મણિપુરમાં મૈતેઇ સમુદાયને અનુસૂચિત જાતિમાં (ST)માં સામેલ કરવાની માંગણીનો વિરોધ કરતા બુધવારે જનજાતિય સમૂહો તરફથી મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન મણિપુર (ATSUM) દ્વારા આયોજિત એક સામૂહિક રેલી બિષ્ણુપુર અને ચુરાચંદપુર જિલ્લાઓની સરહદના વિસ્તારમાં હિંસક બની હતી. જેથી મણિપુર સરકારે મંગળવારથી મોટાભાગના જિલ્લાઓમાં કર્ફ્યુ લાદી દીધો હતો. સમગ્ર રાજ્યમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ તાત્કાલિક અસરથી પાંચ દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે.
19 એપ્રિલના મણિપુર હાઈકોર્ટના નિર્દેશ બાદ રાજ્યના મૈતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિ (એસટી) કેટેગરીમાં સમાવવાની માંગના વિરોધમાં એકતા કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘટનાક્રમે રાજ્યમાં મેદાની વિસ્તારમાં રહેતા મૈતેઇ સમુદાય અને પહાડી જનજાતિઓ વચ્ચે જૂની જાતિય તિરાડને ફરી ઉગ્ર બનાવી છે.
બુધવારે બપોરે ચુરાચંદપુર જિલ્લામાં આયોજિત રેલી હિંસક બની હતી જ્યારે બિષ્ણુપુર જિલ્લાની સરહદે આવેલા વિસ્તારમાં પ્રદર્શનકારીઓની લોકોના એક જૂથ સાથે અથડામણ થઈ હતી. અહેવાલો અનુસાર અથડામણ બાદ અજાણ્યા લોકોએ એક ચોક્કસ જૂથના ઘરોને આગ ચાંપી દીધી હતી. જોકે કોઇ જાનહાનિની વિગતોની સત્તાવાર પુષ્ટિ થઇ નથી. ઇન્ડિયન એક્સપ્રેસે બિષ્ણુપુર જિલ્લાના એસપીનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમણે કોઇ જવાબ આપ્યો ન હતો.
આ ઘટનાને પગલે રાજધાની ઇમ્ફાલ સહિત રાજ્યના અનેક ભાગોમાં હિંસાની છૂટીછવાઈ ઘટનાઓ સામે આવી હતી. ત્યારબાદ સરકારે આગામી આદેશ સુધી 16 જિલ્લાઓમાંથી મોટાભાગના જિલ્લાઓમાં કર્ફ્યુ લાદી દીધો હતો અને મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ પાંચ દિવસ માટે સ્થગિત કરી દીધી છે. ઇમ્ફાલ શહેરમાં આદિવાસી રહેવાસીઓના ઘરો પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હોવાના અનેક અહેવાલો આવ્યા હતા. મોડી રાત સુધી ઇમ્ફાલના મોટા ભાગના વિસ્તારોમાં પોલીસે ટિયર ગેસ ફેંક્યા હતા.
આ પણ વાંચો – શરદ પવારના ઉત્તરાધિકારી કોણ? એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળે બતાવી આવી ફોર્મ્યુલા
19મી એપ્રિલના રોજ હાઇકોર્ટના નિર્દેશને પગલે ભારતના બંધારણની અનુસૂચિત જનજાતિની સૂચિમાં મૈતેઇ સમુદાયને સમાવવા માટે ભલામણ કરવા રાજ્યના આદિવાસી જૂથોએ તેમનો સખત વિરોધ વ્યક્ત કર્યો હતો. જ્યારે રાજ્યની સર્વોચ્ચ આદિવાસી સંસ્થા એટીએસયુએમએ આ નિર્દેશ સામે વિરોધની જાહેરાત કરી હતી. રાજ્યના પર્વતીય વિસ્તારોના કાયદા અને વહીવટ પર નજર રાખવાની સત્તા ધરાવતી સ્વાયત્ત સંસ્થા હિલ એરિયાઝ કમિટી (એચએસી)એ સર્વાનુમતે મણિપુર સરકાર અને ભારત સરકારને મણિપુરની અનુસૂચિત જનજાતિઓની ભાવનાઓ અને હિતો/અધિકારોને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટના આદેશ સામે અપીલ કરવા વિનંતી કરવાનો સર્વાનુમતે ઠરાવ કર્યો હતો.
મુખ્ય પ્રધાન બિરેને હજી સુધી હિંસા અંગે કોઈ ટિપ્પણી કરી નથી. જોકે આ પહેલા તેમણે સોશિયલ મીડિયા પર સંવાદની અપીલ કરી હતી. સીએમ બિરેને પોતાના ફેસબુક પેજ પર લખ્યું છે કે બંધ અને નાકાબંધીનો આશરો લેવાને બદલે વાતચીત દ્વારા વસ્તુઓનો ઉકેલ લાવી શકાય છે. બુધવારે સવારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ઈમ્ફાલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ધનનમંજુરી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો.
બીજી તરફ મૈતેઇ લાંબા સમયથી એસટીની યાદીમાં સામેલ થવાની માંગ કરી રહ્યા છે. જ્યારે રાજ્યની જનજાતિઓ- નાગાઓ અને કુકીઓએ તેનો સખત વિરોધ કર્યો છે. તેમની દલીલ કરી છે કે આ નિર્ણય તેમને વધુ હાંસિયામાં ધકેલી દેશે. આ તિરાડના મૂળમાં ખીણ (જ્યાં મૈતેઇ રહે છે) અને ટેકરીઓ (નાગા અને કુકીઓ દ્વારા વસવાટ કરવામાં આવે છે) વચ્ચેની ઊંડી ફોલ્ટ લાઇનમાં છે. આ ટેકરીઓ રાજ્યના ભૌગોલિક વિસ્તારનો નવ દશાંશ ભાગ ધરાવે છે પરંતુ તેમની વસતી પાંખી છે. રાજ્યની મોટાભાગની વસ્તી ખીણમાં કેન્દ્રિત થયેલી છે. પર્વતીય જાતિઓમાં એવી ધારણા રહી છે કે મૈતેઇ સમુદાય રાજ્યમાં વધુ આર્થિક અને રાજકીય સત્તા ધરાવે છે.