જ્યારે 63 સાંસદોને એકસાથે કરી દીધા હતા સસ્પેન્ડ, જાણો સભ્યને ક્યારે અને કેવી રીતે કરવામાં આવે છે સસ્પેન્ડ, શું છે નિયમ

Sanjay Singh Suspended : આ પહેલીવાર નથી જ્યારે વિપક્ષના સાંસદને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય. આ પહેલા સાંસદોને તેમના અમર્યાદિત વર્તનના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આવો જાણીએ એ નિયમો વિશે જેના કારણે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવે છે

Written by Ashish Goyal
July 27, 2023 17:42 IST
જ્યારે 63 સાંસદોને એકસાથે કરી દીધા હતા સસ્પેન્ડ, જાણો સભ્યને ક્યારે અને કેવી રીતે કરવામાં આવે છે સસ્પેન્ડ, શું છે નિયમ
સોનિયા ગાંધી અને ચૌધરી દેવીલાલની સાથે તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી. (Express Archive)

Parliament : આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે તેમને સંસદના સમગ્ર ચોમાસુ સત્રમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. રાજ્યસભાના નેતા પીયૂષ ગોયલે સંજય સિંહને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તે ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યો હતો. સંજય સિંહને અમર્યાદિત વર્તન માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

શું છે સમગ્ર ઘટના

સોમવારે આખો વિપક્ષ મણિપુરની ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે નિવેદનની માંગ કરી રહ્યો હતો. અધ્યક્ષ ધનખડે કહ્યું કે આ અંગે પ્રશ્નકાળમાં ચર્ચા કરવામાં આવશે. આ પ્રશ્નકાળ થોડો સમય ચાલ્યો હતો જે બાદ સંજય સિંહ ચેરમેનની સીટ પર પહોંચ્યા હતા. અધ્યક્ષે તેમને પાછા જવા કહ્યું, પરંતુ તેમ છતાં તેઓએ હંગામો ચાલુ રાખ્યો. આ ઘટનાક્રમ બાદ ભાજપના નેતા પીયૂષ ગોયલે સંજય સિંહના સસ્પેન્શનનો પ્રસ્તાવ મુક્યો હતો. આ પછી સંજય સિંહને સમગ્ર ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

જો કે સંજય સિંહના સસ્પેન્શન બાદ વિપક્ષના સાંસદોએ આખી રાત સંસદની બહાર ધરણા કર્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપ ગઢીએ મણિપુર હિંસા વિશે એક નજ્મ પણ સંભળાવી હતી. જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આ પહેલીવાર નથી જ્યારે વિપક્ષના સાંસદને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય. આ પહેલા સાંસદોને તેમના અમર્યાદિત વર્તનના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આવો જાણીએ એ નિયમો વિશે જેના કારણે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવે છે.

માર્ચ 1989માં એકસાથે 63 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા

સંસદીય ઇતિહાસમાં લોકસભામાં સૌથી મોટું સસ્પેન્શન 1989માં જોવા મળ્યું હતું. સંસદમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા અંગે ઠક્કર કમિશનના રિપોર્ટ સંસદમાં રાખવાને લઈને સાંસદો હંગામો કરી રહ્યા હતા. સ્પીકરે 63 સાંસદોને સસ્પેન્ડ કરી દીધા હતા. સસ્પેન્ડ કરાયેલા સભ્યોની સાથે અન્ય ચાર સાંસદો પણ ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા.

રાજ્યસભામાં સસ્પેન્શનને લગતા નિયમો શું છે?

રાજ્યસભાના મામલે સસ્પેન્શનને લગતા નિયમો 256માં આપવામાં આવ્યા છે. આ નિયમો મુજબ અધ્યક્ષ જરૂર સમજે તો એવા સભ્યને સસ્પેન્ડ કરી શકે છે જે અધ્યક્ષના અધિકારની ઉપેક્ષા કરે અથવા વારંવાર અને જાણી જોઈને રાજ્યસભાના કામમાં વિધ્નરૂપ બનીને રાજ્યસભાના નિયમોનો દુરુપયોગ કરે. સભાપતિ સદસ્યને એક આખા સત્ર સુધી સસ્પેન્ડ કરી શકે છે અથવા સત્રના થોડા દિવસો માટે પણ સસ્પેન્ડ કરી શકે છે. સસ્પેન્શન થતાં જ રાજ્યસભાના સભ્યએ તત્કાળ ગૃહ છોડી દેવું પડેશે. આ સસ્પેન્શન પણ રદ થઈ શકે છે, પરંતુ તેના માટે શરત એ રહેશે કે તેણે પોતાના વર્તન બદલ માફી માગવી પડશે.

આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં દેશનો જીડીપી 83 ટકા વધ્યો

લોકસભામાં કયા નિયમથી થાય છે સસ્પેન્ડ?

લોકસભામાં સ્પીકરને નિયમ 373 અને 374 દ્વારા આ અધિકાર મળે છે. લોકસભાના નિયમ 373 મુજબ જો લોકસભા અધ્યક્ષને લાગે છે કે કોઈ સાંસદ સતત સદનની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડી રહ્યા છે તો તે તેમને તે દિવસ માટે સદનમાંથી બહાર કરી શકે છે, અથવા તો બાકી બચેલા સત્ર માટે પણ સસ્પેન્ડ કરી શકે છે.

સભ્યોને કોણ સસ્પેન્ડ કરી શકે?

સભ્યોને સસ્પેન્ડ કરતી વખતે અધ્યક્ષ અથવા સભાપતિએ સંબંધિત સભ્યના વર્તન અને વ્યવહારનું મૂલ્યાંકન કરવાનું હોય છે. તે નક્કી કરે છે કે સંબંધિત સભ્યને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ કે નહીં. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે કોઈ સાંસદને સસ્પેન્ડ કરવાનો અર્થ તેની સંસદીય સદસ્યતા જતી રહે તેવો નથી. તેઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરીકેનું પોતાનું સ્થાન જાળવી રાખે છે. જોકે સસ્પેન્શનના સમયગાળા દરમિયાન તેમને ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવા પર પ્રતિબંધ છે.

સાંસદોને સસ્પેન્ડ કરવાના કેટલાક જાણીતા કિસ્સાઓ

જાન્યુઆરી 2019 – સ્પીકર સુમિત્રા મહાજને ટીડીપી અને એઆઈએડીએમકેના કુલ મળીને 45 સાંસદોને સસ્પેન્ડ કર્યા હતા.

ફેબ્રુઆરી 2014 – સદનમાં તેલંગાણાના અલગ રાજ્યનો દરજ્જો આપવો કે નહીં તેને લઇને ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન હંગામો કરનારા 18 સાંસદોને સ્પીકર મીરા કુમારે સસ્પેન્ડ કરી દીધા હતા.

માર્ચ 1989 – રાજીવ ગાંધી તે સમયે વડાપ્રધાન હતા. અનુશાસનહીનતા મામલામાં એક સાથે 63 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ