(શ્યામલાલ યાદવ) ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સોમવારે રાયબરેલીમાં બહુજન સમાજ પાર્ટી (બસપા)ના સંસ્થાપક કાંશીરામની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ દરમિયાન સપાના વડાએ કહ્યું કે તેમના પિતા મુલાયમ સિંહ યાદવ દ્વારા શરૂ કરવામાં આવેલું સમાજવાદી આંદોલન ભીમરાવ આંબેડકર અને કાંશીરામ દ્વારા અપનાવેલા આંદોલનની સમકક્ષ જ હતું.

અખિલેશ યાદવે કહ્યું કે કાંશીરામે 1991માં યાદવ પરિવારના ગૃહ મતવિસ્તાર ઈટાવાથી તેમની પ્રથમ લોકસભા ચૂંટણી જીતી હતી, ત્યારબાદ એક નવી રાજનીતિની શરૂઆત થઈ હતી. કાંશીરામ અને મુલાયમ સિંહ યાદવ બંનેએ 1993ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે બસપા અને સપા વચ્ચેના ગઠબંધન પહેલાં રાજકરણના સફરમાં ઘણો લાંબો રસ્તો કાપ્યો હતો.
મુલાયમ અને કાંશીરામના રાજકીય જીવનની શરૂઆત
બસપા અને સપા એ અનુસૂચિત જાતિ (SC) અને કોંગ્રેસની મુખ્ય વોટ બેંક ગણાતા લઘુમતીઓને પોત-પોતાના પક્ષમાં આવરી લઇને યુપીની સૌથી જૂની પાર્ટીના શાસનનો અંત આણ્યો અને બંને રાજકીય પક્ષોએ પોતાની વિચારસરણી ફેલાવવાનો પ્રયાસ કર્યો.

બસપા-સપાના સંબંધોના ઈતિહાસ પર નજર કરીએ તો જાણવા મળે છે કે બંને પક્ષોના સ્થાપકોએ પોતપોતાની પાર્ટીઓની તાકાતનો અહેસાસ કર્યા બાદ એકબીજા સાથે હાથ મિલાવવાનો નિર્ણય લીધો હતો. મુલાયમ સિંહે ઓક્ટોબર 1992માં સમાજવાદી પાર્ટીની રચના કરી હતી. જ્યારે કાંશીરામે વર્ષ 1984માં પોતાના DS-4 (દલિત શોષિત સમાજ સંઘર્ષ સમિતિ)ની જેમ સામાજિક એન્જિનિયરિંગના પ્રયોગ બાદ બહુજન સમાજવાદી પાર્ટીની સ્થાપના કરી હતી.
મુલાયમ સિંહ યાદવ 60ના દાયકાની મધ્યમાં રામ મનોહર લોહિયાની સંયુક્ત સોશ્યલિસ્ટ પાર્ટી (એસએસપી)માં સામેલ થયા હતા અને અહીંયાથી જ તેમની રાજકીય કારર્કિદીની શરૂઆત થઇ હતી.

મુલાયમ સિંહે કાશીરામને ઇટાવાથી ચૂંટણી લડવા માટે રાજી કર્યા
મુલાયમ સિંહ યાદવને બહુજન સમાજવાદી પાર્ટીની શક્તિનો આભાસ બહુ પહેલાથી જ થઈ ગયો હતો. 1991ની લોકસભા ચૂંટણીમાં ચંદ્રશેખર સરકારના પતન બાદ મુલાયમ સિંહ યાદવે કાંશીરામને ઈટાવાથી ચૂંટણી લડવા માટે રાજી કર્યા અને તેમની સામે કોઈ ઉમેદવાર ઊભો રાખ્યો નહીં. આ દરમિયાન જનતા દળના તત્કાલિન નેતા વીપી સિંહ સાથે મુલાયમના સંબંધો બગડ્યા હતા અને મુલાયમ સિંહ યાદવ એક નવું રાજકીય જોડાણ ઈચ્છતા હતા. અહીંથી જ કાંશીરામ અને મુલાયમ બંને એક બીજાની નજીક આવવાનો સિલસિલો શરૂ થયો.
કાશીરામે પોતાની પ્રથમ લોકસભા ચૂંટણી 1984માં જાંજગીર-ચંપા (હવે છત્તીસગઢમાં)થી અપક્ષ ઉમેદવાર તરીકે લડી હતી. ત્યારે માયાવતીએ પણ ઉત્તર પ્રદેશનાના કૈરાનાથી ચૂંટણી જંગમાં ઉતર્યા હતા. જોકે બંનેનો પરાજય થયો હતો. કાંશીરામને 8.81 ટકા અને માયાવતીને 9.94 ટકા વોટ મળ્યા હતા.

બસપા અને સપા બંનેએ 1993ની યુપી વિધાનસભા ચૂંટણી એકસાથે લડવા માટે હાથ મિલાવ્યા હતા. સપાએ 256 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 109 બેઠકો જીતી હતી, જ્યારે બસપાએ 164 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 67 બેઠકો જીતી હતી. દલિત અને ઓબીસી મતદારોએ તેમના જોડાણને ટેકો આપ્યો, ત્રિશંકુ વિધાનસભામાં બંને પક્ષોએ ભાજપ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું.કોંગ્રેસ સહિત કેટલાક અન્ય પક્ષોએ પણ સપા-બસપા ગઠબંધનને સમર્થન આપ્યું, મુલાયમ સિંહે 4 ડિસેમ્બર 1993ના રોજ બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
ત્યારબાદ બંને પક્ષો વચ્ચે પડી તિરાડ
ગઠબંધનની સરકાર બન્યાના થોડાક જ મહિના બાદ સપા અને બસપા વચ્ચે તિરાડ પડવા લાગી. બંને પાર્ટીઓ પોતાનું પ્રભુત્વ વધારવાનો પ્રયાસ કરવા લાગી હતી. બસપાએ કેટલાંક સૌથી પછાત સમુદાયો સુધી પહોંચીને પોતાની દલિત વોટ બેંકને મજબૂત કરવાનું શરૂ કર્યું. જેની મુલાયમ સિંહ પર સીધી અસર થવા લાગી. 31 મે, 1995ના રોજ બસપાના રાજ્યસભાના સાંસદ અને કાંશીરામના નજીકના વેપારી જયંત મલ્હોત્રાએ કહ્યું કે, મુલાયમ ટુંક સમયમાં સત્તામાંથી બહાર થઇ જશે. જુલાઇ 1994માં કાંશીરામે સરકારમાંથી હટવાની વાત ધમકી આપી પરંતુ વાત આગળ વધી ન હતી.

પરંતુ 1 જૂન, 1995ના રોજ બસપાએ સરકાર સાથે ગઠબંધન તોડી નાંખ્યુ. રાજપાલ વોરાએ મુલાયમને રાજીનામું આપવા જણાવ્યું હતું, પરંતુ તેમણે પદ છોડવાનો ઇનકાર કરી લીધો. આ દરમિયાન બસપાને વિભાજનનો સામનો કરવો પડ્યો કારણ કે રાજ બહાદુરની આગેવાની હેઠળના જૂથના 25 ધારાસભ્યોએ બસપા(R) નામનું એક અલગ સંગઠન બનાવવા માટે અલગ થઈ ગયા હતા.





