રાહુલ વિ સરમા : હિમંતા બિસ્વા સરમાને શું રાહુલ ગાંધીએ જ સીએમ બનવા દીધા ન હતા? મીટીંગમાં રાખ્યા કૂતરાએ ખાધેલા બિસ્કિટ

Assam Politics : ગુલામ નબી આઝાદે તેમની આત્મકથામાં આસામના રાજકારણ, રાહુલ ગાંધીના કારણે હિમંતા બિસ્વા સરમાએ કેવી રીતે કોંગ્રેસ છોડ્યું, તેની કહાની જણાવી.

Written by Kiran Mehta
Updated : January 24, 2024 13:29 IST
રાહુલ વિ સરમા : હિમંતા બિસ્વા સરમાને શું રાહુલ ગાંધીએ જ સીએમ બનવા દીધા ન હતા? મીટીંગમાં રાખ્યા કૂતરાએ ખાધેલા બિસ્કિટ
રાહુલ ગાંધી વિ હિમંતા બિસ્વા સરમા

Assam Politics : જ્યારથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આસામમાં પ્રવેશી છે, ત્યારથી કોંગ્રેસના નેતાઓ અને ભાજપના ઝંડા લહેરાવતી ભીડ અથવા પોલીસ વચ્ચે અવારનવાર ઘર્ષણ થઈ રહ્યું છે. આ દરમિયાન, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને રાહુલ ગાંધી વચ્ચે શાબ્દીક યુદ્ પણધ ચાલુ છે. 2015 માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા ત્યારથી, સરમા તેમની પૂર્વ પાર્ટી, ખાસ કરીને રાહુલ ગાંધીની આકરી ટીકા કરી રહ્યા છે.

કડવો ઇતિહાસ

સરમા, લાંબા સમયથી કોંગ્રેસના નેતા અને આસામમાં પાર્ટીના સૌથી અગ્રણી ચહેરાઓમાંના એક હતા, તેમણે જોયું કે તરુણ ગોગોઈના પુત્ર ગૌરવને મુખ્યમંત્રી માટે પસંદ કરવામાં આવી રહ્યા છે, તે પછી તેમણે પાર્ટી સાથે અલગ થવું પડ્યું. સરમાએ હાઈકમાન્ડને પણ અપીલ કરી હતી, પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો. ગૌરવ પર રાહુલ ગાંધીનો હાથ હતો, કારણ કે, તે રાહુલના આંતરિક જૂથનો ભાગ માનવામાં આવતો હતો.

ગયા વર્ષે પ્રકાશિત તેમની આત્મકથામાં કોંગ્રેસના અન્ય પૂર્વ નેતા ગુલામ નબી આઝાદે લખ્યું છે કે, રાહુલ જ હતા જેમણે સરમાને સીએમ બનવા દીધા ન હતા.

આઝાદ તેમના પુસ્તકમાં જણાવે છે કે, ગોગોઈના ત્રીજા કાર્યકાળ દરમિયાન જ્યારે સરમાએ બળવો કર્યો, ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમને નિરીક્ષક તરીકે આસામ જવા કહ્યું હતું.

તેમણે લખ્યું છે, “મેં હિમંત અને તેના જૂથને દિલ્હી બોલાવ્યા, તેઓ 45 થી વધુ ધારાસભ્યો સાથે મારા નિવાસસ્થાને આવ્યા હતા. થોડા દિવસો પછી, મેં ગોગોઈને દિલ્હી આવવા અથવા તેમના ધારાસભ્યોને મોકલવા કહ્યું. તેમણે સાત ધારાસભ્યોને મોકલ્યા, જે તેમને ટેકો આપી રહ્યા હતા. મેં સોનિયા જીને પરિસ્થિતિ જણાવી. તેમણે કહ્યું કે, તે સ્પષ્ટ છે કે, હિમંત પાસે સ્પષ્ટ બહુમતી છે અને તે જ નવા સીએમ હોવા જોઈએ. બીજા દિવસે તેમણે મને ઈન્ચાર્જ જનરલ સેક્રેટરી સાથે આસામ જવા અને નવા નેતા તરીકે હિમંતાની ઔપચારિક ચૂંટણીની દેખરેખ રાખવા કહ્યું. અમે આસામ જવા નીકળ્યા તેના એક દિવસ પહેલાં સાંજે રાહુલે મને ફોન કરીને આસામનો પ્રવાસ રદ કરવાની વિનંતી કરી.

તેમણે મને બીજે દિવસે સવારે આસામના પ્રભારી મહાસચિવ સાથે તેમના ઘરે આવવા કહ્યું. આઝાદ આગળ લખે છે, “જ્યારે અમે બીજા દિવસે સવારે રાહુલના ઘરે પહોંચ્યા ત્યારે અમે જોયું કે, તરુણ ગોગોઈ અને તેમનો પુત્ર ગૌરવ ગોગોઈ તેમની સાથે બેઠા હતા. રાહુલે અમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, નેતૃત્વમાં કોઈ ફેરફાર થશે નહીં. અમે તેમને કહ્યું કે, હિમંત પાસે બહુમતી ધારાસભ્યો છે, તે બળવો કરશે અને પાર્ટી છોડી દેશે. રાહુલે કહ્યું, ‘તેમને જવા દો’ અને મીટિંગ સમાપ્ત થઈ. આઝાદના કહેવા પ્રમાણે, ત્યારબાદ તેઓ સોનિયા ગાંધીને મળ્યા અને તેમને મીટિંગમાં શું થયું તે જણાવ્યું.

આઝાદના જણાવ્યા અનુસાર, “સમસ્યાની ગંભીરતાને સમજવા છતાં, સોનિયા ગાંધીએ પાર્ટી અધ્યક્ષ તરીકે કોઈ નક્કર નિર્ણય લીધો ન હતો. અને ઊલટું, તેમણે મને હિમંતને બળવો ન કરવા વિનંતી કરવાનું કહ્યું.

સરમાની પાર્ટી છોડવાની કહાની

કોંગ્રેસ છોડ્યા પછી સરમા એક કિસ્સો વારંવાર યાદ કરે છે, તે છે રાહુલ સાથેની તેમની એક મુલાકાત, જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા તેમના પાલતુ કૂતરા ‘પીડી’ને બિસ્કિટ ખવડાવવામાં વ્યસ્ત હતા, જ્યારે હિમંતા અને અન્ય લોકો આસામના મુદ્દાઓ પર તેમની સાથે ચર્ચા કરવા માંગતા હતા. સરમા આ વાર્તાનો ઉપયોગ એ રેખાંકિત કરવા માટે કરે છે કે, કોંગ્રેસ હાઈકમાન્ડ તેમના પોતાના જ વરિષ્ઠ નેતાઓથી કેટલો દૂર છે.

પાર્ટી છોડ્યા પછી

2017 માં રાહુલે પીડીનો વીડિયો ટ્વીટ કરીને સરમા પર વળતો પ્રહાર કર્યો હતો. સરમા તે સમયે સરબાનંદ સોનોવાલ સરકારમાં તત્કાલીન મંત્રી હતા, તેમણે જવાબ આપ્યો : “સર, ને મારા કરતાં વધુ સારી રીતે કોણ જાણે છે? હજુ પણ યાદ છે કે, તમે તમારા કૂતરા ‘પીડી’ ને બિસ્કિટ ખવડાવવામાં વ્યસ્ત હતા, જ્યારે અમે આસામના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માxગતા હતા.

સરમા એ 2021 માં ઈન્ડિયન એક્સપ્રેસ અડ્ડા ખાતે રાહુલ સાથેની તેમની મુલાકાત વિશે પણ વિગતવાર જણાવ્યું હતું. તેમણે કહ્યું હતુ કે, 2014 માં તરુણ ગોગોઈ સરકારમાંથી મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ સોનિયા ગાંધીએ જ તેમને રાહુલને મળવાની સલાહ આપી હતી.

તેઓ કહે છે, “હું તેમને એકવાર મળ્યો હતો. તે બેઠક પણ ખૂબ જ ખરાબ હતી. પરંતુ મેં તેને સાર્વજનિક કરી ન હતી. કારણ કે જો મેં આ મુદ્દો ઉઠાવ્યો હોત, તો રાહુલ ગાંધી કહેતા – ‘તો શું કહેતા?’… હું તેમની સાથે 20 મિનિટ ત્યાં હતો… અને આ દરમિયાન તેમણે ઓછામાં ઓછા 50 વખત ‘તો શું થયુ?’ શબ્દનો ઉપયોગ કર્યો હતો.

આ વાત કહ્યા પછી, સરમાએ તેમની તે પ્રખ્યાત મીટિંગ વિશે વાત કરી, જેમાં પીડીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, “અમે ત્યાં સૌહાર્દપૂર્ણ ઉપાયો સાથે ત્યાં પહોંચ્યા હતા… શ્રી સીપી જોશી કોઈ પ્રકારની શાંતિની ફોર્મ્યુલા લઈને ત્યાં આવ્યા હતા. તેથી હું, શ્રી તરુણ ગોગોઈ, શ્રી સીપી જોશી, શ્રી અંજન દત્તા… અમે બધા શ્રી રાહુલ ગાંધી પાસે મળવા પહોંચ્યા હતા. અમે કહેવાનું શરૂ કર્યું કે, ચૂંટણી નજીક આવી રહી છે, આસામમાં ઘણી સંભાવનાઓ છે, અમે ભાજપને હરાવી શકીએ છીએ… પરંતુ મેં જોયું કે રાહુલ ગાંધીને શરૂઆતથી જ બેઠકમાં કોઈ રસ નહોતો, તે તો કૂતરા સાથે જ રમી રહ્યા હતા.’

સરમાએ કહ્યું: “મીટિંગ દરમિયાન અમને ચા, સાથે બિસ્કિટ પીરસવામાં આવ્યા હતા. એટલામાં કૂતરો દોડી ટેબલ પાસે આવ્યો અને પ્લેટમાંથી એક બિસ્કિટ ઉપાડી લીધુ. રાહુલે મારી સામે જોયુ અને હસવા લાગ્યા. હું વિચારતો હતો કે તે કેમ હસી રહ્યા છે? મે મારો ચા નો કપ ઉઠાવ્યો અને રાહ જોવાનું શરૂ કર્યું, એવું વિચારી કે, રાહુલ કૉલિંગ બેલ દબાવશે અને કોઈને પ્લેટ બદલવા માટે કહેશે, મેં પાંચ મિનિટ સુધી રાહ જોઈ… થોડા સમય પછી, મેં જોશીને જોયા, મેં ગોગોઈને જોયા, બધા એજ કૂતરાએ ખાધેલી થાળીમાંથી બિસ્કિટ ખાવા લાગ્યા.

આ પણ વાંચો – Bharat Jodo Nyay Yatra: ભારત જોડો ન્યાય યાત્રા માટે ખડગેએ ફરી રાહુલ ગાંધીની સુરક્ષા અંગે લખ્યો પત્ર

સરમાના કહેવા પ્રમાણે, “હું ત્યાં વારંવાર નથી ગયો, પરંતુ પછી મને સમજાયું કે, આ કોંગ્રેસના દરેક નેતા માટે સામાન્ય બાબત હશે. આ બધી બેઠકોમાં થતુ હશે. તે દિવસે મને સમજાયું કે, બહુ થઈ ગયુ. હવે આ વ્યક્તિ સાથે ન રહી શકાય. જો કે, આ બધું હોવા છતા, મારે કહેવું જ જોઇએ કે હું શ્રી રાહુલ ગાંધીનો આભારી છું – જો તેઓ ન હોત તો, આજે હું સીએમ ન બન્યો હોત. તેમના કારણે જ હું કોંગ્રેસ પાર્ટીમાંથી બહાર થઈ શક્યો. જો હું આજે આ પદ પર છું, તો તે રાહુલ ગાંધી સાથેની મીટિંગને કારણે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ