ભારત સરકાર સોશિયલ મીડિયા પર ગાળિયો કસવાની તૈયાર કરી રહી છે. જેમાં સોશિયલ મીડિયા વિરુદ્ધ યુઝર્સ સરળતાથી ફરિયાદ કરી શકે તેવું માળખું તૈયાર કરવામાં આવશે. ભારત સરકારના ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (IT) એ મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ નિયમોમાં ફેરફારો કર્યા છે.
નિયમોમાં આ સુધારણાને પગલે ટ્વિટર, ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ પ્લેટફોર્મને ભારતના બંધારણની જોગવાઈઓ અને દેશના સાર્વભૌમત્વના નિયમોનું પાલન ફરજિયાત પાલન કરવું પડશે અને તેમની વિરુદ્ધ કોઇ પણ યુઝર્સ માટે ફરિયાદ કરવી સરળ બનશે.
કેન્દ્ર સરકારે શુક્રવારે IT રેગ્યુલેશનમાં ફેરફાર કર્યો છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કન્ટેન્ટ અને અન્ય મુદ્દાઓ અંગે નોંધાયેલી ફરિયાદોના સંતોષકારક નિકાલ માટે ત્રણ મહિનામાં અપીલ સમિતિઓ (ગવર્નન્સ પેનલ)ની રચના કરવાની જાહેરાત કરી. આ સમિતિઓ મેટા (અગાઉની ફેસબુક) અને ટ્વિટર જેવી સોશિયલ મીડિયા કંપનીઓ દ્વારા કન્ટેન્ટના નિયમન અંગેના નિર્ણયોની સમીક્ષા કરી શકશે.
શુક્રવારે જારી કરાયેલ ગેઝેટ નોટિફિકેશન મુજબ, ‘કમ્પ્લેઇન ગવર્નન્સ પેનલ ની રચના ત્રણ મહિનામાં કરવામાં આવશે. આ અપીલ સમિતિઓની રચના માટે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (ઇન્ટરમીડિયેટ ગાઇડલાઇન્સ અને ડિજિટલ મીડિયા પોલિસી કોડ) રેગ્યુલેશન, 2021માં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે.
આ સંબંધિત નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, “કેન્દ્ર સરકાર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (ઇન્ટરમીડિયેટ ગાઇડલાઇન્સ અને ડિજિટલ મીડિયા કોડ ઑફ કન્ડક્ટ) એમેન્ડમેન્ટ રેગ્યુલેશન, 2022ની શરૂઆતની તારીખથી ત્રણ મહિનાની અંદર, એક કે તેથી વધારે કમ્પ્લેઇન ગવર્નન્સ પેનલની રચના કરશે.” આ સમિતિમાં એક અધ્યક્ષ અને કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત બે પૂર્ણકાળના સભ્યો સમાવેશ થાય છે. તેમાંથી એક હોદ્દેદાર સભ્ય હશે અને બે સ્વતંત્ર સભ્યો હશે.
આ નોટિફિકેશન મુજબ, ફરિયાદ અધિકારીના નિર્ણય સાથે અસહમત કોઈપણ વ્યક્તિ ફરિયાદ અધિકારી પાસેથી માહિતી મળ્યાની તારીખથી ત્રીસ દિવસની અંદર આ ગવર્નન્સ પેનલને ફરિયાદ કરી શકે છે.
નોંધનીય છે કે ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે 2021ના આઈટી રેગ્યુલેશન્સમાં સુધારણાનો ડ્રાફ્ટ બહાર પાડ્યો હતો જેમાં તેણે એક પેનલની રચના કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના નિર્ણયો અને તેમની કામગીરી પર અંકુશ મૂકી શકે.