Azam Khan: સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને હેટ સ્પીચ મામલામાં રામપુરની એમપી-એમએલએ કોર્ટે ગુરુવારે દોષિત જાહેર કર્યા છે. કોર્ટે આઝમ ખાનને ત્રણ વર્ષની સજા સંભળાવી છે. સાથે 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. સજાની જાહેરાત સાથે જ તેમને કોર્ટે કસ્ટડીમાં લઇ લીધા હતા. જોકે તેમને જામીન મળ્યા અને બહાર આવી ગયા હતા.
આઝમ ખાનની વિધાનસભા સદસ્યતા જઇ શકે છે. પોતાની સદસ્યતાને લઇને આઝમ ખાન સાત દિવસની અંદર ઉચ્ચ કોર્ટમાં અપીલ કરી શકે છે. આ મામલો 2019ની લોકસભા ચૂંટણી સાથે જોડાયેલો છે. આ દરમિયાન આઝમ ખાને કથિત રીતે ચૂંટણી ભાષણ દરમિયાન ભડકાઉ નિવેદન કર્યું હતું.
કોર્ટ દ્વારા સજા સંભળાવ્યા પછી આઝમ ખાને કહ્યું કે હું ન્યાયનો પ્રશસંક છું. આ પ્રથમ સ્ટેપ છે. હાલ અન્ય કાનૂની રસ્તા ખુલ્લા છે. મારું બધું જીવન સંઘર્ષનું છે. અમે સંઘર્ષ કરતા રહીશું ભલે અમે જિંદગી હારી જઇએ. તેમણે કહ્યું કે કોર્ટનો આદેશ છે કે બધાએ માનવો જોઇએ.
2019માં લોકસભા ચૂંટણી દરમિયાન સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન સામે હેટ સ્પીચનો એક મામલો નોંધાયો હતો. આ મામલામાં પહેલા 21 ઓક્ટોબરે નિર્ણયની તારીખ કોર્ટે નક્કી કરી હતી. જોકે આઝમ ખાન તરફથી લેખિત નિવેદન આપવા માટે સમયની માંગણી કરી હતી. તે પછી કોર્ટે નિર્ણયની તારીખ 27 ઓક્ટોબર નક્કી કરી હતી.
આ પણ વાંચો – યાદવો અને મુસ્લિમોના 20 હજાર નામ મતદાતા યાદીમાંથી હટાવવાના અખિલેશના આરોપ પર ચૂંટણી પંચનો વળતો પ્રહાર
ભાજપા નેતા આકાશ સક્સેનાએ કરી હતી ચૂંટણી પંચને ફરિયાદ
આઝામ ખાન સામે હેટ સ્પીચની ફરિયાદ ચૂંટણી પંચને આકાશ સક્સેનાએ કરી હતી. આકાશ સક્સેનાએ આ વર્ષે થયેલી વિધાનસભા ચૂંટણીમાં રામપુરથી આઝમ ખાન સામે ભાજપાની ટિકિટથી ચૂંટણી લડી ચુક્યા છે.
રામપુરના મિલક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆરઆઈના મતે આઝમ ખાને પોતાના ભાષણમાં કહ્યું હતું કે મોદી જી તમે હિન્દુસ્તાનમાં એવો માહોલ બનાવી દીધો છે કે મુસલમાનોનું જીવન મુશ્કેલ બન્યું છે. પોતાના ભાષણમાં આઝમ ખાને ફક્ત પીએમ મોદી પર જ નહીં રામપુરના તત્કાલિન જિલ્લાધિકારી ઉપર પણ અમર્યાદિત ટિપ્પણી કરી હતી.