એક પિતા માટે તેની દિકરી ‘કાળજા કેરો કટકો’ ગણાય છે. દરેક પિતા તેની દિકરીને દુનિયાની તમામ ખુશીઓ આપવા આપવાનો પ્રયાસ કરતા હોય છે. હવે એક દિકરી સમાજ સમક્ષ એક નવું ઉદાહરણ સ્થાપિત કરવા જઇ રહી છે, જેમાં તે પિતાની જીંદગી બચાવવા માટે પોતાની કિડની ડોનેટ કરશે. જી… હાં, તમે સાચું વાંચી રહ્યા છે. બિહારના નેતા લાલુ યાદવનું કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન થવા જઇ રહ્યુ છે અને તેની દિકરી તેમને કિડની ડોનેટ કરી રહી છે.
રાષ્ટ્રીય જનતા દળના વડા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ છેલ્લા ઘણા સમયથી કિડની સહિત અનેક બીમારીઓથી પીડિત છે. સિંગાપોરમાં રહેતી તેમની પુત્રી રોહિણી આચાર્ય તેમની કિડની ડોનેટ કરશે. અહેવાલો અનુસાર, ગત મહિને સિંગાપુર ગયેલા લાલુ યાદવને ડોક્ટરોએ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સલાહ આપી હતી, ત્યારબાદ રોહિણીએ તેમના પિતાને પોતાની કિડની દાન કરવાની ઓફર કરી હતી.
એવું પણ જાણવા મળી રહ્યું છે કે આરજેડી ચીફ લાલુ યાદવ પહેલા રોહિણી પોતાની કિડની તેમને ડોનેટ કરે તેની માટે તૈયાર ન હતા, પરંતુ બાદમાં રોહિણી અને પરિવારના અન્ય સભ્યોના દબાણવશ લાલુ યાદવ તેની માટે રાજી થયા છે. લાલુ યાદવ 20-24 નવેમ્બર વચ્ચે ફરી સિંગાપોરની મુલાકાત લે તેવી શક્યતા છે. આ દરમિયાન તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરવામાં આવે તેવી શક્યતા છે.
કોણ છે રોહિણી યાદવ …
રોહિણી એ લાલુ યાદવની બીજા નંબરની દિકરી છે અને હાલ સિંગાપોરમાં રહે છે. રોહિણી તેના પિતાની કિડનીની બીમારીને લઈને ખૂબ જ ચિંતિત છે. લાલુ પ્રસાદ યાદવ 12 ઓક્ટોબરે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે સિંગાપુર ગયા હતા. લાલુ પ્રસાદની સાથે તેમની પત્ની રાબડી દેવી અને તેમની મોટી પુત્રી મીસા ભારતી પણ સિંગાપોર ગયા હતા. આરજેડી ચીફ સિંગાપોર પહોંચ્યા અને તેમને કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપ્યાના બે દિવસ બાદ ડોક્ટરોએ લાલુ યાવરનું હેલ્થ ચેકઅપ કર્યુ હતુ. લાલુ યાદવને સિંગાપોરમાં ડોકટરોની સલાહ લેવા માટે રોહિણીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
તમને જણાવી દઈએ કે, લાલુ પ્રસાદ યાદવ કિડની હોસ્પિટલ તરીકે પ્રખ્યાત સેન્ટર ફોર કિડની ડિસીઝમાં સારવાર લઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્યસભાના પૂર્વ સભ્ય આરકે સિંહાની પણ આ જ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી છે. સિંહાએ ગયા વર્ષે લાલુને સિંગાપોરમાં સારવાર કરાવવાની સલાહ પણ આપી હતી. છેલ્લા ઘણા સમયથી, કિડનીની બીમારીને લગતી એઈમ્સ દિલ્હીમાં સારવાર લઈ રહેલા લાલુ યાદવને એઈમ્સના ડૉક્ટરોએ કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી ન હતી, પરંતુ સિંગાપોરની મુલાકાત દરમિયાન ત્યાંના ડૉક્ટરોએ તેમને કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી હતી.
ભાજપ પર આકરાં પ્રહાર કરે છે રોહિણી આચાર્ય
તમને જણાવી દઈએ કે, ઓગસ્ટ 2022માં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘જો તમે સરકારને હટાવો છો તો માસ્ટર સ્ટ્રોક અને અમે સરકાર બનાવીયે તો ગદ્દાર’. આ દરમિયાન રોહિણીએ સોશિયલ મીડિયામાં એક જબરદસ્ત કવિતાથી ભાજપ પર નિશાન ટાંક્યુ હતુ. આ કવિતા ખૂબ વાયરલ થઈ હતી. રોહિણીએ આગળ લખ્યું કે તમારી લાગણી સાચી છે અને અમારી લાગણી ખોટી છે, એ કેવી વાત.