Accident News : દેશમાં બે મોટા અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં તેલંગાણાના હૈદરાબાદમાં એક એરક્રાફ્ટ ટ્રેઈનિંગ દરમિયાન દુર્ઘટનાનો ભોગ બનતા બે પાયલોટના મોત થયા છે, તો શિમલાના મંડી જિલ્લામાં એક પિકઅપ ગાડી ખીણમાં ખાબકતા 6 મજૂરોના મોત થયા છે.
હૈદરાબાદ એરક્રાફ્ટ ક્રેશ દુર્ઘટના, બે પાયલોટના મોત
સૌપ્રથમ હૈદરાબાદ અરક્રાફ્ટ અકસ્માતની વાત કરીએ તો, તેલંગાણાના હૈદરાબાદમાં એક મોટો અકસ્માત થયો છે. પિલાટસ ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ થયું અને તેમાં સવાર બે પાઈલટ મૃત્યુ પામ્યા. ડુંડીગલમાં એરફોર્સ એકેડમીમાં ટ્રેનિંગ દરમિયાન વિમાન ક્રેશ થયું હતું.
વિમાન દુર્ઘટના અંગે, ભારતીય વાયુસેનાએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, “હૈદરાબાદથી નિયમિત પ્રશિક્ષણ ઉડાન દરમિયાન આજે સવારે એક Pilatus PC 7 MK IL ટ્રેનર વિમાન ક્રેશ થયું હતું. અમને ખેદ છે કે, વિમાનમાં સવાર બંને પાઈલટને ગંભીર ઈજાઓ થઈ હતી અને તઓ ” મૃત્યુ પામ્યા.” જોકે, સારી વાત એ છે કે, આ અકસ્માતમાં કોઈ સામાન્ય નાગરિકને ઈજા થઈ નથી. આ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાયલટોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેણે માઇક્રોબ્લોગિંગ સાઇટ પર લખ્યું.
શિમલામાં પિકઅપ ગાડી ખીણમાં પડી, 6ના મોત
તો બીજી બાજુ શિમલાના મંડી જિલ્લાની બોર્ડર પર આવેલા સુન્ની કસ્બા વિસ્તારમાં એક પિકઅપ ગાડી ખીણમાં ખાબકતા છ લોકોના મોત થયા છે.
શિમલા એસપીએ મીડિયાને માહિતી આપતા કહ્યું હતું કે, આ અકસ્માતમાં ત્રણ લોકોના સ્થળ પર જ મોત થયા છે, જ્યારે ત્રણ લોકોના સારવાર માટે પહોંચતા સમયે અથવા સારવાર દરમિયાન મોત થયા છે.
આ અકસ્માત સર્જાયો ત્યારે 12 લોકો ગાડીમાં હતા, તેઓ તમામ મજૂર હતા. આ દુર્ઘટના સુન્ની કસ્બા પાસ કઢારઘાટ નજીક સર્જાઈ હતી. અન્ય 6 ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત કેવી રીતે સર્જાયો તે હજુ જાણી શકાયું નથી, પરંતુ વહેલી સવારે ડ્રાઈવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ગાડી ખીણમાં પડી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે ગાડી મંડીથી કઢારઘાટ તરફ જઈ રહી હતી. ગ્રામજનોએ અકસ્માતની જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. અકસ્માતનો ભોગ બનનાર સિરમોર કાશ્મીરના હોવાનું હાલ જણાવવામાં આવી રહ્યું છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.