાવને લઈને અટકળો વધી રહી છે અને દેબે ભાજપના સહયોગી પર પ્રહારો કર્યા હતા. જેજેપીના વરિષ્ઠ નેતા અને ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલાની ઉચાના કલાન વિધાનસભા બેઠક પર દાવો કરતા આ વાતને વધુ વેગ મળ્યો હતો. જેજેપી પણ ખેડૂતો અને રેસલર્સના વિરોધ જેવા મુદ્દાઓ પર ભાજપના નેતૃત્વ હેઠળના કેન્દ્રના વલણથી નારાજ છે, જે તેની વોટ બેંકને સીધી અસર કરે છે.

અપક્ષો સાથે દેબની બેઠક લગભગ બે કલાક ચાલી હતી. જ્યારે પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ આજે લગભગ એક કલાક સુધી કાંડાને મળ્યા હતા. 2019ની વિધાનસભાની ચૂંટણીમાં 90 સભ્યોના ગૃહમાં ભાજપને 40 બેઠકો મળી હતી. છ ધારાસભ્યોની બહુમતીથી ઓછી થઈ ગઈ હતી તેથી નવી રચાયેલી જેજેપીએ ટેકો આપ્યો હતો. ગયા વર્ષે પેટાચૂંટણીમાં આદમપુર જીત્યા બાદ ભાજપનો આંકડો વધીને 41 પર પહોંચી ગયો હતો. જ્યારે તેને પહેલેથી જ એક અપક્ષ રણજિત સિંહનું સમર્થન મળ્યું છે, જેઓ મંત્રી પણ છે. ગોપાલ કાંડાએ પણ ઘણા સમય પહેલા ભાજપ પ્રત્યે નિષ્ઠા જાહેર કરી હતી. આથી બહુમતી માટે તેને ગણ્યાગાંઠ્યા ધારાસભ્યોની જરૂર છે.

ગુરુવારે દેબને મળેલા અપક્ષોમાં ધરમપાલ ગોંદર (નિલોખેરી, એસસી-અનામત મતવિસ્તાર), રાકેશ દૌલતાબાદ (બાદશાહપુર), રણધીરસિંહ ગોલેન (પુંડરી) અને સોમવીર સાંગવાન (દાદરી)નો સમાવેશ થાય છે. જોગાનુજોગ 2019ની ચૂંટણી બાદ બધાએ ભાજપને ટેકો આપવાની જાહેરાત કરી હતી પરંતુ ભાજપે તેના બદલે જેજેપી સાથે ગઠબંધન કર્યું હતું.

આ પણ વાંચો – કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને લઇને બદલી રણનિતી, લોકસભા નહીં રાજ્યસભામાં કરી શકે છે એન્ટ્રી!

સાંગવાન 2014માં ભાજપની ટિકિટ પર દાદરીથી ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા. 2019માં તેમને ટિકિટ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, જેના કારણે તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ભાજપ સરકારે તેમને હરિયાણા પશુધન બોર્ડના અધ્યક્ષ બનાવ્યા હતા. પરંતુ ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાઓ વિરુદ્ધ 2020-21 ના ખેડૂત આંદોલન દરમિયાન તેમણે રાજીનામું આપી દીધું હતું.

ગોલેનની વાત પણ એવી જ છે, જ્યારે પુંડરી અગાઉ જિલ્લા સ્તરે ભાજપ સાથે સંકળાયેલા હતા. ચોથા અપક્ષ દૌલતાબાદ 2009માં અપક્ષ તરીકે અને 2014માં આઈએનએલડીની ટિકિટ પર લડ્યા હતા, બંને વખત હારી ગયા હતા. આખરે 2019માં તેઓ અપક્ષ તરીકે 10,000થી વધુ મતોથી જીત્યા હતા.

આગામી વિધાનસભાની ચૂંટણીને આડે હવે માત્ર એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપ અને જેજેપીનું ટોચનું નેતૃત્વ તેમના જોડાણને ચાલુ રાખવા અંગે કોઈ પણ જાતની અનિચ્છા દર્શાવી રહ્યા છે અને તેમના નેતાઓ એકબીજા સામે આકરી ટિપ્પણીઓ કરી રહ્યા છે.

4 જૂને ઉચાના કલાનમાં એક સભાને સંબોધન કરતા બિપ્લબ દેબે કહ્યું હતું કે ઉચાનાના આગામી ધારાસભ્ય ભાજપના ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન બિરેન્દ્ર સિંહની પત્ની પ્રેમ લતા હશે. જેમને દુષ્યંતે 2019માં 48,000થી વધુ મતોથી હરાવ્યા હતા. જે સૂચવે છે કે ભાજપ આ બેઠક પર દાવો કરી રહ્યો છે. દેબે એમ પણ કહ્યું હતું કે ભાજપ જેજેપી પર નિર્ભર નથી. ઘણા અપક્ષ ધારાસભ્યો સતત અમારા સંપર્કમાં છે.

ગુરુવારે બિપ્લબ દેબને મળ્યા બાદ સાંગવાને કહ્યું હતું કે તેમણે સૂચન કર્યું છે કે ભાજપે જેજેપી સાથેનું ગઠબંધન સમાપ્ત કરવું જોઈએ, કારણ કે તેમના જેવા અપક્ષ ધારાસભ્યો પહેલાથી જ ભાજપને ટેકો આપી રહ્યા છે.

બિપ્લબ દેબે પોતાના ભાષણમાં એમ પણ કહ્યું હતું કે જેજેપીએ હરિયાણામાં ચૂંટણી બાદ ગઠબંધન કરીને ભાજપ પર કોઈ મહેરબાની કરી નથી. તેના બદલામાં તેમના ઘણા ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા હતા. દુષ્યંત ડેપ્યુટી સીએમ છે, જ્યારે જેજેપીના દેવેન્દર બબલી રાજ્ય મંત્રી (એમઓએસ) છે, જેમનો પંચાયત અને વિકાસ વિભાગનો સ્વતંત્ર હવાલો છે. અનૂપ ધનક મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન તેમજ ઉદ્યોગ અને વાણિજ્ય રાજ્યમંત્રી છે.

હમણાં જ દુષ્યતે પણ બધું બરાબર નથી એવો સંકેત આપતાં કહ્યું કે ભવિષ્ય ભાખવા માંગતો નથી. પરંતુ શું તમે ઇચ્છો છો કે જેજેપી પોતાને માત્ર 10 બેઠકો સુધી મર્યાદિત કરે? કે પછી ભાજપ પોતાને માત્ર 40 બેઠકો સુધી મર્યાદિત કરશે? ના, બંને પક્ષો તમામ 90 બેઠકોને ધ્યાનમાં રાખીને સખત મહેનત કરશે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી બિરેન્દ્ર સિંહે શુક્રવારે કહ્યું કે જેજેપીના પોતાના ધારાસભ્યો પાર્ટીની સાથે નથી. જેજેપી વિના આગળ ચાલીને ભાજપને ફાયદો થાય તેમ છે. હરિયાણામાં ભાજપ માટે કોઈ પણ ગઠબંધનની બહુ ઓછી જરૂર છે.

ભાજપના એક વરિષ્ઠ નેતાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે એવી પ્રબળ સંભાવના છે કે ભાજપ જેજેપી સાથે જોડાણમાં આગામી લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણી લડશે નહીં. બેઠકોની વહેંચણીની પણ કોઈ વ્યવસ્થા નહીં હોય. અલબત્ત જો જરૂર પડે તો ચૂંટણી પછીના ગઠબંધનની શક્યતા હંમેશા રહે છે, જેમ કે 2019માં થયું હતું. આ જ કારણ છે કે બંને પક્ષો હાલમાં પોતપોતાના આધારને વિસ્તૃત કરવા માટે કામ કરી રહ્યા છે.

આ પહેલા શુક્રવારે ભાજપના વરિષ્ઠ નેતા અને કેબિનેટ મંત્રી અનિલ વિજે ભાજપ અને જેજેપી વચ્ચે ચાલી રહેલા તણાવને ઓછો કરવાનો પ્રયાસ કરતા કહ્યું હતું કે જો ઘરમાં બે વાસણો હોય તો તેઓ ખખડધજ અવાજ કરે છે. પરંતુ સમજદાર લોકો તેને ઉપાડીને પાછા મૂકી દે છે અને ઘરનું ગુજરાન ચાલતું રહે છે.

દેબની બેઠકો પર અનિલ વિજે કહ્યું કે બિપ્લબ દેબ દરેકને મળે છે અને તે ખૂબ જ સારા પાર્ટી બાબતોના પ્રભારી છે. આ દિવસોમાં તેઓ વધુને વધુ જૂના કાર્યકર્તાઓને મળી રહ્યા છે. આજે તેઓ કેટલાક ધારાસભ્યોને મળ્યા, જેમણે અમને ટેકો આપ્યો છે. તે અન્ય પક્ષોના લોકો સાથે વાત કરતા રહે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ