ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની જ ભાજપ સરકાર વિરુદ્ધ કોર્ટમાં અપીલ દાખલ કરી છે. તેમણે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કેન્દ્ર સરકાર વિરુદ્ધ આદેશ પસાર કરવાની અપીલ કરી છે. સ્વામીનું કહેવું છે કે કેન્દ્ર સરકાર તેમના વ્યક્તિગત નિવાસસ્થાને પૂરતી સુરક્ષા આપવા સક્ષમ નથી. આથી તેમની સુરક્ષા વ્યવસ્થામાં જોખમ ઉભું થયુ છે.
હાઈકોર્ટે આ મામલાની સુનાવણી 31 ઓક્ટોબર એટલે કે સોમવારના રોજ માટે કરવાનું નક્કી કર્યું છે. દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની ખંડપીઠ આ મામલાની સુનાવણી કરશે.
સુબ્રમણ્યમ સ્વામીને કેન્દ્ર સરકાર દ્વારા ‘z સિક્યોરિટી’ કવચ આપવામાં આવ્યું હતું. 15 જાન્યુઆરી 2016ના રોજ તેમને પાંચ વર્ષ માટે લ્યુટિયન્સ દિલ્હીમાં સરકારી બંગલો ફાળવવામાં આવ્યો હતો. સરકાર માનતી હતી કે તેનો જીવ જોખમમાં છે. જે બાદ સ્વામી રાજ્યસભાના સાંસદ બન્યા હતા. પરંતુ તેમનો કાર્યકાળ 24 એપ્રિલે સમાપ્ત થઇ ગયો હતો.
નિયમો અનુસાર સુબ્રમણ્યમ સ્વામીનો રાજ્યસભાના સાંસદ તરીકેનો કાર્યકાળ સમાપ્ત થયો તેની સાથે જ તેમને ફાળવવામાં આવેલા સરકારી બંગલાની મુદ્દત પણ સમાપ્ત થઇ ગઇ હતી. પરંતુ તેમ છતાં ઘર તેમની પાસે જ રહ્યું. તાજેતરમાં જ તેમને તાત્કાલિક સરકારી બંગલો ખાલી કરવા જણાવાયું હતું. ત્યારબાદ પૂર્વ સાંસદે આ સરકારી બંગલો ખાલી કરી દીધો હતો.
સ્વામીએ ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી કે તેમને ‘Z સિક્યોરિટી’ મળી છે. આથી સિક્યોરિટીને ધ્યાનમાં રાખતા સરકારી બંગલો તેમની પાસે જ રહેવો જોઈએ. 14 સપ્ટેમ્બરે જસ્ટિસ યશવંત સિન્હાએ કહ્યું હતું કે ભૂતપૂર્વ સાંસદ Z સિક્યોરિટી ધરાવતી વ્યક્તિને સરકારી મકાન મળવું જોઈએ તેવો કોઈ દસ્તાવેજ રજૂ કરી શક્યા નથી.
કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા એએસજી સંજય જૈને કહ્યું કે, સુબ્રમણ્યમ સ્વામીની પાસે દિલ્હીમાં પોતાનું ઘર છે. તેઓ ત્યાં રહી શકે છે. કેન્દ્ર સરકાર તેમની સુરક્ષા માટે જરૂરી પગલાં લેશે. ત્યારે કોર્ટે કહ્યું હતું કે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખવી જોઇએ.
પૂર્વ સાંસદ વતી આજે તેમના વકીલ જયંત મહેતાએ દલીલ કરી કે, તેમણે 24 ઓક્ટોબરે સરકારી મકાન ખાલી કરી દીધુ હતુ પરંતુ સરકારે ત્યારે બાંયધરી આપી હતી કે તે તેમની સુરક્ષા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરશે. મહેતાએ કહ્યું કે સ્વામીની સુરક્ષા માટે કેન્દ્ર દ્વારા અત્યાર સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી.