Poonch rajouri terror attack Impact : પૂંછમાં થયેલા આતંકવાદી હુમલામાં આર્મીના ચાર જવાનોની હત્યાના સંબંધમાં પૂછપરછ માટે લેવામાં આવેલા પગલા બાદ કથિત રીતે ત્રણ નાગરિકોના મૃત્યુની લહેરની અસર ઘાટીમાં જોવા મળી રહી છે, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી અને નેશનલ કોન્ફરન્સ બંનેએ પોતાનો અવાજ ઉઠાવ્યો છે.
પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ આરોપ મૂક્યો હતો કે, સેનાએ સ્થાનિકોને પૂછપરછ માટે ઉપાડી લીધા હતા અને એન્કાઉન્ટર સ્થળની નજીક “તેમાંથી ત્રણના યાતનાગ્રસ્ત મૃતદેહો” મળી આવ્યા હતા. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે, બાફલિયાઝના ટોપા પીર ગામના અન્ય 12 લોકોને પણ ત્રાસ આપ્યા બાદ તેમને સુરનકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ગુરુવારે બપોરે આતંકવાદીઓ દ્વારા ઓચિંતા હુમલામાં સેનાના ચાર જવાનોએ જીવ ગુમાવ્યો હતો, ત્યારબાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને સ્થાનિકોની પૂછપરછ કરવામાં આવી હતી. ત્રણ નાગરિકોના મોતના સમાચાર ફેલાતાં પુંછ અને રાજૌરીમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.
ત્રણ નાગરિકોના મૃત્યુ પર, જમ્મુ અને કાશ્મીર પ્રશાસને કહ્યું, “મેડિકલ-કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી છે અને આ મામલે યોગ્ય અધિકારી દ્વારા કાનૂની કાર્યવાહી અને તપાસ શરૂ કરવામાં આવી છે.”
વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, “સરકારે દરેક મૃતકો માટે વળતરની જાહેરાત કરી છે. વધુમાં, સરકારે દરેક મૃતકના નજીકના સંબંધીઓ માટે રહેમરાય નિમણૂકની પણ જાહેરાત કરી છે.”
મુફ્તીએ જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ અને સામાન્ય સ્થિતિના તેના દાવાઓ માટે કેન્દ્ર પર પ્રહાર કરતા કહ્યું કે, “રાજૌરી-પૂંછ એક એવો પ્રદેશ છે, જેણે છેલ્લા બે કે ત્રણ વર્ષમાં ક્યારેય હિંસા અથવા આતંકવાદને સમર્થન આપ્યું નથી (પરંતુ), “અમે હવે આ વિસ્તારમાં વિદ્રોહ જોઈ રહ્યા છીએ.”
પાર્ટીના મહાસચિવ અલી મોહમ્મદ સાગરના નેતૃત્વમાં નેશનલ કોન્ફરન્સે શ્રીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. “હું જમ્મુ અને કાશ્મીરના લોકો વતી સરકારને વિનંતી કરવા માંગુ છું કે, આ નાગરિકોની હત્યા શા માટે કરવામાં આવી, તેની તપાસ કરવા માટે તપાસ સમિતીની રચના કરવામાં આવે. શાંતિ જાળવવાનો અને બીજા પાસે શાંતીની અપેક્ષા રાખવા માટે આ એકમાત્ર રસ્તો છે. નહિંતર પરિસ્થિતિ વધુ ખરાબ થશે.
જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીએ પણ શ્રીનગરમાં મૃત્યુ અંગે યોગ્ય તપાસની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મુફ્તીએ ભાજપ પર પણ પ્રહાર કરતા કહ્યું કે, “જમ્મુ અને કાશ્મીરને ખુલ્લી જેલમાં ફેરવવા છતાં, સેંકડો યુવાનોની ધરપકડ કરવા છતાં, કર્મચારીઓ, પત્રકારો, ધાર્મિક નેતાઓને નોકરીમાંથી કાઢી મુકવા અને દબાણ કરવા છતાં, અને કાશ્મીરના લોકોનું જીવન જોખમી બનાવવાથી કાશ્મીરના લોકો દુઃખી છે, આટલો ત્રાસ આપ્યા બાદ પણ છેલ્લા કેટલાક વર્ષોમાં રાજૌરી-પુંછમાં ઉચ્ચ અધિકારીઓની હત્યા કરવામાં આવી રહી છે.
તેણે કહ્યું કે, “જો આ અન્ય કોઈ સરકાર હેઠળ થયું હોત, તો ગોદી મીડિયાએ પ્રશ્નો ઉઠાવ્યા હોત. તેઓ 15 લોકોને તેમના ઘરેથી ઉપાડી ગયા હતા, અને તેમને ત્રાસ આપવામાં આવ્યો હતો. તેમાંથી ત્રણ પહેલા જ માર્યા ગયા છે. તો, આ ‘હેપ્પી કાશ્મીર’ કે ‘નવું કાશ્મીર’ કેવું છે, જ્યાં ન તો સેનાના જવાનો અને ન તો સામાન્ય લોકો સુરક્ષિત છે?.
આવી ઘટનાઓ બનવાનું “મુખ્ય કારણ” એ છે કે, “સુરક્ષા દળોને લાગે છે કે, તેઓ નકલી એન્કાઉન્ટર કરીને છટકી શકે છે”. વધુમાં ઉમેર્યું કે, “જેમ કે અમશીપોરા (શોપિયન) નકલી એન્કાઉન્ટરમાં થયું હતું, જ્યાં લશ્કરી અદાલતે સજા સંભળાવી હતી”, પરંતુ એક નાગરિક અદાલતે તે નિર્ણયને ઉલટાવી દીધો હતો. મને લાગે છે કે, સત્તાઓને એક સંદેશ મોકલવામાં આવ્યો છે કે, તેઓ જે પણ કરે છે તેનાથી છૂટકારો મેળવી શકે છે.”
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને નાગરિકોના પરિવારોને 50-50 લાખ રૂપિયાનું વળતર આપવા વિનંતી કરતા મુફ્તીએ કહ્યું, “અમે સેના પરના હુમલાની નિંદા કરીએ છીએ. આવી હત્યાઓની કોણ નીંદા ન કરે? તેમના પણ પરિવારો છે અને તેઓ આજીવિકા માટે અહીં આવે છે. પરંતુ ત્રણ નાગરિકોની હત્યા અને હોસ્પિટલમાં લોકોને માર મારવાની નિંદા કોણ કરશે?.
મીરવાઈઝ ઉમર ફારુકની આગેવાની હેઠળની હુર્રિયત કોન્ફરન્સે “ત્રણ નાગરિકોની હત્યા પર ઊંડો ખેદ અને શોક વ્યક્ત કર્યો”.
હુર્રિયતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ઘટનાની સંબંધિત એજન્સીઓ દ્વારા સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવે.
પીપલ્સ કોન્ફરન્સના પ્રમુખ સજ્જાદ લોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું: “પુંછમાં નાગરિકોની જાનહાનિ એ પડકારોની યાદ અપાવે છે, જે આપણે હજુ પણ સામનો કરી રહ્યા છીએ… કદાચ સમય આવી ગયો છે કે, આવી બાબતોમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં આવે અને યોગ્ય સંસ્થાકીય મિકેનિઝમ બનાવવું જોઈએ. જવાબદાર લોકોને સજાની ખાતરી કરો.” આતંકવાદ પ્રત્યે જીરો ટોલરન્સની સાથે દુષ્ટ આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સનું પાલન કરવું પડશે.