Supreme Court Hearing on Fake Encounters of Gujarat : ગુજરાતમાં 2002 થી 2006 દરમિયાન થયેલા નકલી એન્કાઉન્ટરોની તપાસની માંગ કરતી બે અલગ-અલગ અરજીઓ પર આગામી સપ્તાહથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટ 2007માં વરિષ્ઠ પત્રકાર બીજી વર્ગીસ, ગીતકાર જાવેદ અખ્તર અને શબનમ હાશ્મીની અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. આ તમામે નકલી એન્કાઉન્ટરની તપાસની વિનંતી કરતી અરજીઓ દાખલ કરી હતી. વર્ગીસનું 2014માં અવસાન થયું હતું.
જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેન્ચે આ અરજીઓની સુનાવણી કરી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને જણાવ્યું કે એક પક્ષ સુનાવણી મુલતવી રાખવાની માંગ કરી રહ્યો છે. મુકુલ રોહતગી સ્વાસ્થ્યના કારણોસર ઉપલબ્ધ નથી. તે કેટલાક પ્રતિવાદીઓનું પ્રતિનિધિત્વ કરે છે.
સિનિયર વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે આ મામલો લાંબા સમયથી પેન્ડિંગ છે. તેથી, સુપ્રીમ કોર્ટે વહેલી તકે સુનાવણી શરૂ કરવી જોઈએ. બેન્ચે કહ્યું કે તે આ તમામ અરજીઓ પર આગામી સપ્તાહથી સુનાવણી કરશે. ન્યાયાધીશે કહ્યું કે અમે આ મામલાને ગંભીરતાથી લઈ રહ્યા છીએ.
જાણો જસ્ટિસ એચએ બેદીના રિપોર્ટનો સાર
જસ્ટિસ એચએસ બેદી કમિટીએ 2002થી 2006 દરમિયાન ગુજરાતમાં નકલી એન્કાઉન્ટરના અનેક કેસોની તપાસ કરી હતી. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશને 2002 થી 2006 દરમિયાન ગુજરાતમાં 17 નકલી એન્કાઉન્ટર કેસોની તપાસ કરનાર મોનિટરિંગ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેમણે 2019માં સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટને રિપોર્ટ સુપરત કર્યો હતો. સમિતિએ 17માંથી ત્રણ કેસમાં પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી.
આ પણ વાંચો | જેતપુર મહિલા કોન્સ્ટેબલ આપઘાત કેસ, કોળી સમાજે આપ્યું અલ્ટીમેટમ, એક પોલીસકર્મી સામે ગુનો નોંધાયો
સમિતિએ કુલ નવ પોલીસ અધિકારીઓને દોષિત ઠેરવ્યા
પોતાના અંતિમ અહેવાલમાં જસ્ટિસ બેદી સમિતિએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ અધિકારીઓ દ્વારા બનાવટી એન્કાઉન્ટરમાં ત્રણ વ્યક્તિઓ, સમીર ખાન, કાસમ જાફર અને હાજી ઇસ્માઇલ પ્રથમ દૃષ્ટિએ માર્યા ગયા હતા. જેમાં ત્રણ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓ સહિત કુલ નવ પોલીસ અધિકારીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જો કે, તેમણે કોઈપણ IPS અધિકારી સામે કાર્યવાહી કરવાની ભલામણ કરી નથી.





