પંજાબના પૂર્વ સીએમ પ્રકાશ સિંહ બાદલનું 95 વર્ષની વયે નિધન થયું છે. પ્રકાશ સિંહ બાદલ છેલ્લા ઘણા દિવસોથી બીમાર ચાલી રહ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. થોડા દિવસો પહેલા પંજાબના મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મંગળવારે તેમનું નિધન થયું છે. બાદલ પંજાબથી ફક્ત મુખ્યમંત્રી જ ન હતા, પરંતુ આ દેશના દિગ્ગજ નેતા હતા. એવા નેતા જેમણે ઘણી સરકારોને બનતી અને પડતી જોઇ છે. પંજાબના વિકાસમાં તેમનું મહત્વનું યોગદાન માનવામાં આવે છે. બીજા પક્ષના નેતાઓ સાથે પણ તેમના સારા સંબંધો રહ્યા હતા.
પાંચ વખત પંજાબના મુખ્યમંત્રી રહ્યા
પંજાબની રાજનીતિમાં જ્યારે પણ નેતાઓનો ઉલ્લેખ થાય છે ત્યારે સૌથી પહેલા પ્રકાશ સિંહ બાદલનું નામ આવે છે. તેઓ પાંચ વખત પંજાબના મુખ્યમંત્રી રહ્યા, સૌથી લાંબા સમય સુધી સત્તા સંભાળી અને સતત પોતાની પાર્ટી શિરોમણી અકાલી દળને જીત અપાવી. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ ચોક્કસપણે સત્તાથી દૂર રહ્યા છે.
પોતાના ગઢમાં છેલ્લી ચૂંટણી હાર્યા
પ્રકાશ સિંહ બાદલ ગયા વર્ષે પંજાબ વિધાનસભામાં તેમની છેલ્લી ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં પ્રકાશ સિંહ બાદલને પોતાના ગઢમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ગત વર્ષે થયેલી ચૂંટણીમાં પ્રકાશ સિંહ બાદલ આમ આદમી પાર્ટીના ગુરમીત સિંહ સામે લગભગ 12,000 મતોથી હારી ગયા હતા. આ પહેલા પ્રકાશ સિંહ બાદલે લાંબી વિધાનસભા બેઠક પર રેકોર્ડ પાંચ વખત જીત મેળવી હતી. તે અહીં 1997થી સતત જીતી રહ્યા હતા.
આ પણ વાંચો – મને પહેલાથી જાણકારી હતી, હું આખી રાત ઊંઘ્યો નથી, ભગવંત માને જણાવી અમૃતપાલ સિંહની ધરપકડની Inside Story
લાંબી સીટને લઈને એવું કહેવામાં આવી રહ્યું હતું કે અહીંથી પ્રકાશ સિંહ બાદલને કોઈ હરાવી શકે નહીં. તેનું પોતાનું કારણ પણ હતું કારણ કે 1997થી તેઓ સતત અહીંથી ચૂંટણી જીતી રહ્યા હતા. તેમના પહેલા કોંગ્રેસે ત્રણ વખત આ બેઠક જીતી હતી. એક વખત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના ઉમેદવાર પણ જીત્યા, બાદમાં પ્રકાશ સિંહ બાદલના નાના ભાઈ ગુરદાસ સિંહ બાદલ પણ અહીં જીત્યા હતા. જોકે આ પછી 1997માં પ્રકાશ સિંહ બાદલે પોતે ઉમેદવારી નોંધાવી અને લાંબા સમય સુધી આ બેઠક પર અજેય રહ્યા હતા.
સૌથી યુવા અને સૌથી વૃદ્ધ મુખ્યમંત્રી
પ્રકાશ સિંહ બાદલની રાજનીતિ સાથે એક બાબત રસપ્રદ બની હતી. દેશમાં સૌથી નાની ઉંમરના મુખ્યમંત્રી પણ રહ્યા અને સૌથી વયોવૃદ્ધ સીએમ હોવાનો ખિતાબ પણ મેળવ્યો. પ્રકાશ સિંહ બાદલ 1970માં પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા હતા, ત્યારે તેઓ માત્ર 43 વર્ષના હતા. આ પછી 2012માં જ્યારે તેઓ પાંચમી વખત સીએમ બન્યા ત્યારે તેઓ સૌથી મોટી ઉંમરના મુખ્યમંત્રી હતા.