Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસ પાર્ટીએ મોદી સરકાર સામે જાતિ ગણતરીનું કાર્ડ ફેંકી દીધું છે. સોમવારે સીડબ્લ્યુસીની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી શાસિત રાજ્યોમાં જાતિની વસ્તી ગણતરી કરવામાં આવશે. રાહુલ ગાંધીએ કહ્યું કે CWCએ દેશમાં જાતિ ગણતરી હાથ ધરવાના સમર્થનમાં એક થઈને નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે આ એક પ્રગતિશીલ પગલું છે. અમારા મુખ્યમંત્રી પણ આ અંગે વિચારી રહ્યા છે અને એક્શન લઈ રહ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે આજે CWC માં જાતિ ગણતરી પર 4 કલાક ચર્ચા થઇ હતી. CWCએ એક નિર્ણય લીધો છે, અમારા મુખ્યમંત્રીઓએ પણ નિર્ણય લીધો છે કે તેઓ તેમના રાજ્યોમાં જાતિની વસ્તી ગણતરીને આગળ વધારશે. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષે, અમારી સૌથી મોટી નિર્ણય લેતી કાર્યકારી સમિતિએ નિર્ણય લીધો છે કે અમે જાતિની વસ્તી ગણતરી કરાવીશું અને ભાજપને પણ તે કરાવવાનો આગ્રહ રાખીશું અને જો તેઓ નહીં કરે તો તેમણે પાછળ હટી જવું જોઈએ કારણ કે દેશ જાતિગત જનગણના ઈચ્છે છે. ઇન્ડિયા ગઠબંધન તેનું સમર્થન કરશે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે આજે બે હિન્દુસ્તાન બની રહ્યા છે, એક અદાણી વાળું અને બીજું બધાનું. જાતિગત જનગણનાથી સ્પષ્ટ થશે કે હિન્દુસ્તાનમાં કેટલા અને કોણ લોકો છે. આપણને એ ખબર પડશે કે કેટલા લોકો છે અને પૈસા કોના હાથમાં છે. કદાચ તેમાં અમારી પણ ભૂલ છે જે પહેલા અમે ના કરી પણ અમે હવે તેની પુરી કરાવીને બતાવીશું.