Rahul Gandhi : દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ આગામી વિધાનસભા ચૂંટણી પર વાત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં જીત નિશ્ચિત છે અને કદાચ તેલંગાણામાં પણ કોંગ્રેસ જીતી રહી છે. જ્યારે રાજસ્થાનમાં અમે નજીકની લડાઈ લડી રહ્યા છીએ, જ્યાં અમારી જીત થશે.
શું કહ્યું રાહુલ ગાંધીએ?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કરતા ઘણી વાતો કહી હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે તમે જાઓ અને કોઈ પણ વેપારીને પૂછો કે જ્યારે તે કોઈ વિરોધી પક્ષને ટેકો આપે છે, ચેક આપે છે, ત્યારે તેમની સાથે શું થાય છે. અમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છીએ, અમે મીડિયા હુમલાનો સામનો કરી રહ્યા છીએ, પરંતુ અમે સારું કામ કરી રહ્યા છીએ.
રાહુલ ગાંધીએ કહ્યું કે અમે એક રાજકીય પક્ષ સામે લડી રહ્યા નથી, અમે ઇન્ડિયન સ્ટેટ સામે લડી રહ્યા છીએ. અમે આઈડિયા ઓફ ઇન્ડિયાના વિચારને બચાવવા માટે લડી રહ્યા છીએ, તેથી જ અમે અમારું નામ ઇન્ડિયા રાખ્યું છે.
આ પણ વાંચો – મહિલા અનામત પર મોદી ભલે પ્રશંસા મેળવી લે પણ ઓબીસી ક્વોટા પર રાહુલ ગાંધીની ચાલ કોંગ્રેસ માટે સારા દિવસો લાવી શકે છે!
ભાજપ લોકોનું ધ્યાન ભટકાવે છે – રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ વાસ્તવિક મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે નવા મુદ્દાઓ બનાવે છે. અમે કર્ણાટકમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પાઠ શીખ્યા અને પાઠ એ હતો કે ભાજપ ધ્યાન ભટકાવીને અને અમને અમારો નેરેટિવ બનાવવા દેતી ન હતી અને જીતી જતી હતી. તેથી અમે કર્ણાટકમાં એવી રીતે લડ્યા કે ભાજપ તે કરી શક્યું નહીં. આજે તમે જે જોઈ રહ્યા છો તે બિધૂડી છે અને પછી અચાનક આ નિશિકાંત દુબે આ બધું ભાજપ જાતિગત વસ્તી ગણતરીના વિચારથી ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
એક રાષ્ટ્ર, એક ચૂંટણી પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ ભાજપની ધ્યાન ભટકાવનારી રણનીતિઓમાંથી એક છે. ભારતમાં મુખ્ય મુદ્દાઓ આર્થિક સ્થિતિ અને બેરોજગારી સાથે જોડાયેલા છે, હવે ભાજપ તેમના પર ચૂંટણી લડી શકે નહીં, જેથી બિધૂડી જેવા નિવેદનો કરવામાં આવે છે. નામ બદલવાની ચર્ચા લાવવામાં આવે છે, આ બધા ધ્યાન ભટકાવનારા મુદ્દાઓ છે, તેથી અમે આ બધું સમજીએ છીએ.





