(Sheji S Edathara) Savitribai Phule’s India First Woman Teacher: મહિલા શિક્ષણ, સમાનતા અને ન્યાય માટે દમનકારી સામાજિક પ્રથાઓને પડકારનાર સાવિત્રીબાઈ ફુલેને ઔપચારિક રીતે ભારતના પ્રથમ મહિલા શિક્ષક માનવામાં આવે છે. સાવિત્રીબાઈ ફુલેનો જન્મ 3 જાન્યુઆરી, 1831ના રોજ મહારાષ્ટ્રના નાયગાંવમાં માલી સમુદાયમાં થયો હતો.
સાવિત્રીબાઈ ફુલેના લગ્ન 10 વર્ષની ઉંમરે થયા હતા. તેમના પતિ અને સમાજ સુધારક જ્યોતિરાવ ફુલેએ તેમને ઘરે શિક્ષણ આપ્યું હતું. પાછળથી જ્યોતિરાવે સાવિત્રીબાઈને પુણેની એક શિક્ષક તાલીમ સંસ્થામાં દાખલ કરાવ્યા. આ દંપતીએ જીવનભર એકબીજાને સાથે આપ્યો અને અનેક સામાજિક બંધનોને તોડી નાખ્યા.
એક સમયે જ્યારે સ્ત્રીઓનું શિક્ષણ સામાજિક રીતે સ્વીકાર્ય ન હતું, ત્યારે ફૂલે દંપતીએ 1848માં ભીડેવાડા (પુણે)માં કન્યાઓ માટે શાળા ખોલી. તે દેશની પ્રથમ કન્યા શાળા બની.
સાવિત્રીબાઇ ફુલેની શાળાનો સખત વિરોધ
સાવિત્રીબાઇ ફુલેએ કન્યાઓ, સમાજના પછાત વ્યક્તિઓમાં માટે પુણેમાં આવી વધુ શાળાઓ શરૂ કરી હતી. બાલ ગંગાધર તિલક જેવા ભારતીય રાષ્ટ્રવાદીઓને છોકરીઓ (ખાસ કરીને પછાત જાતિની છોકરીઓ) માટે શાળાઓ ખોલવી પસંદ ન હતી. તેમણે “રાષ્ટ્રીયતાની હાનિ” ટાંકીને કન્યાઓ અને બિન-બ્રાહ્મણો માટે શાળાઓની સ્થાપનાનો વિરોધ કર્યો અને માન્યું કે જાતિના નિયમોનું પાલન ન કરવું એ રાષ્ટ્રીયતાનું નુકસાન છે.
ફૂલે દંપતી સામેનો વિરોધ એટલો વધી ગયો કે આખરે જ્યોતિરાવના પિતા ગોવિંદરાવને તેમને ઘરમાંથી કાઢી મૂકવાની ફરજ પડી. સાવિત્રીબાઈને ‘ઉચ્ચ જાતિ’ તરફથી દુશ્મનાવટનો સામનો કરવો પડ્યો હતો. આવા લોકોએ તેમની સાથે હિંસા પણ કરી હતી.

ભીડે વાડાની પ્રથમ શાળાની મુખ્ય શિક્ષિકા તરીકે કામ કરતી વખતે, ઉચ્ચ જાતિના માણસો તેમના પર ઘણીવાર પથ્થરો, માટી અને ગાયનું છાણ ફેંકતા. એવું કહેવાય છે કે જ્યારે સાવિત્રીબાઈ શાળાએ જતા ત્યારે તેઓ પોતાની સાથે બે સાડી લઇને જતા હતા. શાળાએ પહોંચતાની સાથે જ તે પોતાની ગંદી સાડી બદલી નાખતા, જે પાછી ફરતી વખતે ફરી ગંદી થઈ જતી. જોકે, આટલી મુશ્કેલીઓ છતાં તેમણે શાળા ચલાવવાનું બંધ કર્યું ન હતું. આ માટે તેમની પ્રશંસા પણ થઈ હતી.
ધ પૂના ઓબ્ઝર્વરમાં 1852ના અહેવાલમાં જણાવાયું હતું કે, “જ્યોતિરાવની શાળામાં છોકરીઓની સંખ્યા સરકારી શાળાઓમાં ભણતા છોકરાઓની સંખ્યા કરતા દસ ગણી વધારે છે. આનું કારણ એ છે કે, છોકરીઓને શિક્ષણ આપવાની વ્યવસ્થા સરકારી શાળાઓમાં છોકરાઓ કરતા અલગ છે. “ઉપલબ્ધ પ્રણાલી કરતાં તે ઘણું સારું છે… જો સરકારી શિક્ષણ બોર્ડ આ અંગે જલ્દી કંઈ નહીં કરે, તો આ મહિલાઓને પુરૂષો કરતાં આગળ વધતી જોઈને અમારું માથું શરમથી ઝુકી જશે.”
બળવંત સખારામ કોલ્હે દ્વારા લખાયેલા સંસ્મરણો અનુસાર, સાવિત્રીબાઈ આ હુમલાઓથી અવિચલિત હતા અને તેમની સતામણી કરનારાઓને કહેતા હતા, “હું મારી સાથી બહેનોને શીખવવાનું પવિત્ર કાર્ય કરું છું, તમારા દ્વારા ફેંકવામાં આવેલા પથ્થરો કે છાણ મને ફૂલો જેવા લાગે છે. ભગવાન તમારી પર કૃપા કરે!”
શિક્ષણની સાથે સાથે સમાજ સુધારક તરીકે ફુલેની ભૂમિકા
સાવિત્રીબાઈએ જ્યોતિરાવ સાથે મળીને ભેદભાવનો સામનો કરતી સગર્ભા વિધવાઓ માટે ભ્રૂણહત્યા રોકવા માટે એક ઘર શરૂ કર્યું. બાળહત્યા રોકવા માટે ઘર બનાવવાનો વિચાર ફૂલે દંપતીને ત્યારે આવ્યો જ્યારે આંદામાનમાં એક બ્રાહ્મણ વિધવાને તેના નવજાત બાળકની હત્યા કરવા બદલ આજીવન કેદની સજા ફટકારવામાં આવી. અભણ વિધવા પર બળાત્કાર કરનાર વ્યક્તિએ બાળકની જવાબદારી લેવાની ના પાડી. આવી સ્થિતિમાં વિધવાને ભ્રૂણહત્યા કરવાની ફરજ પડી હતી.
સાવિત્રીબાઈ ફુલેએ અન્ય સામાજિક મુદ્દાઓ વચ્ચે આંતર-જ્ઞાતિ લગ્ન, વિધવા પુનર્લગ્નનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે બાળ લગ્ન, સતી પ્રથા અને દહેજ પ્રથા નાબૂદ કરવાની પણ હિમાયત કરી હતી. ફૂલે દંપતીએ યશવંતરાવ, એક વિધવાના બાળકને પણ દત્તક લીધું હતું, જેને તેઓએ શિક્ષિત કરીને ડૉક્ટર બનાવ્યા હતા.
પતિના અંતિમ સંસ્કારમાં તેમણે પોતે કર્યા
સાવિત્રીબાઈએ ફરીથી સામાજીક પરંપરાનું ઉલ્લંઘન કર્યું અને 28 નવેમ્બર, 1890ના રોજ તેમના પતિની અંતિમયાત્રામાં માટીનું વાસણ) લઈ ગયા. તેઓ અંતિમ યાત્રાની આગળ આગળ ચાલી રહ્યા હતા. તેમણે જ તેમના પતિને અગ્નિ દાહ આપ્યો હતો. આ અંતિમ સંસ્કાર હજુ પણ મુખ્યત્વે પુરુષો દ્વારા કરવામાં આવે છે.
કરુણા, સેવા અને હિંમતભર્યું જીવન જીવવાનું અસાધારણ દ્રષ્ટાંત સમાન સાવિત્રીબાઈ 1896ના દુષ્કાળ અને મહારાષ્ટ્રમાં 1897ના બુબોનિક પ્લેગ દરમિયાન રાહત કાર્યોમાં સામેલ થયા હતા. એક બીમાર બાળકને હોસ્પિટલમાં લઈ જતી વખતે તેમને આ રોગ થયો હતો અને 10 માર્ચ, 1897ના રોજ તેણે અંતિમ શ્વાસ લીધા હતા.





