Rajya Sabha Elections : રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ભારતના ચૂંટણી પંચે મંગળવારે જાહેરાત કરી હતી કે ગોવા, ગુજરાત અને પશ્ચિમ બંગાળની રાજ્યસભાની 10 બેઠકો પર 24 જુલાઈએ ચૂંટણી યોજાશે. ચૂંટણી માટે 13 જુલાઇએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. રાજ્યસભાની આ 10 બેઠકોમાં 6 પશ્ચિમ બંગાળ, 3 ગુજરાત અને એક ગોવાનો સમાવેશ થાય છે.
રાજ્યસભા સાંસદોને જે બેઠકો ખાલી થઈ રહી છે તેમાં ગુજરાતમાંથી વિદેશ મંત્રી એસ.જયશંકરની બેઠક પણ છે. જયશંકર સિવાય દિનેશ અનાવડીયા અને જુગલજી ઠાકોરનો કાર્યકાળ પુરો થઇ રહ્યો છે. ગુજરાતમાં ભાજપના આ ત્રણ સાંસદોની ટર્મ 18 ઓગસ્ટે પૂરી થઈ રહી છે. ત્યારે આ ત્રણ બેઠક માટે ચૂંટણી યોજાવાની છે. આ વખતે પણ 3 બેઠકો પર ભાજપના ફાળે આવે તેવી શક્યતા છે. કારણ કે કોંગ્રેસનું સંખ્યાબળ ઓછું છે.ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો આવેલી છે. જેમાંથી ભાજપ પાસે 8 બેઠકો છે. જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે.
આ પણ વાંચો – UCC મામલે પીએમ મોદીનું મોટું નિવેદન: ‘એક ઘર બે અલગ કાયદાથી ન ચાલે તો દેશ કેવી રીતે ચાલે
ગોવાની એક બેઠક પર પણ મતદાન થશે કારણ કે ભાજપના સાંસદ વિનય ડી.તેંડુલકરનો કાર્યકાળ 28 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદો ડેરેક ઓબ્રાયન, ડોલા સેન, સુષ્મિતા દેવ, શાંતા છેત્રી અને સુખેન્દુ શેખર રે અને કોંગ્રેસના સાંસદ પ્રદિપ ભટ્ટાચાર્યનો કાર્યકાળ 18 ઓગસ્ટે પૂરો થઈ રહ્યો છે. જેથી પશ્ચિમ બંગાળની છ બેઠકો પર મતદાન થશે.
ચૂંટણી માટે જાહેરનામું 6 જુલાઈના રોજ બહાર પાડવામાં આવશે, નામાંકનની છેલ્લી તારીખ 13 જુલાઈ અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 17 જુલાઈ છે. મતદાન અને મતગણતરી 24 જુલાઈના રોજ થશે.





