Uddhav Thackeray vs Eknath Shinde Dussehra Rally: વિજયા દશમીના પ્રસંગે શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ પોતાના જૂથના નેતાઓ સાથે શિવાજી પાર્કમાં યોજાયેલી રેલીમાં એકનાથ શિંદેને કટપ્પા કહ્યા હતા. તેમણે ભાજપા ઉપર પણ ઘણા પ્રહારો કર્યા હતા. ઉદ્ધવ ઠાકરે જૂથ અને શિંદે જૂથે શિવાજી પાર્કમાં રેલી માટે કોર્ટમાં અરજી આપી હતી. કોર્ટે રેલીની પરમિશન ઉદ્ધવ ઠાકરે જૂથને આપી હતી. એકનાથ શિંદે જૂથે દશેરાના પ્રસંગે બીકેસીના એમએમઆરડી ગ્રાઉન્ડમાં રેલી કરી હતી.
શિંદે પર આકરો પ્રહાર કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જનતા કટપ્પાને ક્યારેય માફ કરવાની નથી. સ્પષ્ટ છે કે શિવસૈનિકોની ગાદી પર ફક્ત એક શિવસૈનિકનો જ અધિકાર રહેશે.
આ પણ વાંચો – જમ્મુ કાશ્મીર: 3 પરિવારો પર પ્રહાર કરી અમિત શાહે કહ્યું- અમે કરાવ્યું 56 હજાર કરોડનું રોકાણ
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ગદ્દારી કરનારને ગદ્દાર જ કહેવામાં આવશે. બધાને ખબર હોવી જોઈએ કે શિવસૈનિકો પાસે જ અસલી શિવસેનાની ગાદી છે.
ભાજપા પર પ્રહાર કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે બીજેપીએ દગો આપવાનું કામ કર્યું છે. આ લોકો શિવસેનાનું નામ મિટાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જોકે આ લોકો પાસે સત્તા થોડાક સમય માટે જ રહેવાની છે. તેમનું કોઇ લાંબુ ભવિષ્ય નથી. હું હિન્દુ છું, કોઇને પણ ડરવાની જરૂર નથી અને લોકોને ઝુકવાની જરૂર નથી.
પાકિસ્તાનમાં કેક ખાનારા હિન્દુત્વ શીખવાડી રહ્યા છે – ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરેએ ભાજપા પર પ્રહાર કરતા પીએમ મોદીના નવાઝ શરીફના જન્મ દિવસે અચાનક પહોંચવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે મારે બીજેપીવાળા પાસેથી હિન્દુત્વનું જ્ઞાન લેવું નથી. મારું નામ ફક્ત ઉદ્ધવ ઠાકરે નથી પણ હું ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે છું. જે લોકો પાકિસ્તાન જઈને કેક ખાઇને આવે છે તેમને હિન્દુત્વની વાત કરવાનો હક નથી.
એકનાથ શિંદેનો વળતો પ્રહાર
બીજી તરફ ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતા CM એકનાથ શિંદેએ કહ્યું કે, ઉદ્ધવ કોંગ્રેસ-NCPની ધૂન પર નાચતા રહ્યા. તેમણે કહ્યું કે, અમે ગદ્દારી નથી કરી. ગદ્દારી 2019માં થઇ હતી. મહાવિકાસ અઘાડી (MVA) બનાવીને ગદ્દારી થઇ હતી.