રાજસ્થાનમાં કોંગ્રેસ પક્ષની અંદર આંતરિક વિવાદ દિવસેને દિવસે વિકરી રહ્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુરુવારે રાજ્યના ભૂતપૂર્વ નાયબ મંત્રી સચિન પાયલટ વિરુદ્ધ ટીક કરવાનું ચાલુ રાખ્યુ છે અને આ વખતે તેમને “ગદ્દાર” કહ્યા છે.
કોંગ્રેસના આ સિનિયર નેતાએ એનડીટીવીને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘ગદ્દાર’ મુખ્યમંત્રી ન બની શકે”, “હાઈ કમાન્ડ સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવી શકે નહીં… એવા માણસ કે જેની પાસે 10 ધારાસભ્યો પણ નથી. જેણે બળવો કર્યો. તેણે પક્ષ સાથે દગો કર્યો છે, તે ગદ્દાર છે.
કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી ગેહલોત અને પાયલોટના સમર્થકો વચ્ચેની લડાઈ તીવ્ર બની રહી છે, જેના કારણે જનરલ સેક્રેટરી કે. સી. વેણુગોપાલે પાર્ટીના નેતાઓને “અન્ય નેતાઓ સામે અથવા પાર્ટીની આંતરિક બાબતો વિશે જાહેરમાં કોઇ પણ નિવેદનો આપવાથી દૂર રહેવાની સલાહ આપી છે.

ગેહલોત અને પાયલોટ કેમ્પના નેતાઓ દ્વારા સામસામે ‘ગદ્દર’, ‘રજિસ્ટર્ડ દલાલ’, ‘ચરિત્રહીન’ વગેરે જેવા શાબ્દિક પ્રહાર
કરવામાં આવી રહ્યા છે ત્યારે એવા સમયે આ નિર્દેશ આવ્યો છે.
રાજસ્થાને સપ્ટેમ્બરમાં રાજકીય કટોકટીનો સામનો કરવો પડ્યો હતો જ્યારે અશોક ગેહલોત કેમ્પમાંથી લગભગ 90 પક્ષના ધારાસભ્યો કોંગ્રેસ વિધાનમંડળ પક્ષની બેઠકમાં સામેલ થયા ન હતા જેમાં તેઓએ પાર્ટી હાઈકમાન્ડને આગામી મુખ્યમંત્રી પસંદ કરવાનો અધિકાર આપે છે તેવો એક લાઇનનો ઠરાવ પસાર કરે તેવી અપેક્ષા રાખવામાં આવી હતી – જેમાં આગામી મુખ્યમંત્રી પાયલટને બનવા માટે જણાવ્યુ હતુ – કારણ કે ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાના હતા. જો કે, ગેહલોતના વફાદારોએ એક રીતે બળવો કર્યો, આ બેઠકમાં બહાર નીકળી ગયા અને રાજસ્થાનના સ્પીકર સી પી જોશીને પોતાના રાજીનામાં સોંપી દીધા હતા. એક દિવસ બાદ ગેહલોતે કહ્યું કે, તેઓ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડશે નહીં અને આ વિવાદ બદલ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીની માફી પણ માંગી.
આ પહેલી ઘટના નથી જેમાં ગેહલોતે પાયલટ માટે આવા શબ્દોનો ઉપયોગ કર્યો હોય. વર્ષ 2020માં પાઇલટે બળવો પોકાર્યો હતો ત્યારે પણ રાજસ્થાનના મુખ્યમંત્રીએ પાઇલટને “નિકમ્મા” અને “નાકારા” કહીને તેની નિંદા કરી હતી.
વર્ષ2018ની વિધાનસભા ચૂંટણીમાં ગેહલોત અને પાયલોટ વચ્ચેનું ઘર્ષણ સૌથી પહેલા પક્ષની ટિકિટોની વહેંચણીને લઈને, ત્યારબાદ પાર્ટી જીત્યા પછી સીએમ પદને લઈને અને પછી મંત્રીઓની પસંદગી અને ખાતાઓની ફાળવણીને લઈને સામે આવ્યો હતો. જેમાં કોંગ્રેસ પક્ષે અશોક ગેહલોતને રાજસ્થાનના મુખ્યમંત્ર અને સચિન પાઇલટને ડેપ્યુટી સીએમ બનાવતા તે નારાજ થયા હતા.

ત્યારબાદ સચિન પાયલોટ અને અશોક ગહેલોત વચ્ચેના સંબંધો અત્યંત ગંભીર રીતે વણસ્યા જ્યારે પાયલોટે કોંગ્રેસના અન્ય 18 ધારાસભ્યો સાથે સીએમ ગેહલોત સામે બળવો કર્યો હતો. પાયલોટને રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.
ભાજપ પાસેથી નાણાં મેળવ્યા
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, રાજ્યમાં શાસક સરકારને અસ્થિર કરવા માટે ભાજપ પાસેથી પૈસા લેવામાં આવ્યા છે, મારી પાસે આના પુરાવા પણ છે. બીજી તરફ રાજસ્થાનમાં તાજેતરમાં રાજકીય સંકટ સર્જાયું હતું, જેના પર અશોક ગેહલોતે કહ્યું હતું કે હું કોંગ્રેસ હાઈકમાન્ડની માફી માંગુ છું, જે થયું તે ન થવું જોઈએ. તે મારી નૈતિક જવાબદારી હતી. બીજી તરફ, રાજ્યમાં કોઈ ફેરફારની સંભાવના પર ગેહલોતે કહ્યું કે, હાઈકમાન્ડ તરફથી રાજસ્થાનમાં કોઈ ફેરફારના સંકેતો આપવામાં આવ્યા નથી.