તમિલનાડુમાં વધુ એક પક્ષનો ઉદય! અભિનેતા ‘થલાપતિ’ વિજય રાજકીય પાર્ટી લોન્ચ કરશે

Tamil Politics : અભિનેતાની નજીકના સૂત્રોના મતે લોકસભાની ચૂંટણી લડવાને બદલે 2026ની તમિલનાડુની વિધાનસભાની ચૂંટણીમાં ધ્યાન આપશે

Written by Ashish Goyal
January 30, 2024 22:12 IST
તમિલનાડુમાં વધુ એક પક્ષનો ઉદય! અભિનેતા ‘થલાપતિ’ વિજય રાજકીય પાર્ટી લોન્ચ કરશે
તમિલ ફિલ્મોના સુપરસ્ટાર થલાપતિ વિજય રાજનીતિમાં એન્ટ્રી કરવા માટે તૈયાર (Photo; The Route/X)

Arun Janardhanan : તમિલનાડુમાં વધુ એક પક્ષનો ઉદય થવા જઇ રહ્યો છે. તમિલ ફિલ્મોના સુપરસ્ટાર થલાપતિ વિજય રાજનીતિમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. આ માટે તેમણે પોતાની રાજકીય પાર્ટી શરૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અભિનેતા ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં નવી દિલ્હીમાં પોતાની રાજકીય પાર્ટીની નોંધણી કરવાની યોજના ધરાવે છે. જોકે હજુ સુધી પાર્ટીને કોઇ નામ આપવામાં આવ્યું નથી. સૂત્રોએ મંગળવારે આ વાતનો સંકેત આપ્યો છે.

અભિનેતાની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે અમે પાર્ટીને ચૂંટણી પંચમાં રજિસ્ટર કરવાની પ્રક્રિયામાં છીએ. જે આગામી લોકસભાની ચૂંટણી લડવાને બદલે 2026ની તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં જીતની સંભવિત શરૂઆતનો તખ્તો તૈયાર કરી રહ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે અભિનેતાની રજિસ્ટર્ડ ફેન ક્લબ વિજય મક્કલ ઇયક્કમ છે, જે અનેક સામાજિક કલ્યાણની પ્રવૃત્તિઓમાં સંકળાયેલી છે. તેને પૂર્ણ રાજકીય પક્ષમાં પરિવર્તિત કરવામાં આવી રહી છે. અભિનેતાના નજીકના લોકોના જણાવ્યા અનુસાર કેરળ અને કર્ણાટકમાં તેમના મજબૂત અને સંગઠિત પ્રશંસકોની સંખ્યાને જોતાં પાર્ટીની પહોંચ તમિલનાડુથી આગળ વધવાની અપેક્ષા છે.

આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે પાર્ટીની રચના હાલમાં સાવચેતીપૂર્વક તૈયારીના તબક્કે છે. અભિનેતાની નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે હવે વધુ વહીવટી કાર્ય થઈ રહ્યું છે. 100થી વધુ લોકો પાસેથી આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ અને એફિડેવિટ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. જેમાં જાહેર કરવામાં આવી રહ્યું છે કે તેઓ કોઈ અન્ય રાજકીય સંગઠન સાથે સંકળાયેલા નથી, જે આવતા અઠવાડિયાની આસપાસ દિલ્હીમાં ચૂંટણી પંચને સુપરત કરવામાં આવશે.

વિજયને તેના પ્રશંસકો થલાપતિના નામથી ઓળખે છે

તમિલનાડુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિજયને તેના પ્રશંસકો થલાપતિના નામથી ઓળખવામાં આવે છે. તેને તમિળ સિનેમામાં આગામી રજનીકાંત તરીકે ગણવામાં આવે છે. લાંબા સમયથી તેમને શરમાળ વ્યક્તિ માનવામાં આવે છે, પરંતુ તેમની છબી તદ્દન વિપરીત છે. જેમાં ઓન એક્શન હીરો અને પર્સનાલિટીનો સમાવેશ થાય છે. રાજકારણમાં પ્રવેશ તેમને એક મહત્વપૂર્ણ સ્થાન આપશે. જે તેમની કારકિર્દીના નવા અધ્યાયનો સંકેત આપે છે.

તમિલનાડુમાં અભિનેતામાંથી રાજનેતા બનેલા લોકોની લાંબી યાદી

આ સાથે જ થલાપતિ વિજય તમિલનાડુમાં અભિનેતામાંથી રાજનેતા બનેલા લોકોની લાંબી યાદીમાં સામેલ થઈ જશે. જેમાં એમજીઆર તરીકે જાણીતા એમજી રામચંદ્રન, શિવાજી ગણેશન, જયલલિતા, દિવંગત કેપ્ટન વિજયકાંત અને કમલ હાસનનો સમાવેશ થાય છે.

49 વર્ષીય અભિનેતા તમિલનાડુના સરેરાશ રાજકારણી કરતા ઘણો નાનો છે. તેઓ ડીએમકેના 46 વર્ષીય ઉદયનિધિ સ્ટાલિન અને 38 વર્ષીય પ્રદેશ ભાજપ અધ્યક્ષ કે.અન્નામલાઈ જેવા યુવા રાજકારણીઓના જૂથમાં જોડાશે. આ ગ્રુપમાં સૌથી મોટું નામ ફિલ્મ દિગ્દર્શકમાંથી આક્રમક તમિલ રાષ્ટ્રવાદી બનેલા તમિલર કાચીના 57 વર્ષીય નેતા સીમાન સૌથી મોટા છે.

આ પણ વાંચો – નીતિશ કુમારના યૂ ટર્ન પર રાહુલ ગાંધીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, કહી આવી વાત

રાજકારણમાં પ્રવેશવાનો વિજયનો નિર્ણય હંમેશા તેમના મહત્વાકાંક્ષી પિતા અને ફિલ્મ દિગ્દર્શક એસ.એ.ચંદ્રશેખર સાથે જોડાયેલો રહ્યો છે. તેની યોજનાઓનો સીધો સંકેત ગયા જૂનમાં પ્રથમ વખત દેખાયો હતો. કેટલાક મહિનાઓ પછી તેમણે પોતાના પિતાથી દૂરી બનાવી અને ચેન્નઈમાં એક વિદ્યાર્થી રેલીમાં ભાગ લીધો હતો. ત્યાં થલાપતિ વિજયે સ્કૂલના વિદ્યાર્થીઓને સંબોધતાં કહ્યું હતું કે તેઓ તેમના માતા-પિતાને કહે કે તેઓ રાજકારણીઓ પાસેથી મતના બદલામાં રોકડ ન લે. તેમણે બી આર આંબેડકર, પેરિયાર ઇ વી રામાસામી અને કે કામરાજ જેવા નેતાઓ વિશે વાંચવા અને તેમની વિસ્તૃત ચર્ચા કરવા પણ જણાવ્યું હતું.

ફેન ફોલોઇંગ કમલ હાસન અથવા તો દિવંગત કેપ્ટન વિજયકાંતથી પણ ઘણી વધારે

તે યુવાન છે અને એમજીઆર અથવા રજનીકાંત જેવા ફિલ્મ સ્ટાર્સ જેટલા જ લોકપ્રિય છે અને તેમની ફેન ફોલોઇંગ કમલ હાસન અથવા તો દિવંગત કેપ્ટન વિજયકાંતથી પણ ઘણી વધારે છે. જોકે આ અહેવાલ આવે ત્યારે ટોચના રાજકારણીઓ તેમના રાજકીય પ્રવેશ અંગેની અફવાઓ પર પ્રતિક્રિયા આપવામાં સાવચેત રહ્યા છે. એઆઈએડીએમકેના નેતા એડપ્પાદી પલાનીસ્વામીથી માંડીને ઉદયનિધિ અને અન્નામલાઈ સુધીની હસ્તીઓએ તેમના આ પગલાને આવકાર્યું છે.

રજનીકાંતની બહુચર્ચિત રાજકીય એન્ટ્રીને ત્રણ વર્ષ પહેલા પોતે જ રદ કરી હતી. તેની સરખામણીમાં વિજય તુલનાત્મક રીતે સલામત સ્થિતિમાં છે, જે તમામ વય જૂથોના ચાહકોથી ઉત્સાહિત છે. રજનીકાંતથી વિપરીત વિજયની મજબૂત તમિલ ઓળખ પણ તેમને અલગ પાડે છે. કારણ કે રજનીકાંતના મરાઠી મૂળ અને ભાજપ-આરએસએસ સાથેના સંબંધો એવા રાજ્યમાં વિવાદનું કારણ બન્યા છે જ્યાં દ્રવિડનું રાજકારણ પ્રભુત્વ ધરાવે છે.

ઘણા વર્ષોથી રજનીકાંતના ફોલોઅર્સની જેમ વિજયના ચાહકો ઉપર પણ મોટા બજેટની ફિલ્મ રિલીઝ દરમિયાન અભિનેતાની માર્કેટ વેલ્યુ વધારવા અને તેના પ્રમોશન માટે તેના રાજકીય પ્રવેશ વિશે અફવાઓ ફેલાવવાનો આરોપ મુકવામાં આવ્યો છે.

વિજયની છેલ્લી ફિલ્મ લીઓ હતી અને તેની આગામી ફિલ્મ વેંકટ પ્રભુ દ્વારા દિગ્દર્શિત ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઇમ છે. 2017માં વિજયે પોતાની ફિલ્મ મર્સલમાં જીએસટીને લઇને સંવાદથી ભાજપને પરેશાન કરી દીધું હતું. આ કારણે રાજકીય વિવાદ સર્જાયો હતો. જેમાં રાહુલ ગાંધી અને પી.ચિદમ્બરમ જેવા કોંગ્રેસી નેતાઓએ ભાજપની ટીકા કરી હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ