પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાશીમાં ભારતના સૌથી દુર્ગમ વિસ્તાર કારગિલ પહોંચી ગયા છે. જ્યા તેઓ સેનાના જવાનો સાથે દિવાળીનો પર્વ ઉજવી રહ્યા છે. પીએમ મોદી સવારે લગભગ 9:30 કલાકે કારગિલ પહોંચ્ય હતા. જે અંગે પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરી માહિતી આપી છે. મહત્વનું છે કે, છેલ્લા 8 વર્ષથી પીએમ મોદી સૈનિકો સાથે દિવાળીનો તહેવાર ઉજવી રહ્યાં છે.
‘સેનાના જવાનો મારો પરિવાર’
કારગિલમાં સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, સેનાના જવાનો મારો પરિવાર છે, તેમની સાથે દિવાળી મનાવનાનું સારું લાગે છે. મોદીએ કહ્યું કે, સિવિલિયન લોકોની દિવાળી… અમારી આતશબાજી અલગ હોય છે. તમારી આતશબાજી પણ અલગ અને ધડાકા પણ અલગ હોય છે.
‘પીએમ મોદી દિવાળીનો સાર સમજાવ્યો’
આ સાથે વડાપ્રધાન મોદીએ સેનાના જવાનોને દિવાળીનો અર્થ સમજાવતા કહ્યું હતું કે હકીકતમાં દિવાળીનો સાર એ છે કે આતંકનો અંત થાય અને પછી તેનો ઉત્સવ મનાવવામાં આવે. કારગિલ યુદ્ધ દરમિયાન પણ સેનાએ આ જ રીતે આતંકને કચડી નાખ્યો હતો. એક દિવ્ય જીત મેળવી હતી. દેશમાં તે જીતની એવી દિવાળી મનાવવામાં આવી હતી કે લોકો આજે પણ તેને યાદ કરે છે.
‘પીએમ મોદીએ કહ્યું હું સૌભાગ્યશાળી હતો’
મોદીએ સંબોધનમાં વધુમાં કહ્યું હતું કે મારું સૌભાગ્ય હતું કે હું એ વિજયનો સાક્ષી બન્યો હતો અને મેં એ યુદ્ધને નજીકથી જોયું હતું. હું અહીંના અધિકારીઓનો આભારી છું કે તેઓએ મને 23 વર્ષ જૂની તસવીરો બતાવીને મને તે ક્ષણ યાદ અપાવી. દેશના એક સામાન્ય નાગરિક તરીકેની મારી ફરજ મને યુદ્ધના મેદાન સુધી લઈ આવી હતી. અમે જે પણ મદદ કરી શકતા હતા, તે કરવા માટે અહીં આવ્યા હતા. અમે માત્ર પુણ્ય કમાવવા આવ્યા હતા.
આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું હતું કે, મારા માટે તો મારો પરિવાર વર્ષોથી તમે છો. મારી દિવાળીની મીઠાસ તો તમારી વચ્ચે રહીને વધી જાય છે. મારી દિવાળીનો પ્રકાશ તમારી વચ્ચે છે. જે આગલી દિવાળી સુધી મારા પદને પ્રશસ્ત કરે છે. હું સૌભાગ્યશાળી છું કે, વર્ષોથી તમારી વચ્ચે બોર્ડર પર તમારી સાથે દિવાળી ઉજવવાનો અવસર મળે છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014માં જ્યારથી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનનું પદ ગ્રહણ કર્યું છે, ત્યારથી તેઓ સૈનિકો સાથે દિવાળીનો તહેવાર ઊજવતા આવ્યા છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવવાની પોતાની પરંપરા અકબંધ રાખતા જમ્મુ-કાશ્મીરના કારગિલ પહોંચ્યા છે. આમ, વડાપ્રધાન સતત 9મા વર્ષે દિવાળીની ઉજવણી સેનાના જવાનો સાથે કરશે.