ભારત રાષ્ટ્ર સમિતીના વરિષ્ઠ નેતા કે કવિતા નવી દિલ્હીમાં ભૂખ હડતાળ કરી રહ્યા છે. સંસદમાં મહિલા અનામત વિધેયક રજુ કરવાની માંગણીને લઇને કવિતા ભૂખ હડતાળ પર છે. દિલ્હીના જંતર-મંતર પર કે કવિતાના દિવસભરના વિરોધમાં લગભગ 12 દળોના નેતા ભાગ લઇ રહ્યા છે. CPIM નેતા સીતારામ યેચુરીએ કહ્યું કે રાજનીતિમાં મહિલાઓને સમાન તક આપવા માટે આ વિધેયક લાવવું મહત્વપૂર્ણ છે.
કે કવિતા તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી છે. તેમણે કહ્યું કે ભાજપે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં કાનૂનને લાગુ કરવાનો વાયદો કર્યો હતો પણ સત્તામાં સ્પષ્ટ બહુમત સાથે આવ્યા છતા તેના પર એક શબ્દ કહ્યો નથી.
કે કવિતાએ કહ્યું કે મહિલા અનામત બિલ મહત્વપૂર્ણ છે અને આપણે તેને જલ્દી લાવવાની જરૂર છે. હું બધી મહિલાઓને વાયદો કરું છું કે બિલ રજુ કરાયા સુધી આ વિરોધ રોકાશે નહીં. જણાવી દઈએ કે આ વિધેયક લોકસભા અને વિધાનસભાઓમાં 1/3 સીટોને અનામત કરવા માટે એક સંવૈધાનિક સંશોધનનો પ્રસ્તાવ કરે છે.
આ પણ વાંચો – પ્રવાસીઓ પર હુમલાની કથિત અફવાઓ પર તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને ભાજપ પર પ્રહારો કર્યા
કવિતાએ કહ્યું કે અમે મહિલા અનામત વિધેયકને લઇને દિલ્હીમાં ભૂખ હડતાળ વિશે 2 માર્ચે એક પોસ્ટર જાહેર કર્યું હતું. ઇડીએ મને 9 માર્ચે બોલાવી, મેં 16 માર્ચ માટે વિનંતી કરી પણ ખબર નથી કે કઇ ઉતાવળમાં છે. જેથી હું 11 માર્ચે તૈયાર થઇ ગઇ છું. ઇડી મારી પૂછપરછ કરવામાં આટલી ઉતાવળ કેમ હતી અને મારા વિરોધના એક દિવસ પહેલા કેમ પસંદ કર્યો? આ એક દિવસ પછી થઇ શકતું હતું.
ઇડીએ આરોપ લગાવ્યો છે કે કવિતા તે સાઉથ કાર્ટેલનો ભાગ છે, જેમને દિલ્હીની હવે રદ થયેલી શરાબ નીતિ લાગુ થયા પછી લાંચથી ફાયદો થયો છે. બીઆરએસ નેતા કવિતાએ આરોપોથી ઇન્કાર કર્યો છે અને કેન્દ્ર પર રાજનીતિક ઉદ્દેશ્યો માટે તપાસ એજન્સીઓનો દુરપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ગત જૂનથી ભારત સરકાર સતત પોતાની એજન્સીઓને તેલંગાણા મોકલી રહી છે, કારણ કે તેલંગાણાની ચૂંટણી નવેમ્બર કે ડિસેમ્બરમાં થવાની છે.