Telangana Exit Poll : તેલંગાણા સહિત 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ આવી ગયા છે. તેલંગાણાના એક્ઝિટ પોલે નેતાઓને વિચારવા મજબૂર કરી દીધા છે. તેલંગાણા ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે આવશે પરંતુ, એક્ઝિટ પોલ બાદ કોંગ્રેસ, BRS અને AIMIM વચ્ચે ચિંતા વધી ગઈ છે.
એક્ઝિટ પોલના પરિણામો પર નજર કરીએ તો, AIMIM તેલંગાણામાં કિંગ મેકર સાબિત થઈ શકે છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM તેલંગાણામાં મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની BRS સાથે ગઠબંધનમાં છે. ઓવૈસીની પાર્ટી તેલંગાણામાં 9 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે અને જો એક્ઝિટ પોલનું માનીએ તો તે 4 થી 9 બેઠકો જીતી શકે છે. આવી સ્થિતિમાં જો તેલંગાણામાં કોઈપણ પક્ષને પૂર્ણ બહુમતી નહીં મળે તો AIMIM કિંગમેકર સાબિત થઈ શકે છે.
CNX ના એક્ઝિટ પોલ અનુસાર AIMIMને 5 થી 7 સીટો મળી શકે છે, જ્યારે C વોટર મુજબ AIMIM ને 5 થી 9 સીટો મળી શકે છે. જન કી બાત પોલમાં ઓવૈસીની પાર્ટીને 4 થી 7 સીટો મળી શકે છે.
2018 ની વિધાનસભા ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીએ 8 સીટો પર ચૂંટણી લડી હતી અને 7 જીતી હતી. પરંતુ આ વખતે પાર્ટી 9 સીટો પર ચૂંટણી લડી રહી છે. AIMIM જૂના હૈદરાબાદમાં 7 બેઠકો પર ચૂંટણી લડી રહી છે અને રાજેન્દ્ર નગર અને જ્યુબિલી હિલ્સમાં બે બેઠકો છે.
એક્ઝિટ પોલના આંકડા
તેલંગાણા માટે ટાઇમ્સ નાઉ-ઇટીજીના એક્ઝિટ પોલ અનુસાર, કોંગ્રેસ પાર્ટી 60 થી 70 બેઠકો જીતી શકે છે. તો બીઆરએસને 37 થી 45 બેઠકો મળી શકે છે. AIMIM ને 5 થી 7 સીટો મળી શકે છે, જ્યારે BJP 6 થી 8 સીટો જીતી શકે છે. સીએનએક્સના એક્ઝિટ પોલ મુજબ, કોંગ્રેસ 63 થી 79 બેઠકો, BRS 31 થી 47, ભાજપ 2 થી 4 અને AIMIM 5 થી 7 બેઠકો જીતી શકે છે. પોલસ્ટ્રેટ મુજબ કોંગ્રેસ 49 થી 59 બેઠકો, ભાજપ 5 થી 10, AIMIM 6 થી 8 અને BRS 48 થી 58 બેઠકો જીતી શકે છે.
AIMIM કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે
જો આપણે એક્ઝિટ પોલના ડેટા પર નજર કરીએ તો, તેલંગાણામાં સખત સ્પર્ધા છે અને BRS કે કોંગ્રેસમાંથી કોઈને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી નથી. પરંતુ બંને પક્ષો ચોક્કસપણે બહુમતની નજીક જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં AIMIM કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે.