ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ આજુ બાજુ વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. દિલ્હીમાં આજે અચાનક મૌસમ પરિવર્તનના પગલે અનેક વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો હતો. ઉનાળાની શરુઆતમાં જ મૌસમમાં અચાનક પલટો આવ્યો હતો. દિલ્હી અને આસપાસના વિસ્તારો સહિત અનેક રાજ્યોમાં શનિવાર સવારે હળવો વરસાદ પડ્યો હતો.
આ રાજ્યો માટે 20 તારીખ સુધી વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં 18થી 20 માર્ચ સુધી વરસાદ પડવાની સંભાવના છે. પશ્વિમ અને મધ્ય ભારતના રાજ્યોમાં પણ વરસાદ થઈ શકે છે. દિવસ સમય તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. દેશના કેટલાક વિસ્તારોમાં કરા પડ્યા હતા. જેના પગલે ઊભો પાક ખરાબ થવાની સંભાવના છે.
દિલ્હીમાં અત્યારના હવામાનની સ્થિતિ
આજે સવારે દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ફરીદાબાદ સહિત આસપાસના ઘણા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ હતી. રાજધાની દિલ્હીમાં શનિવારે સવારે પવન સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દિવસભર દિલ્હીમાં વરસાદ અને ગાજવીજની ગતિવિધિઓ જોવા મળી શકે છે. 19 અને 20 માર્ચે પણ વરસાદની ગતિવિધિઓ ચાલુ રહેવાની શક્યતા છે. હરિયાણા, ઉત્તર પ્રદેશમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.