Uttarkashi Tunnel Rescue : ઉત્તરાખંડમાં નિર્માણાધીન ટનલમાં ફસાયેલા 41 મજૂરોને હવે ગમે ત્યારે બહાર કાઢવામાં આવે તેવી સંભાવના છે. ટનલની બહાર રાહ જોનારાઓમાં ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીના મનજીત ચૌધરીના પિતા પણ સામેલ છે, જે પોતાની પત્નીના દાગીના ગિરવે મુકીને અહીં પહોંચ્યા છે. તેમની પાસે એટલા પૈસા ન હતા કે તે અહીં ભાડું આપીને આવી શકે.
અન્ય 40 મજૂરો સાથે ટનલમાં ફસાયેલા પોતાના 22 વર્ષીય પુત્ર મનજીતની આતુરતાથી રાહ જોઈ રહેલા ઉત્તર પ્રદેશના લખીમપુરના એક ખેતમજૂર ચૌધરીએ જણાવ્યું હતું કે અધિકારીઓએ અમને જણાવ્યું છે કે હવે શ્રમિકો ટૂંક સમયમાં બહાર આવે તેવી શક્યતા છે. અમને કપડાં અને અમારો સામાન તૈયાર રાખવાનું કહેવામાં આવ્યું છે.
હું મન ભરીને પોતાના પુત્રને જોવા માંગું છું
તેમણે કહ્યું કે અમને કહેવામાં આવ્યું છે કે એકવાર કામદારોને બહાર કાઢ્યા પછી તેમની પાસે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે. મીડિયા સાથે વાત કરતી વખતે ચૌધરીના ચહેરા પર સ્મિત હતું. ચૌધરીએ મુંબઈમાં એક અકસ્માતમાં પોતાનો એક પુત્ર ગુમાવી દીધો છે, જે પછી તે મનજીત ટનલમાં ફસાઈ જવાથી ખૂબ જ નિરાશ છે. તેમણે પોતાની પીડા મીડિયાને જણાવતા કહ્યું કે હું ચાદર ફેલાવીને ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે પુત્ર બને તેટલી વહેલી તકે ટનલમાંથી બહાર નીકળી જાય. હું મન ભરીને પોતાના પુત્રને જોવા માંગું છું.
મારો દીકરાને પોતાના કરતાં પરિવારની વધારે ચિંતા
મનજિતના પિતાએ જણાવ્યું કે સુરંગમાં ફસાયેલા પોતાના પુત્ર સાથે વાત કરી છે. દીકરાએ કહ્યું કે તે ઠીક છે. તેણે પરિવાર વિશે પૂછપરછ કરી અને પરિવારના સભ્યોને હિંમત જાળવવા કહ્યું હતું. તેણે કહ્યું કે તે માત્ર તેના પરિવારના સભ્યો વિશે પૂછતો હતો. કહેતો હતો કે પરિવારવાળા હિંમત રાખે તો તે બહાર આવી જશે. તે પોતાના કરતાં પોતાના પરિવાર વિશે વધુ વિચારે છે.
આ પણ વાંચો – કોણ છે બાબા બૌખ નાગ દેવતા? સિલ્કયારાના લોકોનો દાવો – તેમની કૃપાથી જ થશે કલ્યાણ
સુરંગમાં ફસાયેલા જયમલ સિંહના ભાઈ ગબ્બર સિંહે શું કહ્યું?
સુરંગમાં ફસાયેલા અન્ય મજૂર ગબ્બર સિંહ નેગીના મોટા ભાઈ જયમલ સિંહે કહ્યું કે તેઓ હાલના તબક્કે પોતાની લાગણી વ્યક્ત કરી શકતા નથી. તેમણે જણાવ્યું હતું કે આજે કુદરત પણ ખુશ દેખાઈ રહી છે અને ઠંડી હવા સાથે ઝાડ-પાન ઝુમી રહ્યા છે. તેમણે પણ કહ્યું કે તેમને સામાન તૈયાર રાખવા અને આગળના આદેશની રાહ જોવા કહ્યું છે.
નેગીએ કહ્યું કે અમે ટનલની બહાર તેમની રાહ જોઇને ઉભા છીએ અને તેઓ (ફસાયેલા કામદારો) પણ સંઘર્ષ કરી રહ્યા છે. અમે આશા રાખીએ છીએ કે આ બધું જલ્દી પુરં થાય. ચારધામ યાત્રા માર્ગ પર બની રહેલી ટનલનો એક ભાગ 12 નવેમ્બરના રોજ ધરાશાયી થયો હતો, જેમાં 41 કામદારો ફસાયા હતા. તેમને બહાર લાવવા માટે છેલ્લા 16 દિવસથી યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.





